જામનગર-

રાજ્યના નવ નિયુક્ત મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આજરોજ વરસાદની અતિવૃષ્ટિથી અસરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચ્યા હતા. તેમણે સ્થિતીનો તાગ મેળવીને અસરગ્રસ્ત ગ્રામજનોને સરકાર તરફથી પુરતી મદદ કરવાની ખાતરી આપી હતી. અને સૌનું જીવન બહેતર બનાવવા માટે સરકાર પ્રયત્નશીલ છે તેવું જણાવ્યું હતું. જામનગર અને આસપાસના વિસ્તારોમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા તેમન રાહતકામગીરી શરૂ કરી દેવા માટે સુચન આપ્યું હતું. જેને પગલે એરફોર્સ, એનડીઆરએફ અને એસડીઆરએફની વિવિધ ટુકડીઓ રાહત કાર્યમાં જોડાઇ હતી. મુખ્યમંત્રીએ કહ્યું કે જામનગર ગ્રામ્યમાં વરસાદને કારણે 4760 લોકોને સલામત સ્થળે સ્થળાંતરિત કરવામાં આવ્યાં છે અને 144 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રીએ કહ્યું કે પ્રાથમિક નિરીક્ષણમાં 41 હજાર હેક્ટર જમીનને નુકસાન થયું હોવાનો અંદાજ છે. તેમણે કહ્યું સફાઈ, આરોગ્ય વગેરેની ટીમો બનાવીને તેમજ સર્વેની ટીમે અત્યારે કામ કરવાનું શરૂ કરી દીધું છે. મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે કહ્યું કે 84 ગામોમાં વીજળી ગઈ છે એ આવતીકાલ 15 સપ્ટેમ્બર સાંજ સુધીમાં 100% પૂર્વવત થઇ જશે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે કહ્યું કે જામનગર શહેરમાં પણ અમુક નીચાણવાળા ભાગોમાં રેસ્ક્યુની ટીમ દ્વારા 724 લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યાં છે અને 1146 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. લગભગ 10 હજાર ફૂડ પેકેટ બનાવી વિતરણ કરવા માટે આપી દીધા છે. મુખ્યપ્રધાન પટેલે કહ્યું કે કમિશ્નર તેમજ સફાઈ અને આરોગ્યની ટીમ જેટલું બને એટલું ઝડપથી સફાઈ થઇ જાય અને રોગચાળો ન ફેલાય તે દિશામાં કામ કરવામાં આવી રહ્યું છે.