ટોકિયો-

જાપાનના ઉત્તર-પૂર્વીય તટ પર શનિવારે સાંજે 7ઃ35 કલાકે રીક્ટર સ્કેલ પર 7.1ની તિવ્રતા ધરાવતો ભૂકંપ આવતાં સમગ્ર દેશમાં તેના આંચકા અનુભવાયા હતા અને ખાસ કરીને તેના કેન્દ્ર નજીકના શહેરો ફુકુશિમા અને મિયામીમાં તેની સૌથી વધારે અસર અનુભવાઈ હતી. ફુકુશિમામાં ન્યુક્લિયર પ્લાન્ટ પણ છે, પરંતુ તેને કોઈ અસર ન થઈ હોવાનુું જાપાનના અધિકારીઓએ જણાવ્યું હતું. આ પ્લાન્ટ પર તરત જ નિષ્ણાતોની ટીમને મોકલી અપાઈ હતી.

જાપાનના હવામાનખાતાએ આ ભૂકંપને પગલે સુનામીનો કોઈ ખતરો ન હોવાનું કહ્યું હતું. ભૂકંપનું કેન્દ્ર ટોકિયોથી આશરે 306 કિમીના અંતરે જમીનની અંદર 60 કિમી ઊંડે આ ભૂકંપનુ કેન્દ્ર આવેલું હતું. ભૂકંપને પગલે 8,60,000 ઘરોમાં વીજળી પૂરવઠો ખોરવાઈ ગયો હતો. જાપાનના વડાપ્રધાન યોશિહિદે સુગાએ ક્રાઈસિસ મેનેજમેન્ટની ટીમને તરત કામે લગાડી હતી. જાપાનમાં 2011માં ભૂકંપ પછી ત્રાટકેલા સુનામી તોફાનમાં 16,000થી વધારે લોકોનાં મોત થયા હતા.