વડોદરા, તા. ૧૮

સોખડા ખાતે આવેલા પ્રખ્યાત સ્વામીનારાયણ મંદિરમાં બાર દિવસ અગાઉ મંદિરના એક યુવાન સેવક પર વિડીઓમાં મોબાઈલ ઉતાર્યો હોવાની શંકાએ મંદિરના પાંચ સંતો સહિતની ટોળકીએ મંદિર પરિસરમાં જ અપશબ્દો બોલીને માર મારવાના ચકચારભર્યા બનાવમાં આખરે આજે હુમલાનો ભોગ બનનાર સેવક તાલુકા પોલીસ મથકે હાજર થયો હતો. આ બનાવમાં સમાધાન માટે ભારે દબાણ હોવા છતાં સેવકે તેની પર હુમલો કરનાર પાંચ સંતો સહિત સાત વ્યકિતઓ સામે ફરિયાદ નોંધાવતા સ્વામીનારાયણ પંથકમાં ખળભળાટ મચ્યો છે. તાલુકા પોલીસે હાલમાં સંતો સહિતની ટોળકી સામે ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

શહેરના ડભોઈરોડ પર આવેલા તીર્થ સોલેસમાં પરિવાર સાથે રહેતા ૨૨ વર્ષીય અનુજ વિરેન્દ્રસિંહ ચૈાહાણે તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે ‘ હું છેલ્લા ચાર વર્ષથી સોખડા સ્વામીનારાયણ મંદિરમાં એકાઉન્ટ ઓફિસમાં સેવક તરીકે કામ કરુ છુ. ગત ૬ઠ્ઠી જાન્યુઆરીના સવારે આશરે સાડા અગિયારવાગે હું એકાઉન્ટ ઓફિસમાં હતો તે સમયે ઓફિસની બહાર યોગી આશ્રમ તરફ હો હો અને બોલાચાલીનો અવાજ આવતા હું અને મારા મિત્રો વિજય રોહિત અને સ્નેહલ પટેલ બહાર જાેવા માટે નીકળ્યા હતા. તે વખતે યોગી આશ્રમ તરફથી કેટલાક ભાઈઓ અને બહેનો જાેરજાેરથી અવાજ કરતા હોઈ અમે અમારી ઓફિસની બહાર ઉભા રહી જાેતા હતા. આ દરમિયાન આસોજવાળા પ્રણવભાઈ અને સોખડાવાળા મનહરભાઈએ અમારી પાસે આવી અમને અપશબ્દો બોલી ધમકાવ્યા હતા અને કહ્યું હતું કે તમે અંદર જતા રહો, બહાર કેમ નીકળ્યા છો ?

અમે ઓફિસમાં અંદર જવા માટે પાછા વળતા જ સોખડા મંદિરના પ્રભુપ્રિયસ્વામીએ મારી પાસે આવીને મને કહ્યું હતું કે મોબાઈલમાં વિડીઓ કેમ ઉતાર્યો છે ? મે કોઈ વિડીઓ નથી ઉતાર્યો તેમ કહેતા તેમણે મારો મોબાઈલ જાેવા માટે માંગ્યો હતો જેથી મે તેમને મોબાઈલ મારા હાથમાં રાખીને તેમને મોબાઈલ ખોલીને બતાવ્યો હતો જેમાં તેમને મોબાઈલમાં કોઈ વિડીઓ મળ્યો નહોંતો. જાેકે તેમ છતાં તેમણે મારા હાથમાંથી મોબાઈલ ઝુંટવા માટે ખેંચતાણ કરતા જ તેમની તરફેણમાં મંદિરના અન્ય સંતો હરી સ્મરણ સ્વામી, ભક્તિ વલ્લભ સ્વામી, સ્વામીસ્વરૂપ સ્વામીએ પણ દોડી આવી મારી સાથે ઝપાઝપી કરી માર મારવા લાગેલા અને તેઓની સાથે મનહરભાઈ સોખડાવાળા પણ મને મારવા લાગેલા અને વિરલ સ્વામીએ મને મારવા માટે ઉશ્કેરણી કરી હતી. આ દરમિયાન પ્રભુપ્રિય સ્વામીએ મારો મોબાઈલ લઈ લેતા હું ત્યાંથી બચવા માટે ભાગીને ઓફિસમાં ગયો હતો અને ત્યાંથી પોલીસ કન્ટ્રોલ રૂમમાં ફોન કરી આ બનાવની મારા પિતાને જાણ કરી હતી. મંદિરમાં પોલીસ અને મારા પિતા આવતા હું ઘરે જતો રહેલો. મારી ઘરે આ બનાવની જાણ કર્યા બાદ મે મારા માતા-પિતા તેમજ દાદા સાથે પોલીસ મથકમાં અરજી આપી હતી’.

અનુજની અરજીના પગલે તાલુકા પોલીસે પ્રણવભાઈ આસોજ, મનહરભાઈ સોખડાવાળા તેમજ સોખડા સ્વામીનારાયણ મંદિરમાં રહેતા સંતો પ્રભુપ્રિયસ્વામી, હરિસ્મરણ સ્વામી, ભક્તિ વલ્લભસ્વામી, સ્વામી સ્વરૂપસ્વામી અને વિરલ સ્વામી વિરુધ્ધ રાયટીંગ તેમજ હુમલાનો ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

મંદિરના સંતોની ધાકથી યુવકે પરિવાર સાથે ઘર છોડ્યું

સોખડા સ્વામીનારાયણ મંદિરના પાંચ સંતો સહિતની ટોળકી સામે અનુજે તાલુકા પોલીસમાં અરજી આપ્યાની જાણ થતાં જ અનુજ અને તેના પરિવારજનોને આ અરજી પરત ખેંચી લે તે માટે આડકતરી રીતે ધમકી આપવાની શરૂઆત થઈ હતી. હુમલાખોર સંતોની તરફેણમાં દબાણ લાવવા માટે અનુજના ઘરે અવારનવાર ગાડીઓ આવવાની શરૂઆત થઈ હતી. અનુજ અને તેના પરિવારજનો તેઓની પર ફરી હુમલો થશે તેવી દહેશતના કારણે તેમજ મંદિરના વગદાર સંતોની આ રીતે શરૂ થયેલી આડકતરી ધમકીથી ફફડીને ઘર છોડીને પલાયન થયા હતા અને એક સંબંધીના ઘરે અઠવાડિયા સુધી આશરો લીધો હતો.

મંદિરમાં વર્ચસ્વ માટે સંતોના બે જૂથો વચ્ચે પાંચ માસથી કલહ

સોખડા સ્વામીનારાયણ મંદિરના સર્વેસર્વા હરિપ્રસાદ સ્વામીના દેહાંત બાદ મંદિરમાં વર્ચસ્વ માટે સંતોના બે જુથો પડ્યા હોવાનું ખુદ મંદિરના સેવક અનુજ ચૈાહાણે આજે માધ્યમો સમક્ષ એકરાર કર્યો હતો. અનુજે જણાવ્યું હતું કે હું પ્રબોધસ્વામી સહિતના સંતો સાથે જાેડાયેલો છે તેવી મારા પર હુમલો કરનાર સંતોને જાણકારી છે અને મારી પર હુમલો કરતી વખતે પણ સંતોએ તમને બધાને મારી નાખીશું તેવી મારા સહિત તમામ સંતોને ગર્ભિત ધમકી આપી છે. જાેકે ગાદીપતિનો નિર્ણય સત્સંગ સમાજ કરે છે પરંતું મંદિરમાં વર્ચસ્વ માટે સંતોના બે જુથો વચ્ચે ચાલતા આંતરિક કલેહના કારણે મારી પર હુમલો કરી હરિફ જુથે આડકતરી રીતે અમારી પર ધાક ઉભી કરી છે.

પોલીસની કામગીરી પર શંકા જતા કોર્ટમાં ફરિયાદ કરી હતી

અનુજે તાલુકા પોલીસ મથકમાં સંતો સહિતની હુમલાખોર ટોળકી સામે ફરિયાદ નોંધવા માટે અરજી કર્યા બાદ આ બનાવની કોર્ટમાં પણ ફરિયાદ કરતા આ વિવાદે ભારે ચકચાર જગાવી હતી. કોર્ટમાં ફરિયાદ કરવા માટે અનુજે ફરિયાદમાં સ્પષ્ટતા કરી હતી કે સોખડા સ્વામીનારાયણ મંદિરના સંતો ભારે વગદાર હોઈ અને મને તેમજ મારા પરિવારને પોલીસની કામગીરી પર શંકા ગઈ હોવાની અમે ગત ૧૨મી તારીખે કોર્ટમાં ફરિયાદ કરી હતી. જાેકે આજે પોલીસ મથકમાં આવ્યા બાદ મને અને મારા પરિવારજનોની પોલીસ રક્ષા કરશે તેમજ આ બનાવમાં પોલીસ આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરશે તેવી ખાત્રી થતા મે ફરિયાદ નોંધાવી છે.

મોડી સાંજે અનુજને લઈને પોલીસ સોખડા મંદિરમાં પહોંચતા સન્નાટો

અનુજ ચૈાહાણના નિવેદન બાદ આજે તાલુકા પોલીસ મથકના પીએસઆઈ રાઉલજીએ તુરંત પાંચ સંતો સહિતની ટોળકી સામે ફરિયાદ નોંધી હતી અને ફરિયાદ બાદ પોલીસ તુરંત અનુજને લઈને સોખડા સ્વામીનારાયણ મંદિરમાં પહોંચી હતી. પોલીસે ફરિયાદ અનુજ સાથે મંદિરમાં તપાસનો ધમધમાટ શરૂ કરતા જ સોખડા મંદિરમાં સન્નાટો ફેલાયો હતો. પોલીસે સ્વામીનારાયણ મંદિરમાં જ્યાં હુમલાનો બનાવ બન્યો તે સ્થળે તપાસ કરી પંચનામુ કર્યું હતું અને અનુજને લઈને પરત ફરી હતી.

અનુજ આજે ના આવ્યો હોત તો અરજી દફતરે થવાની હતી

સંતોના હુમલાનો ભોગ બનેલો અનુજ ચૈાહાણ તાલુકા પોલીસમાં અરજી આપ્યા બાદ પરિવાર સાથે ભુર્ગભમાં ઉતરી જતા પોલીસે આ બનાવમાં ગુનો બનતો હોઈ અનુજને ફરિયાદ આપવા માટે અવારનવાર ત્રણ નોટીસ પાઠવી હતી તેમજ તેને મોબાઈલ ફોન અને વોટ્‌સએપ પર મેસેજ પણ મોકલ્યા હતા. ત્રીજી નોટીસ બાદ જાે આજે અનુજ પોલીસ સમક્ષ ફરિયાદ માટે હાજર ના થયો હોત તો તેની અરજી દફતરે થવાની હતી જેથી અનુજે આખરે પોલીસ મથકે હાજર થઈ ફરિયાદ નોંધાવી હતી.