/
કોમેડિયન ભારતી સિંહને ડ્રગ્સ સપ્લાઇ કરતો શખ્સ ઝડપાયો

મુંબઇ 

કોમેડિયન ભારતી સિંહ અને હર્ષ લિંબાચિયાની ડ્રગ્સ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. તેના ઘરેથી ગાંજો જપ્ત થયો હતો. ભારતીએ એનસીબી અધિકારીઓની સામે ડ્રગ્સ લેવાની વાત કબુલ કરી હતી. એક દિવસ ન્યાયિક કસ્ટડીમાં રહ્યાં બાદ ભારતી સિંહ અને હર્ષ લિંબાચિયાને જામીન મળી ગયા હતા, પરંતુ એનસીબીની કાર્યવાહી ચાલી રહી છે. એનસીબીએ મોટી કાર્યવાહી કરતા તે ડ્રગ પેડલરને ઝડપી લીધો છે,જેણે ભારતીય અને અન્ય લોકોને ડ્રગ્સ સપ્લાઈ કર્યું હતું. જાણકારી અનુસાર મુંબઈના બાંદ્રા કોર્ટ જંક્શનથી મોડી રાત્રે સુનીલ ગવાઈ નામના ડ્રગ સપ્લાયરની ધરપકડ કરવામાં આવી છે. સુનીલ ગવાઈની પાસે ૧.૨૫૦ કિલો ડ્રગ્સ જપ્ત થયું છે. એનસીબીની પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે, સુનીલ ફૂડ ડિલીવરી બોય બની બધા લોકોને ડ્રગ સપ્લાઈ કરતો હતો. ભારતી સિંહની સાથે તેણે અન્ય લોકોને ડ્રગ્સ સપ્લાઈ કરવાની વાત કહી છે.

આરોપી પેડલરનું નેટવર્ક પશ્ચિમી મુંબઈમાં વધુ સક્રિય હતું. તેની પાસે ડ્રગ્સ લેનાર પણ આ વિસ્તારમાં રહેતા હતા. મહત્વનું છે કે શનિવારે એનસીબીને ડ્રગ્સ પેડલર્સ પાસેથી ગુપ્ત સૂચના મળ્યા બાદ ભારતી સિંહના અંધેરી, લોખંડવાલા અને વર્સોવા સ્થિત ઘરોમાં દરોડા પાડ્યા હતા. આ દરમિયાન એજન્સીને ૮૬.૫ ગ્રામ ગાંજો મળ્યો હતો. હાલ ભારતી સિંહ અને પતિ હર્ષ લિંબાચિયા જામીન પર બહાર છે.


સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution