સાયણ બેઠક ઉપર કોંગ્રેસનાં ઉમેદવાર અને જિલ્લાનાં નેતાઓ ભાજપનાં હાથે વેચાઇ ગયાં
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
14, એપ્રીલ 2026  |   સુરત   |   1485

ગુજરાતમાં પોતાના વજૂદ માટે ફાંફાં મારી રહેલાં કોંગ્રેસનાં નેતાઓએ પોતાના પક્ષને મજબુત કરવાને બદલે વધારે નબળો પાડી રહ્યાં હોવાની સાબિતી આજે સુરત જિલ્લામાં જાેવા મળી હતી. સુરત જિલ્લાની સાયણ બેઠક ઉપર મજબુત ઉમેદવાર મનાતા દર્શન નાયકને ટિકિટ નહીં આપવા માટે ભાજપ સાથે સેટિંગનો ખેલવામાં આવેલો ખેલ આજે ખુલ્લો પડી ગયો હતો.

પૂર્વ મંત્રી મુકેશ પટેલનાં અંગત ગણાતા બ્રિજેશ પટેલને મતદાન પહેલાં જ વિજયી બનાવવાનાં પોલિટિકલ સેટિંગનો પર્દાફાશ થયો છે. ભાજપનાં બ્રિજેશ પટેલ સામે પડેલાં આમ આદમી પાર્ટીનાં ઉમેદવારનું ફોર્મ રદ્દ થયું હતું જ્યારે કોંગ્રેસનાં ઉમેદવાર મુકેશ પટેલે પોતાનું ફોર્મ પાછુ ખેંચી લેતાં ભાજપનાં ઉમેદવાર મુકેશ પટેલની જીત લગભગ બીનહરિફ જેવી જ બની રહી છે. કોંગ્રેસનાં ઉમેદવાર મુકેશ પટેલને સેટિંગનો ખેલ પાર પાડવામાં એટલી બધી ઉતાવળ હતી કે ઉમેદવારી પાછી ખેંચવાની ડેડલાઇન બુધવારની હોવા છતાં તેનાં બે દિવસ પહેલાં આજે સોમવારે જ પોતાની ઉમેદવારી પાછી ખેંચી લીધી હતી.

કોંગ્રેસનાં ઉમેદવાર મુકેશ પટેલ ભાજપ સાથે સંકળાયેલા હતાં, પૂર્વ મંત્રી મુકેશ પટેલનાં તમામ કાર્યક્રમોમાં તેની ઉપસ્થિતિ રહેતી હતી, ઉમેદવારી પત્ર ભર્યું તેનાં ગણતરીનાં દિવસો સુધી તો તે કોંગ્રેસનાં સક્રિય કાર્યકર પણ ન હતાં તેમ છતાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ આનંદ ચૌધરીએ કોંગ્રેસ મોવડી મંડળનાં ઇશારે મુકેશ પટેલને મેન્ડેટ આપ્યો હતો. સાયણ પંથકમાં સામાજિક અને રાજકીય વજન ધરાવતાં દર્શન નાયકનું નામ જાેરશોરથી સંભળાતું હતું પરંતુ દર્શન નાયક રાજકીય દ્રષ્ટિએ વધારે મજબૂત બને નહીં તેવી દ્વેષભાવના રાખનાર મોવડી મંડળે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ આનંદ ચૌધરી સાથે મળીને ભાજપ સાથે સેટિંગનો ખેલ ખેલ્યો હતો જેમાં આજે તેમને સંપૂર્ણ સફળતા મળી હતી. સુરત જિલ્લા પંચાયતની અતિ મહત્વની મનાતી સાયણ બેઠક ઉપર આમ આદમી પાર્ટીનાં ઉમેદવારનું ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસનાં ઉમેદવાર મુકેશ પટેલે પોતાની ઉમેદવારી પાછી ખેંચી લેતાં કોંગ્રેસ ભાજપનાં હાથે વેચાઇ ગઇ હોવાની લાગણી અને આક્રોશ સાયણ પંથકનાં લોકોએ વ્યક્ત કર્યાં હતાં.

મેન્ડેટની જવાબદારી જિલ્લા પ્રમુખ આનંદ ચૌધરી, મહામંત્રી સ્નેહલ શાહ, મહામંત્રી શાહબુદ્દિન મલેક, મહામંત્રી ભગવાન ભરવાડ, પૂર્વ પ્રમુખ મનહર પટેલ અને પૂર્વ પ્રમુખ જગદીશ પટેલને સોંપવામાં આવ્યું હતું તેમની સાથે ભાવિન ચૌધરી પણ હતાં અને તમામે સેટિંગ કરતાં મેન્ડેટનો ભવાડો થતાં કાર્યકરોમાં પણ રોષ ફેલાયો છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution