ગુજરાતના CM ભુપેન્દ્રભાઈ પટેલે આજે ઐતિહાસિક તીર્થ કુંડળધામની મુલાકાત લીધી
23, ઓક્ટોબર 2021

કુંડળધામ-

ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે આજે ઐતિહાસિક તીર્થ કુંડળધામની શુભેચ્છા મુલાકાત લીધી હતી. કુંડળધામના પ્રણેતા પરમ પૂજ્ય સદગુરુ જ્ઞાનજીવનદાસજી સ્વામીના દર્શન કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. મુખ્યમંત્રીશ્રીએ તેમના પ્રવચનમાં પ્રજાની સુખાકારી માટે કામ કરવાનો કોલ આપી જણાવ્યું હતું કે, ખૂબ સારા કાર્યો કરી અમારી ટીમ ગુજરાતમાં આગળ વધવા માંગે છે. તેમાં પૂજ્ય ‌જ્ઞાનજીવનદાસજી સ્વામી જેવા સંતોના આશીર્વાદ મળી રહ્યા છે તે અમારા અહોભાગ્ય છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આત્મનિર્ભર ભારતના કોલને સાર્થક કરવા ગુજરાતને પણ આત્મનિર્ભર બનાવી નરેન્દ્રભાઈ સાથે ખભેખભો મિલાવી કામ કરીશું તેમ જણાવ્યું હતું. મુખ્યમંત્રીશ્રીએ પ્રાકૃતિક ખેતી અપનાવી પ્રજાને જંતુનાશક દવા અને યુરિયાના ઝેરથી બચાવવા અનુરોધ કર્યો હતો અને કુંડળધામદ્વારા કરવામાં આવતા પ્રાકૃતિક ખેતીના કાર્યને બીરદાવતા પ્રસન્નતા વ્યક્ત કરી હતી.

આ પ્રસંગે કુંડળધામના પ્રણેતા પરમ પૂજ્ય સદગુરુ શ્જ્ઞાનજીવનદાસજી સ્વામીએ મુખ્યમંત્રી અને તેમની ટીમને આશીર્વાદ પાઠવતા જણાવ્યું હતું કે સારા કાર્યો જોઈને અમ સૌ સંતોના દિલમાં ખુબ રાજીપો થાય છે. ભુપેન્દ્રભાઈ અને તેમની ટીમને સંગઠને નિમ્યા છે અને જે વિશ્વાસ મૂક્યો છે તેમાં કાંકરી જેટલી પણ ઉણપ ના આવે તેવી હજારો સંતો ભક્તો ભગવાનને પ્રાર્થના કરીએ છીએ અને આપના દ્વારા થતા સારા કાર્યોથી લોકો તમને વર્ષો સુધી યાદ કરે તેવી સ્વામિનારાયણ ભગવાનના ચરણોમાં પ્રાર્થના.

કુંડળધામની શુભેચ્છા મુલાકાતે આવેલા મુખ્યમંત્રીએ સૌપ્રથમ નિજ મંદિરમાં ભગવાન શ્રી સ્વામિનારાયણનાં દર્શન કર્યા હતા ત્યારબાદ તેમણે ભગવાન સ્વામિનારાયણ દ્વારા પધરાવેલા કુંડલેશ્વર મહાદેવની દૂધ-જળથી અભિષેક દ્વારા પૂજા કરી હતી ત્યાર પછી ઐતિહાસિક દરબારગઢની મુલાકાત લીધી હતી.

આ પ્રસંગે વડતાલ ટેમ્પલબોર્ડના ચેરમેન શ્રી દેવપ્રકાશ સ્વામી તથા નાર ગોકુલધામના પ્રણેતા શ્રી શુકદેવસ્વરૂપ સ્વામી તથા શહેરી વિકાસ મંત્રી શ્રી વિનુભાઈ મોરડિયા, ગુજરાત વિધાનસભાના ધારાસભ્ય શ્રી આત્મારામભાઈ પરમાર, જીલ્લા ભાજપ પ્રમુખ શ્રી ભીખુભાઈ વાઘેલા, બોટાદ જીલ્લા કલેક્ટરશ્રી, બોટાદ જીલ્લા એસ.પી. સાહેબશ્રી સહિત અન્ય મહાનુભાવો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution