પૂરથી પ્રભાવિત પરિવારોને ૫ લાખ, વેપારી અને દુકાનદારોને ૧૫ લાખની સહાયની કોંગ્રેસની માગ
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
11, જુલાઈ 2026  |   1980

ભારે વરસાદ બાદ સર્જાયેલી પૂર જેવી સ્થિતિ માટે ભાજપ સરકાર અને સુરત મહાનગરપાલિકાની વહીવટી નિષ્ફળતાને જવાબદાર ઠેરવતાં સુરત શહેર કોંગ્રેસે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી અસરગ્રસ્તોને યોગ્ય વળતર ચૂકવવાની માંગ કરી છે. કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કે દર વર્ષે પ્રી-મોન્સૂન કામગીરી પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ થવા છતાં શહેરમાં પાણી ભરાવાની સમસ્યા યથાવત રહે છે, જેના કારણે હજારો પરિવારો અને વેપારીઓને ભારે આર્થિક નુકસાન વેઠવું પડે છે.

સુરત શહેર કોંગ્રેસ અધ્યક્ષ વિપુલ ઉધનાવાલાની આગેવાનીમાં કલેક્ટરને આપવામાં આવેલા આવેદનપત્રમાં કોંગ્રેસે પૂરથી પ્રભાવિત દરેક પરિવારને રૂ.૫ લાખ, દરેક વેપારી અને દુકાનદારોને રૂ.૧૫ લાખ તેમજ પૂર દરમિયાન મૃત્યુ પામેલા લોકોના આશ્રિતોને રૂ.૫૦ લાખની સહાય ચૂકવવાની માંગ કરી છે. ઉપરાંત વાહનોના નુકસાન માટે ૧૦૦ ટકા વીમા ક્લેમની સુવિધા ઉપલબ્ધ કરાવવા પણ રજૂઆત કરવામાં આવી છે. કોંગ્રેસે હલકી ગુણવત્તાના રસ્તા બનાવનારા કોન્ટ્રાક્ટરો અને જવાબદાર અધિકારીઓ સામે એક સપ્તાહમાં કડક કાર્યવાહી કરવાની માંગ સાથે પ્રી-મોન્સૂન કામગીરી, ડ્રેનેજ અને ખાડીઓની સફાઈમાં થયેલા ખર્ચની ઉચ્ચસ્તરીય તપાસ કરાવવાની માંગ ઉઠાવી છે. ચોમાસા પહેલા ડ્રેનેજ, ખાડી સફાઈ અને પ્રી-મોન્સુન કામગીરી પાછળ કરોડો રૂપિયા કાગળ પર વાપરી નાખવામાં આવ્યા. આ નાણાં ક્યાં ગયા અને કોના ખિસ્સામાં ગયા તેની હાઈકોર્ટના સીટીંગ જજ મારફતે તપાસ કરાવવા માંગ કરી છે. પૂરના પાણી ઓસર્યા બાદ શહેરમાં ગંદકી અને કાદવનું સામ્રાજ્ય છે, જેનાથી ભયંકર રોગચાળો ફાટી નીકળવાની દહેશત છે. દરેક ઝોનમાં યુદ્ધના ધોરણે જંતુનાશક દવાઓનો છંટકાવ અને મફત તબીબી કેમ્પ શરૂ કરવા પણ રજૂઆત કરી છે. નદી અને ખાડીઓનું વૈજ્ઞાનિક સર્વેક્ષણ, ગેરકાયદે બાંધકામો દૂર કરવા, વરસાદી ગટર નેટવર્કનું ટેકનિકલ સર્વેક્ષણ તેમજ ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશનોના આધુનિકીકરણની પણ માંગ કરવામાં આવી છે. આ ઉપરાંત પૂરગ્રસ્ત વિસ્તારોમાં મિલકત વેરો અને વીજબીલમાં રાહત, રોગચાળો અટકાવવા વિશેષ સફાઈ અભિયાન અને આરોગ્ય કેમ્પો યોજવા સહિત કુલ ૧૭ મુદ્દાઓને આવરી લેતું આવેદનપત્ર સરકારને સોંપવામાં આવ્યું છે. કોંગ્રેસના પ્રવક્તા મુસદ્દીક કાનુન્ગોએ જણાવ્યું હતું કે જાે અસરગ્રસ્તોને યોગ્ય વળતર નહીં ચૂકવાય અને જવાબદાર અધિકારીઓ તથા કોન્ટ્રાક્ટરો સામે સમયસર કાર્યવાહી નહીં કરવામાં આવે તો કોંગ્રેસ ગાંધી ચિંધ્યા માર્ગે જનઆંદોલન કરશે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution