શહેર પોલીસ કમિશનરે આવું નિવેદન ન આપવું જાેઈએ  હાઈકોર્ટની ઝાટકણી
11, નવેમ્બર 2023

અમદાવાદ આજે રખડતાં ઢોર, રસ્તા, ટ્રાફિક મુદ્દે ચાલી હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી. જેમાં કોર્ટે કહ્યું હતું કે, માલધારીઓ કાયદા મુજબ પગલાં લઈ શકે છે, પરંતુ જાે નિકોલ જેવી ઘટના ફરી બની તો કોર્ટ સખત પગલાં લેશે. એએમસીએ જણાવ્યું હતું કે, કોર્ટનો ખરો તિરસ્કાર ઓથોરિટી નહિ પરંતુ પશુમાલિકો કરી રહ્યા છે. સાથે જ એએમસીએ જણાવ્યું હતું કે, અમે ઢોરના પ્રાઈવેટ વાડામાં જઈશું. માલધારી સમાજના વકીલે કોર્ટને કહ્યું હતું કે, અમારી સાથે ગાઝાના લોકો જેવું વર્તન થઈ રહ્યું છે, અમને શહેરની બહાર ધકેલી દેવાના હોય તેવું લાગી રહ્યું છે. રખડતાં ઢોર, રસ્તા અને ટ્રાફિક મુદ્દે હવે દિવાળી વેકેશન બાદ ૧ ડિસેમ્બરે વધુ સુનાવણી હાથ ધરાશે. માલધારી સમાજના વકીલે રજૂઆત કરી હતી કે, લાયસન્સધારક પશુમાલિકોના વાડામાં એએમસી ઓફિસર ઘૂસી જાય છે. તેઓ પોલીસ સાથે નહિ પરંતુ પ્રાઈવેટ બાઉન્સર સાથે અને લાકડીઓ સાથે આવે છે, તેમની પાસે તેના ફોટા છે. તેઓએ મહિલાઓને માર માર્યો છે. જે સંદર્ભે કોર્ટે કહ્યું હતું કે તમે એક તરફની ના કરો, અમદાવાદના શાહીબાગમાં ઉપર થયેલ હુમલો જાેયો! નિકોલ અને ઓઢવમાં એએમસીના કર્મચારીઓ સાથે ઢોર માલિકોએ શું કર્યું તે જાેયું! એએમસી કર્મચારી ઉપર ઢોર માલિકો હુમલો કરે છે. તેમ ન કરવા તમે માલધારીઓને સમજાવો. આજે સુનાવણી શરૂ થતાં એએમસી કર્મચારીઓને કોર્ટના નિર્દેશોનું પાલન કરતી વખતે સુરક્ષા પૂરી પાડવા અંગે અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા ફાઈલ કરાયેલી એફિડેવિટ રજૂ કરાઈ હતી. જેમાં જણાવાયું હતું કે, એડિશનલ પોલીસ કમિશનર ટ્રાફિક દ્વારા દરેક ઝોનમાં ૧ ૫ીએસઆઈ અને ૧૧ પોલીસ કર્મચારી ફાળવાયા છે. ટ્રાફિક વિભાગ દ્વારા પોલીસ કમિશનર સાથે ચર્ચા કરાઈ અને જરૂરી નિર્દેશો બહાર પાડવામાં આવ્યા છે. એએમસી કર્મચારીઓ ઉપર હુમલો કરનારા અસમાજિક તત્વો સામે કડક હાથે કામ લેવાશે. તેમજ સતત મોનિટરિંગ કરાશે. ટ્રાફિક સમસ્યા હળવી કરવાનું કાર્ય પણ ખંતથી કરાશે.

અમદાવાદમાં થોડા દિવસ પહેલાં રિવરફ્રન્ટ પર યુવકે બંદૂકમાંથી ગોળી મારી આત્મહત્યા કરી હતી. આ કેસને લઈને પોલીસ કમિશનર જી.એસ. મલિકે ઘટનાસ્થળે જઈ જાત નિરીક્ષણ કર્યું હતું. આ વખતે તેઓએ મીડિયાને નિવેદન આપ્યું હતું કે, શહેરમાં બે કે પાંચ ટકા ગુના વધે અથવા તો ઘટે એમાં કોઈ ફરક પડવાનો નથી, પરંતુ મહત્ત્વની વાત એ છે કે ગુના નોંધાઈ રહ્યા છે અને એને ઉકેલવામાં પણ પોલીસ કામગીરી કરી રહી છે. જી.એસ. મલિકના આ નિવેદનની હાઈકોર્ટે નોંધ લીધી છે અને પોલીસ કમિશનરની ઝાટકણી કાઢી છે. કોર્ટે જણાવ્યું હતું કે, પોલીસ કમિશનરે આવું નિવેદન ન આપવું જાેઈએ. કોર્ટે જણાવ્યું હતું કે, આવાં નિવેદનો પોલીસ કમિશનરે ન આપવાં જાેઈએ. તેઓ શહેર પોલીસના સૌથી ઉચ્ચ હોદ્દેદાર છે. દરેક ન્યૂઝપેપરમાં તેમનાં નિવેદન છપાયાં છે. તેમના માથે શહેરમાં કાયદો અને વ્યવસ્થાના પાલનની મોટી જવાબદારી છે. આવી નીચી કક્ષાનાં નિવેદનથી લોકોમાં નકારાત્મક મેસેજ જાય છે. જ્યારે રખડતાં ઢોર, રસ્તા અને ટ્રાફિકના કેસમાં એએમસીકર્મચારીઓને કોર્ટના નિર્દેશોનું પાલન કરતી વખતે સુરક્ષા પૂરી પાડવા અંગે પોલીસના સોગંદનામામાં જણાવ્યું છે કે, એડિશનલ પોલીસ કમિશનર ટ્રાફિક દ્વારા દરેક ઝોનમાં ૧ પીએસઆઈ અને ૧૧ પોલીસ કર્મચારી ફાળવાયા છે. પોલીસ કમિશનર સાથે ચર્ચા કરાઈ છે અને જરૂરી નિર્દેશો બહાર પાડવામાં આવ્યા છે. આવા અસામાજિક તત્ત્વો સામે કડક હાથે કામ લેવાશે. સતત મોનિટરિંગ કરાશે. ટ્રાફિક સમસ્યા હળવી કરવાનું કાર્ય પણ ખંતથી કરાશે. ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ઉપર શાહીબાગ ખાતે ૨૫ ઓક્ટોબરે દબાણ દૂર કરતા હુમલો થયો હતો. એક એએમસીકર્મચારીએ ૧૦૦ નંબર ઉપર પોલીસને જાણ કરી હતી. પોલીસ તુરંત ઘટનાસ્થળે પહોંચી હતી. ૨૬ ઓક્ટોબરે એફઆઈઆરનોધાઈ છે. ૯ જેટલા જાણીતા અને ૫થી ૭ જેટલા અજાણ્યા શખસો સામે ફરિયાદ નોંધાઈ છે. અજાણ્યા વ્યક્તિઓમાં ૩ને ઓળખી લેવાયા છે. પંચનામું કરાયું છે અને કુલ ૮ની ધરપકડ કરી તમામ જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી અપાયા છે.

દરેક જગ્યાએ પોલીસને કડક હાથે કામ લેવા સરકારની સૂચના

કોર્ટના ધ્યાને આવ્યું કે ઢોર માલિકોએ ગૌચર ન હોવા જેવા અનેક મુદ્દે બેનર સાથે રેલી કાઢી હતી. સરકારે કહ્યું કે, તેમને શેડ અને વાડા જેવી વ્યવસ્થાઓ અપાઈ છે. અરજદારે ઓથોરિટીના કામની પ્રશંસા કરી હતી. કોર્ટે પણ નોંધ્યું કે, ઓથોરિટી સાચા સ્પિરિટથી હવે કામ કરી રહી છે. ઉચ્ચ અધિકારીઓએ જમીન લેવલે વ્યવસ્થાઓને એક્ટિવ કરી છે, સરકારે જણાવ્યું હતું કે, દરેક જગ્યાએ પોલીસને આ સમસ્યાઓ સંદર્ભે કડક હાથે કામ લેવા સૂચના અપાઈ છે. કોર્ટે કહ્યું કે, જે પ્રમાણે કામ ચાલી રહ્યું છે તે પ્રમાણે કામ ચાલુ રાખવામાં આવે, આ દરમિયાન થયેલી કામગીરી અંગે દિવાળી વેકેશન બાદ એફિડેવિટ ફાઈલ કરવી.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution