પાદરા, તા. ૧૯

પાદરામાં રહેતી અને ખાનગી કંપનીમાં ફરજ બજાવતી યુવતીને સહકર્મચારી વિધર્મી યુવકે પોતે પરિણીત હોવાની વાત છુપાવીને યુવતીને પ્રેમજાળમાં ફસાવ્યા બાદ તેની પર વારંવાર બળાત્કાર ગુજાર્યો હતો. દરમિયાન યુવક પરિણીત હોવાની જાણ થતાં યુવતીએ તેની સાથે સંબંધ રાખવાનો ઈનકાર કરતા યુવકે યુવતીના માતા-પિતાને મારી નાખવાની ધમકી આપી જાહેરમાં લાફા ઝીંકતા વિધર્મી યુવક વિરુધ્ધ યુવતીએ પાદરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. દરમિયાન પાદરામાં ફરી લવજેહાદની ઘટનાની જાણ થતાં હિન્દુ સંગઠનના કાર્યકરોમાં પણ રોષ ફેલાયો છે.

પાદરામાં રહેતી સાધનસંપન્ન ગુજરાતી પરિવારની ૨૧ વર્ષીય રીમા (નામ બદલ્યુ છે) પાદરા પાસેની જાણીતી કંપનીમાં ફરજ બજાવતી હતી. દરમિયાન તેને કંપનીના સહકર્મચારી અલાઉદ્દીન ઈલિયાર રાજ (ભદારી ગામ, તા.પાદરા) સાથે સંપર્ક થતા અલાઉદ્દીને પોતે પરિણીત હોવાની વાત છુપાવીને રીમાને ગત ડિસેમ્બર-૨૦૨૧માં પ્રેમસંબંધમાં ફસાવી હતી. આ પ્રેમસંબંધમાં અલાઉદ્દીનને અન્ય સહકર્મચારી યુવતી શીલા ઠાકોર (ડભાસા,પાદરા)ને પણ મદદગારી કરી હતી. અલાઉદ્દીને રીમાને વારંવાર નોકરીથી છુટ્યા બાદ તેમજ તક મળે ત્યારે એકાંતવાળા વિસ્તારમાં લઈ જઈ તેની સાથે અંગત પળો માણી હતી.

થોડાક સમય અગાઉ અલાઉદ્દીન રીનાને ધાયજ કેનાલ પાસે બોલાવી નજીકના ખેતરમાં લઈ ગયો હતો અને તેની પર બળાત્કાર ગુજાર્યો હતો. જાેકે ત્યારબાદ રીનાએ શરીરસંબંધનો ઈન્કાર કરતા તેણે રીનાને અપશબ્દો બોલી તેમજ હુમલો કરી તેની પર વારંવાર બળાત્કાર ગુજાર્યો હતો. આ દરમિયાન અલાઉદ્દીન પરિણીત હોવાની જાણ થતાં રીનાએ તેની સાથે સંબંધો કાપી નાખ્યા હતા અને ત્યારબાદ નોકરી પણ છોડી દીધી હતી. જાેકે તેમ છતા ગત ૨૨મી ઓક્ટોબરે રીના કામઅર્થે ઘરેથી બહાર નીકળતા અલાઉદ્દીને તેનો બાઈક પર પીછો કરી તેને રસ્તામાં આંતરી હતી અને પોતાની સાથે આવવા માટે બાઈક પર બેસવા માટે દબાણ કર્યું હતું. રીનાએ તેનો ઈનકાર કરતા માથાભારે અલાઉદ્દીને તેને જાહેરમાં લાફા ઝીંક્યા હતા અને ધમકી આપી હતી કે તું મારી સાથે નહી આવે અને સંબંધ નહી રાખે તો હું તારી ઘરે આવી તારા માતા-પિતાને મારી નાખીશ. આ ધમકીથી ફફડી ઉઠેલી રીનાએ આખરે હિમ્મ્ત કરી પરિવારજનોને સમગ્ર વિગતો જણાવી હતી અને સમગ્ર બનાવની પાદરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી .ફરિયાદના પગલે પોલીસે અલાઉદ્દીન રાજ અને તેને મદદગારી કરનાર શીલા ઠાકોર સામે ગુનો નોંધી તે પૈકીના અલાઉદ્દીનની ધરપકડ કરી હતી.