દિલ્હી-

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે કોરોના વાયરસ મહામારીને લઈને સરકાર પર સવાલ ઉઠાવનારાઓને જડબાતોડ જવાબ આપ્યો. તેમણે કહ્યું કે પહેલા જ્યારે મહામારી આવતી હતી ત્યારે લોકો બીમારીથી ઓછા અને ભૂખમરાથી વધુ મરતા હતા, પરંતુ અમે કોઈને ભૂખ્યા રહેવા દીધા નથી અને ૮૦ કરોડ લોકોને સતત રાશન આપ્યું.

ભાજપની પાર્લિયામેન્ટ્રી પાર્ટીની બેઠકમાં પીએમ નરેન્દ્ર મોદીએ પાર્ટીના સાંસદોને સલાહ આપી અને કહ્યું કે સત્ય એટલે કે સરકારના કામને જનતા સુધી પહોંચાડો. સત્યને જનતા સુધી પહોંચાડવું એ આપણી પહેલી પ્રાથમિકતા છે. કોરોના વાયરસ આપણા માટે રાજનીતિ નથી, પરંતુ માનવતાનો વિષય છે.પીએમ મોદીએ ભાજપના સાંસદોને કહ્યું કે તમે લોકોને કોરોના વાયરસ વિરુદ્ધ ભારત કેવી રીતે લડ્યું અને દુનિયામાં શું સ્થિતિ રહી તે વિશે તુલનાત્મક રીતે જણાવો. આ સાથે જ પીએમ મોદીએ ચોમાસુ સત્ર દરમિયાન તમામ સાંસદોને સંસદમાં હાજર રહેવા કહ્યું.

બેઠકમાં પીએમ મોદીએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા. તેમણે કહ્યું કે કોંગ્રેસ બધી જગ્યાએથી ખતમ થઈ રહી છે પરંતુ તેને પોતાની ચિંતા નથી અને આપણી ચિંતા વધુ છે. કેરળ બંગાળ અને આસામમાં હાર્યા બાદ પણ તેઓ ઊંઘમાંથી જાગ્યા નથી. પીએમ મોદીએ સંસદીય દળની બેઠકમાં કહ્યું કે દિલ્હીમાં ૨૦ ટકા ફ્રન્ટ લાઈન કોરોના વોરિયર્સ હજુ પણ વેક્સિનેટેડ થયા નથી. આ સાથે જ તેમણે કહ્યું કે દેશમાં કોરોના રસીની કોઈ કમી નથી. તેને લઈને નકારાત્મક માહોલ બનાવવાની કોશિશ થઈ રહી છે.