લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
24, એપ્રીલ 2026 |
2079
દેશમાં કોઇપણ રાજ્યમાં કોઇપણ બોર્ડ સંચાલિત ગમે તેવી ચમરબંધ પ્રાઇવેટ પ્રાઇમરી સ્કુલોમાં ધો.૧થી ૮ સુધી ફરજિયાત પણે નેશનલ કાઉન્સિલ ફોર એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ દ્વારા પુસ્તકો કરવામાં આવેલા સત્તાવાર પાઠ્ય પુસ્તકોથી જ શિક્ષણ કાર્ય કરાવવાનું રહેશે. આગામી જૂન મહિનાથી શરૂ થનારા શૈક્ષણિક વર્ષથી જ આ નિયમ લાગૂ કરવાનો રહેશે. નેશનલ હ્યુમન રાઇટ્સ કમિશને કરેલી આ પ્રકારની દરમિયાનગીરીને કારણે પ્રાઇવેટ સ્કુલોના ધંધાદારી સંચાલકોની કમિશનની આવક પર રોક લાગી જશે. કેટલીક પ્રાઇવેટ સ્કુલો મોંઘાદાટ પ્રાઇવેટ પબ્લિશર્સના પુસ્તકોની ખરીદી વાલીઓ પાસે ફરજિયાત કરાવડાવે છે જેમાંથી તેમને જંગી રકમનું કમિશન મળી રહે છે. પણ હવે પ્રાઇવેટ સ્કુલોના શાળા સંચાલકોએ આ પ્રેક્ટીસ બંધ કરી દેવી પડશે.
નેશનલ હ્યુમન રાઇટ્સ કમિશને સ્પષ્ટ કર્યું છે કે સરકારી કે પ્રાઇવેટ સ્કૂલોમાં બાળકો સાથે શૈક્ષણિક ભેદભાવ સહન કરવામાં આવશે નહીં. નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેઇનિંગ દ્વારા તેયાર કરવામાં આવેલાં પુસ્તકો જ પહેલા ધોરણથી લઇને આઠમા ધોરણ સુધી ફરજિયાત ભણાવવામાં આવશે.
દેશભરમાંથી ફરિયાદો બાદ પ્રિયાંક કાનૂંગોની આગેવાની હેઠળની બેન્ચે તમામ રાજ્ય સરકારો અને શિક્ષણ મંત્રાલયને નોટિસ ફટકારી છે, જેમાં ૩૦ દિવસની અંદર રિપોર્ટ માગવામાં આવ્યો છે. નમો ફાઉન્ડેશન દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદને આધારે કમિશને આ કાર્યવાહી કરી છે.
ઘણી વાર એવું જાેવા મળે છે કે પ્રાઇવેટ સ્કૂલો ઇરાદાપૂર્વક ખાનગી પ્રકાશકોનાં પુસ્તકોનો ઉપયોગ કરે છે જે નેશનલ કાઉન્સિલ ફોર એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ કરતાં દસગણાં મોંઘાં હોય છે. હવે કમિશને ફરજિયાત કર્યું છે કે ફક્ત નેશનલ કાઉન્સિલ ફોર એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ અથવા સ્ટેટ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેઇનિંગ નાં પુસ્તકો જ આઠમા ધોરણ સુધી ભણાવવામાં આવે. આમ હવે વાલીઓએ પુસ્તકો પર હજારો રૂપિયા ખર્ચવાની જરૂર રહેશે નહીં. કમિશને શિક્ષણ મંત્રાલયને એ પણ પૂછ્યું છે કે આઠમાં ધોરણ સુધીનો અભ્યાસક્રમ નિર્ધારિત સરકારી ધોરણોથી કેમ અલગ છે? સ્કૂલો હવે મનસ્વી પુસ્તકો લાદી શકશે નહીં. ૩૦ દિવસની અંદર દરેક સ્કૂલનું ઓડિટ કરવામાં આવશે. જાે કોઈ પણ સ્કૂલમાં નેશનલ કાઉન્સિલ ફોર એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ સિવાયનાં પુસ્તકો મળી આવશે તો સ્કૂલે એનો જવાબ આપવો પડશે.