દિલ્હી-

કોંગ્રેસ પાર્ટીમાં બદલાવની માંગણીને લઇ પાર્ટી અધ્યક્ષા સોનિયા ગાંધીને લખાયેલી ચિઠ્ઠીને લઇ હોબાળો થઇ ગયો છે. હવે એક મીડિયા રિપોર્ટના હવાલેથી કહેવાય છે કે આ ચિઠ્ઠીની પટકથા પાંચ મહિના પહેલાં કોંગ્રેસ સાંસદ શશિ થરૂર દ્વારા આપવામાં આવેલ ડિનર પાર્ટીમાં લખાઇ હોઇ શકે છે. આપને જણાવી દઇએ કે શશિ થરૂરની ડિનર પાર્ટી માર્ચમાં થઇ હતી અને તેમાં કોંગ્રેસના કેટલાંય વરિષ્ઠ નેતા સામેલ થયા હતા.

ઉલ્લેખનીય છે કે શશિ થરૂરની ડિનર પાર્ટીમાં સામેલ થનાર કેટલાંય નેતાઓએ આ ચિઠ્ઠી પર હસ્તાક્ષર કર્યા નહોતા. એક મીડિયા રિપોર્ટના મતે શશિ થરૂરની આ ડિનર પાર્ટીમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી પી.ચિદમ્બરમ, તેમના દીકરા કાર્તિ ચિદમ્બરમ, સચિન પાયલટ, અભિષેક મનુ સિંધવી અને મણિશંકર ઐય્યર જેવા નેતા સામેલ થયા હતા પરંતુ તેમણે ચિઠ્ઠી પર હસ્તાક્ષર કર્યા નથી.

જાે કે શશિ થરૂરની ડિનર પાર્ટીમાં સામેલ થનાર કેટલાંય નેતાઓએ પાર્ટીના પત્રને લઇ ઔપચારિક વાતચીત થયાની ના પાડી દીધી છે. અભિષેક મનુ સિંધવીએ કહ્ય્šં કે મને શશિ થરૂર દ્વારા પાર્ટીમાં આમંત્રિત કરાયા હતા. આ પાર્ટીમાં પાર્ટીની અંદર સુધારને લઇ અનૌપચારિક વાતચીત થઇ હતી. જાે કે મને કોઇ પત્ર અંગે કોઇ માહિતી આપવામાં આવી નહોતી.

તો પાર્ટીમાં સામેલ થનાર નેતાઓમાં સામેલ મણિશંકર ઐય્યરે કહ્યું કે મેં પત્ર પર હસ્તાક્ષર કર્યા નહોતા અને આ અંગે મને કંઇ ખબર પણ નહોતી. મને કોઇએ સહી કરવા માટે કહ્યું નહોતું. ઐય્યરે એમ પણ કહ્યું કે પાર્ટીમાં સુધારના મુદ્દા પર સામાન્ય વાતચીત થઇ હતી. આ દરમ્યાન પત્ર લખવાને લઇ સલાહ અપાઇ હતી. જેનો કોઇએ વિરોધ કર્યો નહોતો પરંતુ ડિનર દરમ્યાન કોઇએ મને કંઇ કહ્યું નહોતું.

તો બીજા એક સાંસદે નામ ના જાહેર કરવાની શરતે કહ્યું હતું કે તેઓ શશિ થરૂરની પાર્ટીમાં હાજર હતા અને તેમણે ચિઠ્ઠી પણ હસ્તાક્ષર કર્યા હતા. કારણ કે તેમને લાગ્યું કે કોંગ્રેસને તાત્કાલિક બદલાવની જરૂર છે. આપને જણાવી દઇએ કે હાલ કોંગ્રેસમાં યથાસ્થિતિ પુનઃસ્થાપિત થઇ ગઇ છે અને સોનિયા ગાંધી હાલ વચગાળાના અધ્યક્ષાનું પદ સંભાળતા રહેશે.