અમદાવાદ-

ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ દ્વારા પત્રકાર પરિષદનું સંબોધન કરવામાં આવ્યું હતું. તેમણે પોતાનાં ભાષણ દરમિયાન કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. આ ઉપરાંત તેમણે ભાજપનું નવુ સુત્ર પણ લોન્ચ કર્યું હતું. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને અનુલક્ષીને તેમણે ભાજપનું નવું સૂત્ર લોન્ચ કર્યું. ગુજરાત છે મક્કમ, ભાજપ સાથે અડીખમ આ સુત્ર લોન્ચ કર્યું હતું.

તેમણે કહ્યું કે, કોંગ્રેસને ભાજપ સામે વાંધો નથી પરંતુ વિકાસ સામે વાંધો છે. ભાજપ દ્વારા જેટલા પ્રોજેક્ટ કે કાયદા લવાયા તે તમામનો કોંગ્રેસે આંખો બંધ કરીને વિરોધ કર્યો છે. પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલે કોંગ્રેસ પર પ્રહાર કરતા જણાવ્યું કે, કોંગ્રેસ દ્વારા રામ મંદિર, નર્મદા યોજના, સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિત મોટા ભાગનાં પ્રોજેક્ટનો વિરોધ કરવામાં આવ્યો. સ્ટેચ્યુ ઓફ યુનિટીને તો તેમણે લોખંડનો ભંગાર ગણાવીને વિરોધ કર્યો હતો. આ માત્ર સરદાર સાહેબ જ નહી પરંતુ સમગ્ર ગુજરાતનું અપમાન હતું. એસવીપી હોસ્પિટલ, બીઆરટીએસ, સાબરમતી રિવર ફ્રન્ટ, સુજલાફ સુફલામનો પણ વિરોધ કર્યો.

આજે આ તમામ પ્રોજેક્ટ ન માત્ર સફળ છે પરંતુ તેના પરથી અનેક રાજ્યો અને બીજા દેશો પ્રેરણા પણ મેળવી રહ્યા છે. કોંગ્રેસ ભાજપ વિરોધી નહી પરંતુ વિકાસ વિરોધી છે. ત્યાંનું શિર્ષ નેતૃત્વ જે કાંઇ પણ કહે તેનું આંધળુ અનુકરણ કરવામાં આવે છે. એટલે સુધી કે કોંગ્રેસ દ્વારા સેનાના જવાનો, રાષ્ટ્રીય નીતિઓનો પણ વિરોધ કરવામાં આવ્યો છે. આ વિકાસ વિરોધી પાર્ટીની વિરુદ્ધ ગુજરાત છે મક્કમ, ભાજપ સાથે અડીખમ. એટલે જ ગુજરાતનો વિકાસ ઉડીને આંખે વળગે તેવો છે.