કૃષિ કાયદાને લઈને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી વિજય ચોકથી રાષ્ટ્રપતિ ભવન સુધી કૂચ કરશે
23, ડિસેમ્બર 2020

દિલ્હી-

બોર્ડરો પર ખેડૂતોનું આંદોલન સતત ચાલી રહ્યું છે. સરકાર સાથેની વાતચીતો છતાં કોઈ સુખદ નિવેડો આવ્યો નથી. ખેડૂતો કૃષિ કાયદાને પાછો લેવા માટે સતત દબાણ કરી રહ્યા છે. જેમાં હવે ધીમે ધીમે રાજકીય પક્ષો પણ ખેડૂતોની પડખે આવી રહ્યા છે. દેશમાં છેલ્લા 1 મહિનાથી ચાલી રહેલા ખેડૂત આંદોલનને લઈને કોંગ્રેસના રાહુલ ગાંધી પણ હવે રાષ્ટ્રપતિને મળીને આ બાબતે હસ્તક્ષેપ કરવા માટે રજૂઆત કરવા જનાર છે. 

કૃષિ કાયદાને લઈને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી કાલે સવારે 10.45 કલાકે વિજય ચોકથી રાષ્ટ્રપતિ ભવન સુધી કૂચ કરશે. આ દરમિયાન રાહુલ ગાંધી સાથે અન્ય કોંગ્રેસી નેતાઓ પણ ભાગ લેશે. આ પછીથી રાહુલ અને અન્ય વરિષ્ઠ નેતાઓ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદથી મુલાકાત કરશે અને છેલ્લા 1 મહિનાથી દિલ્હીની બોર્ડરો પર ચાલી રહેલા ખેડૂત આંદોલનમાં હસ્તક્ષેપ કરવા બે કરોડ સિગ્નેચરયુક્ત મેમોરેન્ડમ રજૂ કરશે. કોંગ્રેસ સાંસદ કે સુરેશે આ બાબતની જાણકારી આપી છે.

તો કોંગ્રેસી નેતાઓના પ્રદર્શનને લઈને મધ્યપ્રદેશના ગૃહમંત્રી નરોતમ મિશ્રાએ કહ્યું કે કોંગ્રેસ નેતા કમલનાથજી, જે 15 મહિનાથી ક્યારેય ખેડૂતોના ખેતરમાં ગયા નથી. તેઓ ટ્રેક્ટર પર સવારી કરશે. રાહુલ ગાંધી જેમણે સોફા કમ ટ્રેક્ટર ચલાવ્યું હતું, તેમને એ પણ નથી ખબર કે બટાટા જમીનની ઉપર ઉગે છે કે નીચે. મિશ્રાએ કહ્યું કે હું સમજી નથી શકતો કે આ કૃષિ કાયદામાં ખોટું શું છે. આ ટુકડે ટુકડે ગેંગ છે. જેઓ ખેડૂતોને ભડકાવવાનું અને ભટકાવવાનું કામ કરે છે. અત્યાર સુધી કોઈ પણ કાળા કાયદાની વ્યાખ્યા નથી કરી શક્યા.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution