વડોદરા, તા.૫

વડોદરા પોલીસ હેડ ક્વાર્ટર્સના જાપ્તાના વિવાદમાં ગૃહ રાજ્યમંત્રીને લખાયેલી ચોંકાવનારી વિગતો ‘લોકસત્તા-જનસત્તા’ને હાથ લાગી છે. જેમાં હેડ ક્વાર્ટર્સ ખાતે ચાલતા ભ્રષ્ટાચાર, મહિલા પોલીસ કર્મચારીઓના યૌનશોષણથી માંડી અધિકારીઓના ચારિત્ર્ય અને દર મહિને થતા ઉઘરાણાની વિગતો દર્શાવાઈ છે.

રાજ્યના ગૃહ રાજ્યમંત્રીને વિગતવાર ચાર પાનામાં લખાયેલા પત્રમાં અત્યંત ગંભીર પ્રકારની ગેરરીતિઓ એચ.કયુ. ખાતે ચાલતી હોવાનું જણાવી આખા મામલાની તપાસ ક્યાં અને કેવી રીતે કરવાથી પુરાવા મળી શકશે એમ ભારપૂર્વક જણાવ્યું છે. મુખ્ય રીતે આરોપી છબીલ પટેલને સુવિધા આપવા માટે થયેલા ચાર લાખમાં કોના ભાગે કેટલા આવ્યા એ વિગતવાર દર્શાવાયું છે.

જ્યારે એચ.ક્યુ.ના એસીપી એમના હાથ નીચે ફરજ બજાવતાી મહિલા લોકરક્ષકનું કેવી રીતે યૌનશોષણ કરે છે અને રંગરેલિયા મનાવવા માટે તરસાલી ખાતેની કઈ હોટેલમાં લઈ જઈ મહિલા લોકરક્ષકની મજબૂરીનો લાભ ઉઠાવે છે એની વિગતો પણ ગૃહ રાજ્યમંત્રીને લખાયેલા ચોંકાવનારા પત્રમાં દર્શાવાઈ છે. આરોપી છબીલ પટેલને જાપ્તામાં દિલ્હીથી વિમાન દ્વારા પરત લવાયા હોવાના મથાળા હેઠળ લખાયેલા આ પત્રમાં છબીલ પટેલ પાસેથી લેવાયેલા ચાર લાખ વિરમ નાથા અને કિરણ માવજીએ લીધા હતા અને એસીપી વસાવાને પ૦ હજાર, આરપીઆઈ શુક્લાને ૩૦ હજાર રૂપિયા આપી, બાકીની રકમ બંનેએ વહેંચી લીધી હોવાનું પત્રરૂપી ફરિયાદમાં લખાયું છે. ગૃહ રાજ્યમંત્રીને થયેલી ફરિયાદમાં શહેર પોલીસ અધિકારીઓની ગાડીઓ પર નોકરી કરતા ગનમેનો પાસેથી નોકરી ચાલુ રાખવા માટે એચ.ક્યુ.ના અધિકારીઓ દર મહિને રૂપિયા માગતા હોવાનું જણાવી પોલીસ ક્રેડિટ સોસાયટી, આર.ઓ., ક્વોથિંગ ડિપાર્ટમેન્ટ, ડોગસ્કવોર્ડ માઉન્ટેડ, એમ.ટી. જેવી શાખાઓમાં નોકરી કરતા કર્મચારીઓ પાસેથી પણ દર

મહિને રૂપિયાની માગ કરી હેરાનગતિ કરાતી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.