વડોદરા

વડોદરા જિલ્લા કોંગ્રેસના અગ્રણી, બરોડા ડેરીના પૂર્વ ડિરેક્ટર, ગંધારા સુગરના પુર્વ ડિરેક્ટર,એપીએમસી શિનોરના પુર્વ ડિરેક્ટર અને કોંગ્રેસના પ્રદેશ ડેલીગેટ જગદીશભાઈ શામલાલભાઈ પટેલ કોંગ્રેસ સાથે વર્ષો જુના નાતાનો છેડો ફાડીને પક્ષપલ્ટુ અક્ષય પટેલને સમર્થન આપવાને માટે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે.મંત્રી જયદ્રથસિંહ ‌પરમાર ભરૂચના સાંસદ મનસુખ ભાઇ વસાવા, પ્રદેશ મહામંત્રી શબ્દશરણ બ્રહ્મભટ્ટ, પ્રદેશ ઉપાધ્યક્ષ ભાર્ગવ ભટ્ટ અને પુર્વ ધારાસભ્ય સતીષ પટેલની ઉપસ્થિતિમાં ભાજપનો ખેસ ધારણ કર્યો હતો. કરજણ પેટા ચૂંટણીમા ભાજપાના ઉમેદવાર અક્ષય પટેલના સમર્થનમાં શિનોર એપીએમસીના પૂર્વ ડિરેક્ટર તથા પ્રદેશ કોંગ્રેસના ડેલિગેટ મેમ્બર તેમજ બરોડા ડેરીના પૂર્વ ડિરેક્ટર કોંગ્રેસના અગ્રણી જગદીશભાઈ શામલાલ પટેલ ભાજપાના પ્રદેશ હોદ્દેદારોની હાજરીમાં ભારતીય જનતા પાર્ટીનો ખેસ ધારણ કરી ભાજપમાં જોડાયા હતા તેઓએ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અક્ષય પટેલને સમર્થન જાહેર કર્યું છે અને અક્ષય પટેલને જંગી મતોથી વિજેતા બનાવવા અપીલ કરી છે. ભાજપને કરજણ બેઠકમાં વળતા પાણી જણાતા ચૂંટણી પ્રચાર-પ્રસાર બંધ થયા પછીથી છેલ્લી ઘડીના મરણિયા પ્રયાસ રૂપે કોંગ્રેસના દિગ્ગજોનો પક્ષપલટો કરાવીને એડી ચોટીનું જોર લગાવી કોઈપણ ભોગે કરજણ બેઠક અંકે કરવાને માટેના મરણિયા પ્રયાસો શરુ કર્યા છે, જેના ભાગરૂપે કોંગ્રેસના અગ્રણીઓને પક્ષપલટો કરાવીને બેઠક જીતવાના પ્રયાસો શરુ કરી દેવાયા છે. એ જોતા હવે એવું સ્પષ્ટ જણાઈ રહ્યું છે કે ભાજપાએ આઠ આઠ જિલ્લાઓની ફોજ ઉતારવા છતાં કરજણ બેઠક સરકતી લાગતા છેલ્લી ઘડીયે કોંગ્રેસના કોઈને ભાજપમાં લેવાશે નહિ એવી પોતાનીજ વાત માટે થુંકેલુ ચાટીને ચૂંટણી જીતવાને માટે કોંગ્રેસીઓને પક્ષમાં લેવા ફરજ પડી છે. જેને લઈને આકરી ટીકાઓ અને ટિપ્પણીઓ થઇ રહી છે. કોંગ્રેસ મુક્ત ભારત બનાવવાને માટે કોંગ્રેસ યુક્ત ભાજપ બનાવવામાં આવી રહ્યું છે. જેને લઈને પક્ષના જુના અને સક્રિય તથા સંનિષ્ઠ કાર્યકરોમાં ભારોભાર નારાજગી જોવા મળી રહી છે.

ભાજપનું નાક દબાવનારાને માથે ચઢાવવામાં આવે છે. એવી કાર્યકરોમાં છાપ ઉભી થઇ રહી છે. એટલું જ નહિ, પરંતુ સત્તા મેળવવાને માટે સામા પક્ષમાંથી આવીને પ્રવેશ મેળવો એવી ચર્ચાઓ ખુદ ભાજપના કાર્યકરોમાં થઇ રહી છે.