CM ભૂપેન્દ્ર પટેલ આજે પોરબંદરની મુલાકાતે,નગરપાલિકા સેવાસદનના નવનિર્મિત બિલ્ડિંગનું લોકાર્પણ કર્યું
02, ઓક્ટોબર 2021 495   |  

ગાંધીનગર-

ગાંધી જયંતિ નિમિત્તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે પોરબંદર ખાતે મહાત્મા ગાંધીજીની જન્મ ભૂમિ પોરબંદર ગયા હતા. જ્યાં બાપુના જન્મ સ્થળ એવા કીર્તિમંદિરમાં આયોજિત પ્રાર્થનાસભામાં સહભાગી થયા હતા. ત્યાર બાદ તેમણે પોરબંદર-છાંયા સંયુક્ત નગરપાલિકા સેવાસદનના નવનિર્મિત બિલ્ડિંગનું લોકાર્પણ કર્યું હતું. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મજંયતિ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે બાપુની જન્મભૂમિ એવા પોરબંદરમાં બાપુના જન્મસ્થળ કિર્તીમંદિરમાં આયોજીત પ્રાર્થનાસભામાં સહભાગી થયાં હતાં.. બાપુની તસ્વીરને પુષ્પાંજલિ અર્પી તેમને નમન કર્યાં હતાં.

જ્યારે પ્રાર્થના સભામાં કૃષિ મંત્રી રાઘવજી પટેલ, કથાકાર અને સાંદિપની ગુરુકુળના સ્થાપક પૂજ્ય રમેશ ભાઈ ઓઝા, પોરબંદરના સાંસદ રમેશ ધડુક, રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયા, તેમજ ધારાસભ્ય બાબુભાઇ બોખીરીયા અને અગ્રણીઓ સહિત જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યાં હતાં. ત્યારબાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્વચ્છતા યાત્રાને લીલીઝંડી આપીને પ્રસ્થાન પણ કરાવી હતી. આ ઉપરાંત ગાંધી જયંતિ નિમિત્તે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહાત્મા ગાંધીજીની જન્મભૂમિ પોરબંદર ખાતે અંદાજે રૂપિયા 6.30 કરોડના ખર્ચે નિર્માણ પામેલ પોરબંદર-છાંયા સંયુક્ત નગરપાલિકાના આધુનિક સુવિધાસભર ભવનનું લોકાર્પણ કરીને શહેરી જનસેવા માટે આ નવા બિલ્ડિંગને ખૂલ્લું મૂક્યું હતું.

સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત પોરબંદર-છાંયા સંયુક્ત નગરપાલિકા સેવાસદનનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ નવનિર્મિત નગરપાલિકા સેવાસદનમાં કુલ 21 રૂમો તૈયાર કરવામાં આવ્યા છે. આ નવું સેવાસદન પોરબંદર-છાંયાના જનસુવિધાના કામોને નવો ઓપ આપશે. અને જનસુખાકારીની નેમ વધુ વેગવાન બનશે તેમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું. આ અવસરે રાજયના કૃષિ મંત્રી રાઘવજી પટેલ તેમજ સાંસદ રમેશ ધડુક, રાજ્ય સભાના સાંસદ રામભાઈ મોકરિયા, ધારાસભ્ય બાબુભાઇ બોખિરીયા અને અગ્રણીઓ આ વેળાએ ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે સાંજે રૂપિયા 4.30 કરોડના ખર્ચે તૈયાર થયેલ ચિલ્ડ્રન હોમનું પણ ઉદ્ધાટન કર્યું હતું. ત્યાર બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાંદિપની આશ્રમમાં કથાકાર રમેશભાઈ ઓઝાની સાથે પણ મુલાકાત કરી હતી.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution