વડોદરા, તા. ૨૦

શહેરના કોંગી અગ્રણીઓનો રાહુલ ગાંધીના પી.એ. તરીકે બોગસ ઓળખ આપી આગામી દિવસોમાં રાજયમાં યોજાનારી વિધાનસભાની ચુટણીઓમાં કોંગ્રેસ પક્ષ તરફથી ટિકીટ અપાવવાની ખાત્રી આપીને નાણાંની માગણી કરી ઠગાઈનો પ્રયાસ કરનાર ગઠિયાને શહેરના સાયબર ક્રાઈમ પોલીસની ટીમે દિલ્લીથી ઝડપી પાડ્યો હતો.

શહેરના પુર્વસાંસદ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટીની વાઈસ પ્રેસિ. સત્યજીત ગાયકવાડે હાલમાં વિધાનસભાની ચુટણીમાં વાઘોડિયા બેઠક પર ઉમેદવારી નોંધાવી છે. જાેકે તેમને ટિકીટ મળે તે અગાઉ ગત ૨જી તારીખે તેમના મોબાઈલ પર ‘પ્લીઝ કોલ મી ’વા તેવો મેસેજ મોકલ્યા બાદ એક ગઠિયાએ ફોન કરીને પોતાની રાહુલ ગાંધીના પીએ કનિષ્ક સિંઘ તરીકે ઓળખ આપી જણાવ્યું હતું કે રાહુલ ગાંધીની ટીમના કેટલાક ગુપ્ત ઓબ્ઝર્વરો આવતીકાલે વડોદરા આવી રહ્યા છે અને જાે તમે વાઘોડિયા વિધાનસભાની બેઠકની ટિકીટ માટે ઈચ્છુંક હોવ તો તમે ઓબ્ઝર્વરો માટે હોટલમાં રોકાણની વ્યવસ્થા કરી તેઓને રોકડ રકમ આપજાે જેથી તમારી ટિકીટ પાકી થશે અને એકવાર નાણાં આપ્યા બાદ તમે કોંગ્રેસ પ્રમુખ ખડગે સાથે ફોન પર વાત કરી શકશો. જાેકે સત્યજીત ગાયકવાડે કનિષ્ક સીંઘ સાથે અનેક વખત વાતચિત કરી હોઈ તેમને શંકા ગઈ હતી અને તેમણે તમારો અવાજ કેમ બદલાયેલો છે તેવું પુછતાં ગઠિયાએ હું રાહુલ ગાંધી સાથે પદયાત્રામાં હતો જેથી થાકી ગયો છું તેવું જણાવ્યું હતું. ગઠિયાએ ઓનલાઈન જમા કરાવવા માટે મોબાઈલ નંબર અને સ્ટેટ બેંક ઓફ મોરેશિયસના બેંક ખાતાનો એક નંબર પણ મોકલ્યો હતો. જાેકે ફોન કરનાર વ્યકિત ગઠિયો હોવાની ખાત્રી થતાં સત્યજીત ગાયકવાડે આ બનાવની સાયબર ક્રાઈમ સેલમાં અરજી કરી હતી. ત્યારબાદ આ જ ગઠિયાએ કોર્પોરેટર ચંદ્રકાન્ત શ્રીવાસ્તવને પણ ફોન કરી ટિકીટના બહાને નાણાંની માગણી કરતા તેના વિરુધ્ધ ચંદ્રકાન્ત શ્રીવાસ્તવે સાયબર સેલમાં ફરિયાદ નોંધાવી હતી.

સાયબર ક્રાઈમ સેલના પીઆઈ બી.એન.પટેલ અને પીએસઆઈ પી.એમ.રાખોલિયા સહિતની ટીમે ટેકનીકલ સોર્સીસની મદદથી તપાસનો દોર પંજાબમાં લંબાવ્યો હતો અને ફોન કરનાર ઠગ રજતકુમાર પ્રવેશકુમાર મદાન (મુળ હરિયાણા, હાલ રહે.ગુરુનાનક નગર, ચબાલરોડ, અમૃતસર)ને ઝડપી પાડ્યો હતો. પ્રાથમિક પુછપરછમાં એવી વિગતો સપાટી પર આવી હતી કે રજતકુમાર માત્ર ધો.૪ પાસ છે અને તે શાકભાજીનો હોલસેલ વેપારી છે.

તેણે અમૃતસરમાં રહેતા ગૈારવ શર્મા સાથે મળીને આ ઠગાઈનો કારસો રચ્યો હતો અને ઠગાઈના નાણાં ટ્રાન્સફર કરાવવા માટે તેણે વિવિધ બેંકોમાં ખાતા ખોલાવ્યા હતા જેમાં ગૈારવ તેમાં નાણાં ટ્રાન્સફર કરાવતો હતો. તેણે અત્યાર સુધી કેટલા લોકો સાથે ઠગાઈ કરી છે અને તેની સાથે અન્ય કોણ સામેલ છે અને કોઈ બેંક કર્મચારીઓની સંડોવણી છે કે કેમે તેની તપાસ માટે આજે રજતકુમારને કોર્ટમાં રજુ કરી તેના ત્રણ દિવસના રિમાન્ડ

મેળવ્યા હતા.

રજતકુમારની નાર્કોટીક્સના ગુનામાં પણ સંડોવણી

સાયબર ક્રાઈમ સેલે ઝડપી પાડેલો આરોપી રજતકુમાર રીઢો આરોપી હોવાની પ્રાથમિક તપાસમાં વિગતો સપાટી પર આવી હતી. રજતકુમાર ગત ૨૦૧૯માં અમૃતસરના રંજીત એવન્યુ પોલીસ મથકમાં છેતરપિંડી અને વિશ્વાસઘાતનો ગુનામાંતેમજ ૨૦૨૧માં લુધિયાણાના દેહલોન પોલીસ મથકમાં નાર્કોટીક્સના ગુનામાં સંડોવાયેલો હોવાની વિગતો સપાટી પર આવી હતી.