સુરતનાં મેયર બનવા માટે પાટીદાર અને સુરતી મહિલાઓ વચ્ચે સ્પર્ધા
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
29, એપ્રીલ 2026  |   1980

સુરત મહાનગર પાલિકાની ચૂંટણીમાં વિજય મેળવ્યાનો ઉન્માદ હજુ તો શમ્યો નથી ત્યાં મેયર, ડેપ્યુટી મેયર, સ્થાયી સમિતિ અધ્યક્ષ અને પક્ષ નેતા પદ મેળવવા માટે કોર્પોરેટરોએ એડીચોટીનું જાેર લગાવવા માંડ્યું છે. જેનાં જાેર ઉપર ટીકિટ મેળવીને ચૂંટાયા છે તે ગોડફાધરો સમક્ષ પદ મેળવવા કોર્પોરેટરો ફરી એકવાર ખોળો પાથરી રહ્યાં છે. આ વખતે પ્રથમ ટર્મ માટે સામાન્ય વર્ગ મહિલા માટે મેયર પદ અનામત હોવાથી ભાજપ મોવડી મંડળ પણ જ્ઞાતિ-જાતિ, વિસ્તાર અને આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને પસંદગી કરે તેમ મનાય છે.

પાટીદાર અનામત આંદોલન પછી વર્ષ ૨૦૧૫માં યોજાયેલી ચૂંટણીમાં પોલીસ દમનને કારણે ભાજપથી વિમુખ થયેલાં પાટીદારોએ ૩૬ બેઠકો કોંગ્રેસને ધરી દીધી હતી, ત્યારબાદ વર્ષ ૨૦૨૧માં કોંગ્રેસથી ધરાયેલાં પાટીદારોએ આમ આદમી પાર્ટી તરફ ઝોક આપીને ૨૭ બેઠકો આપીને ભાજપને નિરાશ કર્યો હતો. હવે વરાછા વિસ્તારનાં પાટીદારોએ પૂરા ૧૦ વર્ષ પછી ફરી ભાજપનો હાથ પકડ્યો હોવાથી ચાર મુખ્ય પદ આપવામાં પાટીદારોને પ્રાધાન્ય આપવું પડે તેવી સ્થિતિ ઉભી થઇ છે તે જાેતા કાવ્યા અલ્પેશ કથિરિયાનું પલડું ભારે હોવાનું કહેવાય છે, બીજીતરફ મેયરપદ સુરતીને ફાળવવાની વાત આવે તો ઉર્વશી પટેલ, પ્રતિભા દેસાઇ અને નેન્સી શાહનાં નામોની પણ જાેરશોરથી ચર્ચા થઇ રહી છે. એકાદ બે વખતનાં અપવાદ સિવાય મેયર પદ અને સ્થાયી સમિતિ અધ્યક્ષ પદ સૌરાષ્ટ્રીયન અને સુરતીઓ વચ્ચે વહેંચાતા આવ્યાં છે. કાવ્યા કથિરિયા કનકપુર-કનસાડ નગરપાલિકામાં ઉપપ્રમુખ પદે રહી ચૂક્યા હોવાથી તેમને શાસનનો અનુભવ છે તો અલ્પેશ કથિરિયાનું વજન પાટીદારોમાં વધ્યું હોવાથી પાટીદાર સમાજને રીઝવવાનાં ભાગરૂપે પણ કાવ્યા અલ્પેશ કથિરિયાની પસંદગી થઇ શકે છે.

પરંતુ જાે સુરતીમાંથી પસંદગી કરવાની હોય તો ઉત્તર ગુજરાતનાં અને પૂર્વ ગૃહ રાજ્યમંત્રીનાં પરિવાર સાથે સંકળાયેલાં ઉર્વશી પટેલ ઉપરાંત પ્રતિભા દેસાઇ અને નેન્સી શાહ વચ્ચે સ્પર્ધા થવાની સંભાવના સેવાઇ રહી છે. જાે આ ત્રણ મહિલામાંથી મેયર પદ માટે પસંદગી થાય તો સ્થાયી સમિતિ અધ્યક્ષ પદ માટે સૌરાષ્ટ્રવાસી દક્ષેશ માવાણી મજબુત દાવેદાર માનવામાં આવે છે. પરંતુ પાટીદાર સમાજનાં મહિલા મેયર બને તો પછી દક્ષેશ માવાણીનું પત્તુ કપાઇ જાય અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી તથા કેન્દ્રીય મંત્રી સી.આર.પાટિલ જુથનાં હિમાંશુ રાઉલજી, વ્રજેશ ઉનડકટ, રાજન પટેલ અને અમિતસિંગ રાજપુત વચ્ચે સ્પર્ધા થશે. નાયબ મુખ્યમંત્રીની મજબુત રાજકીય સ્થિતિ જાેતાં તેમનાં જુથનાં કોર્પોરેટરને ૧૧,૦૦૦ કરોડનો વહિવટ કરવાનો લાભ મળશે તેમ મનાય છે. બીજી એકવાત એ પણ ચર્ચાય છે કે સૌરાષ્ટ્રવાસી કોર્પોરેટરને ભુતકાળની જેમ ડેપ્યુટી મેયર પદ આપીને સંતોષી દેવામાં આવે તો મેયર પદ તેમજ સ્થાયી સમિતિ અધ્યક્ષ પદ હર્ષ સંઘવી અને સી.આર.પાટિલ જુથ વચ્ચે વહેંચીને અસંતોષ દુર કરી શકાય તેવું પણ માનવામાં આવે છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution