મંજૂરી વગર કોંગ્રેસે દાંડી યાત્રા કાઢવાનો પ્રયત્ન કરતા કોંગ્રેસના નેતા અને કાર્યકરોનું પોલીસ સાથે ઘર્ષણ

અમદાવાદ-

અમદાવાદમાં આઝાદીના અમૃત મહોત્સવની શરૂઆત કરાવવા અને દાંડી કૂચને પ્રસ્થાન કરાવવા માટે પીએમ મોદી આજે અમદાવાદની મુલકાતે હતા. કાર્યક્રમ પૂરો થતા જ કોંગ્રેસની પણ એક દાંડી કૂચનું આયોજન કરવામાં આવ્યું હતું. જો કે પોલીસ દ્વારા આ દાંડી કૂચને મંજૂરી આપવામાં આવી નહતી. આમ છતાં કોંગ્રેસ પોતાની આ દાંડી કૂચ માટે મક્કમ હતી અને 2 વાગ્યા બાદ રાજીવ ગાંધી ભવન પાસે કાર્યકરો અને નેતાઓનો જમાવડો થવા લાગ્યો. મંજૂરી વગર કોંગ્રેસે દાંડી યાત્રા કાઢવાનો પ્રયત્ન કરતા કાર્યકરો અને નેતાઓનું પોલીસ સાથે ઘર્ષણ થયું. અનેક નેતાઓની અટકાયત કરવામાં આવી છે.

મંજૂરી આપવામાં ન આવી હોવા છતાં દાંડી કૂચ કાઢવા માટે મક્કમ રહેલી કોંગ્રેસના અનેક નેતાઓની પોલીસે અટકાયત કરી છે. કોંગ્રેસની આ રેલી રાજીવ ગાંધી ભવનથી ગાંધી આશ્રમ સુધી જવાની હતી. અનેક કાર્યકરોને ટીંગાટોળી કરીને લઈ જવાયા. અત્રે જણાવવાનું કે કોંગ્રેસ આજના દિવસે દાંડી કૂચ કાઢવા માટે મક્કમ હતી જેના પગલે ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાને ગાંધીનગર એમએલએ ક્વાટર ખાતે નજરકેદ કરવામાં આવ્યા હતા. આ સિવાય અન્ય નેતાઓને પણ નજરકેદ રાખવામાં આવ્યા હતા. કોંગ્રેસે ટ્રેક્ટર રેલી માટે એકઠા કરેલા ટ્રેક્ટરના ટાયરની હવા કાઢી નાખવામાં આવી. યાત્રા માટે એકઠા કરાયેલા સામાનમાં તોડફોડ કરવામાં આવી. જ્યાં ટ્રેક્ટર એકઠા કર્યા હતા એ પાર્ટી પ્લોટની બહાર પોલીસ ખડકી દેવાઇ છે. આમ છતાં કોંગ્રેસ દાંડીયાત્રા રૂટ પર ટ્રેક્ટર સત્યાગ્રહ કરવા મક્કમ છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution