વડોદરા, તા. ૧૧

શહેર નજીક આવેલા સમીયાલા ગામમાં ગત રાત્રે નીકળેલા લગ્નના વરઘોડામાં મસ્જીદ પાસે ફટાકડા નહી ફોડવાના મુદ્દે ગામમાં રહેતા મુસ્લીમો અને વરઘોડામાં સામેલ ટોળા વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી જેમાં મુસ્લીમોના શસસ્ત્ર ટોળા દ્વારા હુમલા બાદ બંને પક્ષોનો ટોળા વચ્ચે સામસામે પથ્થરમારા બાદ પાંચ વાહનોની આગચંપી થતાં નાસભાગના પગલે ઉત્તેજના ફેલાઈ હતી. હુમલા અને પથ્થરમારામાં મહિલા સહિતા પાંચને ઈજાઓ પહોંચતા તેઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ બનાવની બંને પક્ષે સામસામે ટોળા સામે વડોદરા તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે બંને કોમના કુલ ૩૩ની ધરપકડ કરી હતી.

સમીયાલા ગામમાં ખેતરમાં રહેતા ગોવિંદભાઈ સોમાભાઈ પટેલના પુત્ર મેહુલનું ગઈ કાલે લગ્ન હોઈ ગત રાત્રે દસ વાગે ખેતરમાંથી ડીજે બેન્ડ અને ઘોડાગાડીમાં મેહુલનો વરઘોડો નીકળ્યો હતો જેમાં મહિલાઓ સહિત સંબંધીઓ અને ગ્રામજનો સહિત ૫૦૦થી વધુ લોકો વરઘોડામાં જાેડાયા હતા. રાત્રે આશરે સાડા બાર વાગ્યાના સુમારે વરઘોડો ગામની મસ્જીદ પાસે કમલેશ પટેલના ઘર પાસે પહોંચતા વરઘોડામાં ડાન્સ કરતા યુવકો પૈકી મનીષ ચૈાહાણ વરઘોડાની આગળ ફટાકડા ફોડતા મસ્જીદ પાસે હાજર મુસ્લીમોના ટોળાએ મસ્જીદ પાસે ફટાકડા ફોડવાના મુદ્દે મનીષ સાથે બોલાચાલી કરી ઝપાઝપી કરી હતી. આ ઝપાઝપીના પગલે વરઘોડામાં સામેલ ટોળું અને મુસ્લીમોનું ટોળું સામસામે આવી જતાં બંને પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી થતાં મુસ્લીમોના ટોળાંએ રૂકનુભાઈ સૈયદના મકાનનું બાંધકામ ચાલતું હોઈ ત્યાં પડેલી ઈંટોના ટુકડાઓ વરઘોડામાં સામેલ ટોળા પર ફેંકતા વરઘોડામાં નાસભાગ મચી હતી. આ દરમિયાન મુસ્લીમોના ટોળાએ પથ્થરમારા સાથે તલવાર, ગુપ્તી અને લાકડીઆથી વરઘોડામાં આવેલા ટોળાં પર હુમલો કર્યો હતો જેમાં મંજુલબેન દિલીપભાઈ પઢિયાર, કિશોરભાઈ દરજી અને અજય ઉદેસિંહ સિંધાને ઈજાઓ પહોંચી હતી. આ બનાવની સમીયાલામાં મહાદેવવાળા ફળિયામાં રહેતા અલ્પેશ સોલંકીએ સમીયાલા ગામમાં રહેતા મુસ્લીમોનો ટોળાં સામે ફરિયાદ નોંધાવી હતી.

જયારે સામા પક્ષે સમીયાલામાં રહેતા લિયાકતઅલી અબ્દુલમીયા સૈયદે પણ ઉક્ત બનાવની વરઘોડામાં સામેલ સમિયાલાના ૧૮ સહિત ટોળા સામે ફરિયાદ નોંધાવી હતી કે ગત રાત્રે તે અને ગામના મુસ્લીમ યુવકો મસ્જીદ પાસે ફટાકડા નહી ફોડવા માટે સમજાવતા આ મુદ્દે બોલાચાલી થઈ હતી જેમાં વરઘોડામાં સામેલ ટોળાએ પથ્થરમારો કરતા તેમને અને ઉબેદલઅલી સૈયદને માથામાં ઈંટ વાગતા ઈજા પહોંચી હતી. સામસામે કરાયેલા પથ્થરમારા બાદ ટોળાએ પાંચ વાહનોની આગચંપી અને તોડફોડ કરી હતી. દરમિયાન સમિયાલામાં કોમી અથડામણના બનાવની જાણ થતાં જ વડોદરા તાલુકા પોલીસના પીએસઆઈ વી.જી.લાંબરિયા સ્ટાફ સાથે સમીયાલા ગામે દોડી ગયો હતો. બનાવની ગંભીરતા જાેતા જિલ્લા પોલીસ વડા તેમજ જિલ્લા એસઓજી અને એલસીબીનો સ્ટાફ પણ સમીયાલા ગામે દોડી ગયો હતો અને પોલીસે તુરંત કોમ્બીંગ હાથ ધરી બંને પક્ષના એક સગીર સહિત કુલ ૩૩ આરોપીઓને ઝડપી પાડ્યા હતા. આ બનાવના ફરી પડઘા ના પડે તે માટે આજે પણ દિવસભર સમીયાલા ગામે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો.

ત્રણ રિક્ષાની આગચંપી, બે વાહન અને મકાનમાં તોડફોડ ઃ ગામમાં ભારેલો અગ્નિ

ગત રાત્રે વરઘોડા મસ્જીદ પાસે પહોંચ્યા બાદ કમલેશ પટેલના ઘર પાસે જતો હતો તે સમયે મસ્જીદ પાસે ફટાકડા ફોડવાના મુદ્દે બોલાચાલી બાદ કોમી ધીંગાણું થતા મુસ્લીમોનું ટોળું ઘાતક હથિયારો સાથે દોડી આવતા વરઘોડામાં સામેલ ગ્રામજનોમાં રોષ ફેલાયો હતો અને ટોળાએ નીયાઝઅલી સૈયદ, સોહીલ સૈયદ અને રીયાઝુદ્દીન સૈયદની ત્રણ સીએનજી રિક્ષામાં આગચંપી કરી હતી તેમજ અસદઅલી સૈયદની ઈક્કો કાર અને ગુલામસબીર સૈયદની ઓમની વાનની તોડફોડ બાદ કુતબુદ્દીન સયૈદની મકાનની બારીના કાચ તોડી નાખ્યા હતા.