વડોદરા : દેશભરમાં સતત વધતા જતા પેટ્રોલ-ડીઝલના ભાવવધારાના પગલે આજે વિપક્ષ કોંગ્રેસ દ્વારા વિરોધ-પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. શહેર કોંગ્રેસ દ્વારા પણ ઇંધણના ભાવવધારાના મામલે વિરોધ-પ્રદર્શન સાથે દેખાવો પંચમુખી હનુમાનજી મંદિર પાસે યોજાયા હતા. વિરોધ-પ્રદર્શન દરમિયાન પોલીસ સાથે ઘર્ષણના દૃશ્યો સર્જાયા હતા. તે બાદ પૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકી સહિત કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તા મળી ૨૨ની પોલીસે અટકાયત કરી હતી.

છેલ્લા દોઢ-બે મહિનાથી દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ કૂદકે ને ભૂસકે વધી રહ્યા છે. દેશના કેટલાક શહેરોમાં તો પેટ્રોલના ભાવ પ્રતિલિટરે ૧૦૦ને વટાવી ગયા છે, સાથે ડીઝલના ભાવ પણ રોજ નવા ઉચ્ચ સ્તરે પહોંચી રહ્યા છે. ઇંધણના વધતા ભાવના કારણે દેશમાં મોંઘવારી પણ વધી રહી છે. ઇંધણના ભાવમાં વધારાને કારણે શાકભાજી તેમજ અન્ય જીવનજરૂરિયાતની ચીજવસ્તુઓના ભાવ પણ વધી રહ્યા છે. એક સમયે ભાજપ જ્યારે વિપક્ષમાં હતો ત્યારે પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવ સામે અનેક આંદોલનો ચલાવવામાં આવતા હતા. ત્યારે બીજી તરફ હાલ ભાજપ સત્તામાં છે તેમ છતાં પેટ્રોલ ડીઝલના ભાવને કાબૂમાં લઇ શકાતા નથી. હાલ એક તરફ વૈશ્વિક મહામારી કોરોનાની અસર વર્તાઈ રહી છે અને લોકોની આવક ઘટી રહી છે ત્યારે બીજી તરફ પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવથી સામાન્ય લોકો તકલીફમાં છે.

વડોદરા શહેર કોંગ્રેસના કાર્યકર્તાઓએ પણ વિરોધ નોંધાવ્યો હતો. પ્રદેશ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકી, શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રશાંત પટેલ (ટીકો) તથા પાલિકાના પૂર્વ વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવની આગેવાનીમાં કોંગ્રેસના કાર્યકર્તાઓએ કાલાઘોડા સ્થિત વિશ્વામિત્રી બ્રિજ નજીક પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવ વધારા મુદ્દે પ્રતિકાત્મક દેખાવ યોજ્યા હતા. કોંગ્રેસ દ્વાર આયોજિત આ કાર્યક્રમને પોલીસ વિભાગ દ્વારા મંજૂરી મળી ન હોવા છતાં યોજવામાં આવેલ કાર્યક્રમના પગલે કોંગ્રેસના કાર્યકર્તાઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણના દૃશ્યો જાેવા મળ્યા હતા. પોલીસે દેખાવ કરી રહેલા કોંગ્રેસના કાર્યકર્તાઓની અટકાયત કરી હતી.