ખાડી-તળાવોની સફાઇનાં વીડિયો ફોટોગ્રાફ સાથે પ્રેઝન્ટેશન કરવા કમિશનરનો આદેશ
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
29, એપ્રીલ 2026  |   2376

ખાડીપૂરથી ત્રાહિમામ શહેરીજનોને આ વર્ષે ખાડીપૂરથી મુક્તિ અપાવવા માટે મ્યુનિસિપલ કમિશનર એમ.નાગરાજન આગોતરૂ આયોજન કરી રહ્યાં છે. શહેરની વિવિધ ખાડીઓ અને તળાવોમાંથી ઉલેચાતા કચરાનાં વિડિયો તેમજ ફોટોગ્રાફ સાથેનું પ્રેઝન્ટેશન રજૂ કરવા તેમજ શહેરમાં જ્યાં વરસાદી પાણીનો ભરાવો થતો હોય તે તમામ સ્પોટનાં ફોટો રજૂ કરવા તમામ ઝોનલચીફને આદેશ કર્યો છે. સુરત શહેરમાં દર વર્ષે ખાડીપુર આવતું હોવાને કારણે ખાડીપૂરનો ભોગ બનતા લોકોમાં સુરત મહાનગરપાલિકાની કામગીરી સામે ભારે રોષ જાેવા મળે છે. જાેકે આ વર્ષે ખાડી પૂરની પરિસ્થિતિ ન સર્જાય તે માટે સુરત મ્યુનિસિપલ કમિશનર એમ. નાગરાજને પહેલેથી જ તૈયારીઓ કરી દીધી છે. આજે પણ મ્યુનિસિપલ કમિશનરે પ્રિમોન્સૂન કામગીરી માટે લીધેલી મિટિગમાં અધિકારીઓને ઉધડો લીધો હતો અને આગામી દિવસોમાં ખાડી સફાઈ મુદ્દે ફોટો અને વિડીયો સાથે રિપોર્ટ રજૂ કરવા માટે આદેશ આપ્યો છે.

સુરત શહેરમાં છેલ્લા કેટલાય વર્ષોથી દર વર્ષે ખાડી પૂરની પરિસ્થિતિનું નિર્માણ થવા પામે છે. જેના કારણે ખાસ કરીને વરાછા ઝોન, સરથાણા ઝોન, લિંબાયત ઝોન અને ઉધના ઝોન વિસ્તારમાં તેની અસર જાેવા મળે છે. આ તમામ વિસ્તારમાં અંદાજિત દસ લાખથી પણ વધારે વસ્તીને ખાડી પૂરની અસર થતી હોવાને કારણે લોકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. ગત વર્ષે દસ દિવસ સુધી ખાડી પૂરની અસર રહી હતી. જેના કારણે ખૂબ મોટી સંખ્યામાં લોકોને આર્થિક નુકસાન થયું હતું. સુરત મ્યુનિસિપલ કમિશનર એમ નાગરાજને આ વર્ષે એક મહિના પહેલા જ પ્રીમોનની કામગીરીની શરૂઆત કરાવી દીધી છે. તેઓએ ખાસ કરીને ખાડી પૂરની પરિસ્થિતિ ન સર્જાય તેના માટે સખ્ત કામગીરીના આદેશ પણ આપ્યા છે. આજે પણ મ્યુ. કમિશનર એમ નાગરાજને તમામ અધિકારીઓ સાથે પ્રીમોન્સૂન કામગીરીની મીટીંગ લીધી હતી. જેમાં તેઓએ જણાવ્યું હતું કે સુરત શહેરમાં આ વર્ષે ખાડી પૂરની પરિસ્થિતિ ન સર્જાય તે માટે ડ્રીઝિંગ ની કામગીરી વધુ સખતાઈથી કરવામાં આવે. એટલું જ નહીં પરંતુ જે પણ કામગીરી કરવામાં આવે તેના ફોટો અને વિડીયો સાથેનો રિપોર્ટ પણ રજુ કરવા માટે જણાવ્યું છે. જે પણ ઝોન વિસ્તારમાં ખાડી આવતી હોય તે ઝોનના ડેપ્યુટી કમિશનરને ખાડીમાં સાફસફાઈના સ્થળ પર ફરજીયાત વિઝીટ લેવા માટે પણ આદેશ આપ્યો છે. આ ઉપરાંત શહેરમાં અલગ અલગ ઝોન વિસ્તારમાં આવેલા તળાવોની ઊંડાઈ વધારી શકાય તે માટેનું આયોજન કરવા માટે પણ સૂચના આપી છે. વધુમાં શહેરના કયા કયા વિસ્તારોમાં વરસાદી પાણીનો ભરાવો થાય છે તેની યાદીઓ આપવા સાથે આ સ્થળો માટે અત્યાર સુધી પાલિકા દ્વારા શું કામગીરી કરવામાં આવી, આગામી સમયમાં શું કામગીરી કરી શકાય તેનો રિપોર્ટ રજૂ કરવા માટે આદેશ આપ્યો છે.


© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution