ગૌમાંસના મુદ્દે કાલોલમાં કોમી તોફાનોઃફાયરિંગ

ગોધરા, પાછલા ઘણા વર્ષોથી કોમી એકતાની મિશાલ માટે જાણીતા કાલોલ શહેરમાં શનિવારે અશાંતિનો શનિ ભારે થતાં કેટલાક અશાંતિપ્રિય તત્વોએ શાંત શહેરને કોમીદાઝથી દઝાડતા ચકચાર મચી જવા પામી હતી. જે સમગ્ર ઘટના અંગે સાંપડેલી વિગતો મુજબ કાલોલ શહેરમાં ગત અઠવાડિયે મોટરસાયકલ પર વહન કરી જતા ઝડપાયેલા ગૌમાંસના કિસ્સામાં શુક્રવારે મોડી રાત્રે ગૌમાંસ અંગેની પોલીસને બાતમી આપવાની અદાવતે ગધેડી ફળિયાના એક દુકાનદારને બોરુ ટર્નિંગ પાસે આંતરીને કેટલાક લઘુમતી કોમના યુવકોએ હિન્દુ દુકાનદારને માર માર્યો હતો.

મારામારી અંગે દુકાનદારે કાલોલ પોલીસને કરેલી ફરિયાદ અનુસાર શનિવારે સવારે કાલોલ પોલીસે કાર્યવાહી કરી દુકાનદાર સાથે મારામારી કરતા ત્રણ મુસ્લિમ યુવકોને પોલીસ સ્ટેશનમાં અટકાયત કરી લાવવા સામે શનિવારે બપોરના બાર એક વાગ્યાના સુમારે કેટલાક લઘુમતી કોમના લોકટોળાં પોલીસ સ્ટેશન સામે જમા થઈને પછી મોટા પ્રમાણમાં ટોળેટોળાં ઉમટી પડતા પોલીસ કાર્યવાહી સામે ઉશ્કેરાટમાં આવીને કાફિરોને મારો.. ગાયોને કાપો જેવી કિકિયારીઓ પાડીને લઘુમતી કોમના લોકટોળાંઓએ પોલીસ સ્ટેશન સામેના હાઈવે રોડથી ગધેડી ફળિયા વિસ્તારમાં મારો. કાપોની બુમો પાડી છુટા હાથથી પથ્થરમારો કરી આતંક મચાવ્યો હતો. જે સુમારે કેટલાક તોફાની તત્વોએ ગધેડી ફળિયામાં દુકાન ધરાવતા ફરીયાદી દુકાનદારની દુકાન સહિત હિન્દુ માલિકોની દુકાનોમાં ઘુસીને દુકાનની તોડફોડ કરીને દુકાનનો સામાન રસ્તા પર ફેંકી દીધો હતો. આમ કાલોલ શહેરમાં શનિવારે બપોરના સુમારે અચાનક લઘુમતી કોમના ટોળાંઓએ રસ્તા પર આવીને છુટા હાથે પથ્થરમારો કરી આતંક મચાવતા વાયુવેગે શહેરનું વાતાવરણ તંગ બની જતાં બજારોમાં દુકાનદારોએ પોતાના શટર બંધ કરીને સુરક્ષિત સ્થળે પહોંચી પોતાનો બચાવ કર્યો હતો પરંતુ ત્યાં સુધીમાં ટોળામાં જાેવા મળતા ઉપદ્રવીઓએ ગધેડી ફળિયાથી ભાથીજી મંદિર સુધીની દુકાનો, રહેણાંક વિસ્તારો અને એકલ દોકલ વાહનો અને વાહન ચાલકોની તોડફોડ કરી ઉપદ્રવ મચાવી દીધો હતો.

સમગ્ર ઘટના અને લોકટોળાં સામે કાલોલ પોલીસે સમયસર જિલ્લા પોલીસની મદદ માગતા જિલ્લા પોલીસ વડા ડો. લીના પાટીલ સહિત પોલીસ કાફલો કાલોલ દોડી આવ્યો હતો. જેથી પોલીસે અસરગ્રસ્ત વિસ્તારોમાં હવામાં ફાયરીંગ સહિત ટીયર ગેસના સેલ છોડીને લોકટોળાંઓને પાછા પાડવા માટે ભારે જહેમત ઉઠાવી હતી. જ્યારે બીજી તરફ લઘુમતી કોમના ઉપદ્રવ સામે કેટલાક હિન્દુ રક્ષા સમિતિના પણ લોકટોળા આવી જતાં એક સમયે કાલોલ શહેરમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ હતી. જ્યારે લઘુમતી કોમના ઉપદ્રવ સામે કેટલાક હિન્દુ સમિતિના પણ લોકટોળા આવી જતાં એક સમયે કાલોલ શહેરમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ હતી. જેથી બપોર પછી જીલ્લા પોલીસ વડા ડૉ. લીના પાટીલે અસરગ્રસ્ત એવા મસ્જિદ ફળિયામાં તોફાનીઓ સામે ઘસી જઈને સૌને શાંત રહેવા અને પોતાના ઘરમાં જવા માટે પણ સમજાવ્યા હતા. તેમ છતાં પણ તોફાની તત્વોએ મકાનોના ઘાબાઓ પરથી પોલીસ પર પથ્થરમારો કરતા પરિસ્થિતિ વણસી હતી જેથી પોલીસે ટીયરગેસના સંખ્યાબંધ સેલ છોડવા પડ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે આ પથ્થરમારામાં એલસીબી પીઆઇ ડી એન ચુડાસમાને મોઢા અને માથાના ભાગે એક છુટો પત્થર વાગવાથી પીઆઈ લોહિલુહાણ થઈ ગયા હતા. તદ્‌ઉપરાંત અન્ય બે પોલીસ કર્મચારીઓ પણ ઇજાગ્રસ્ત થયા હતા. બીજી તરફ મદની મસ્જીદમાંથી પણ કેટલાક તોફાની ટોળાએ પોલીસ કાફલા પર પત્થરમારો કરતાં સમયસૂચકતાને આધારે પોલીસ કાફલાને પીછેહઠ કરવી પડી હતી. અંતે પરિસ્થિતિ મુજબ એ વિસ્તારમાં પણ ટીયરગેસ છોડીને તોફાની તત્વોને હટાવ્યા હતા. જે પછી સાંજ સુધીમાં સમગ્ર પરિસ્થિતિ કાબુમાં આવતા પોલીસે અસરગ્રસ્ત વિસ્તારોના મુસ્લિમ અગ્રણીઓ સાથે વાતચીત કરી મસ્જિદ ખાતેથી શાંતિની અપીલ કરી લોકોને ઘરની બહાર નહીં નીકળવા જાહેરાત કરતાં સાંજ સુધીમાં પરિસ્થિતી કાબૂમાં લીધી હતી. 

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution