કોંગ્રેસ એટલે મુસ્લિમ લીગ માઓવાદી કોંગ્રેસ : મોદી
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
14, ફેબ્રુઆરી 2026  |   2574


ડિબ્રુગઢ/ગુવાહાટી, આસામમાં ચાલુ વર્ષે યોજાનારી વિધાનસભાની ચૂંટણીઓ પૂર્વે રાજકીય વાતાવરણમાં ભારે ગરમાવો જાેવા મળી રહ્યો છે. રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વાયુસેનાના વિશેષ સી-૧૩૦ એરક્રાફ્ટ દ્વારા આસામના ડિબ્રુગઢ પહોંચ્યા હતા. તેમણે મોરાન બાયપાસ પર સ્થિત ઇમરજન્સી લેન્ડિંગ ફેસિલીટી પર સફળ લેન્ડિંગ કરીને પોતાની મુલાકાતનો પ્રારંભ કર્યો હતો. મુલાકાત દરમિયાન પીએમ મોદીએ રૂ. ૩,૦૩૦ કરોડના ખર્ચે બ્રહ્મપુત્ર નદી પર બનેલા ભવ્ય ભાસ્કર વર્મા સેતુ અને આઈઆઈએમ ગુવાહાટીના ટેમ્પરરી કેમ્પસનું ઉદ્ઘાટન કરીને આસામના આધુનિકીકરણની નવી ક્ષિતિજાે ખુલ્લી મૂકી હતી. ઉલ્લેખનીય છેકે, છેલ્લા ત્રણ મહિનામાં પીએમ મોદીનો આ ત્રીજાે આસામ પ્રવાસ છે. રાજ્યમાં આગામી સમયમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીઓ પૂર્વે આ રણનૈતિક લોકાર્પણ ભાજપ સરકારની સુરક્ષા અને વિકાસ પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવે છે.

વડાપ્રધાન મોદીએ એક જંગી જનમેદનીને સંબોધતા કોંગ્રેસના ભૂતકાળના શાસન અને વર્તમાન નીતિઓ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, કોંગ્રેસની તુષ્ટિકરણની અને વોટ બેંકની રાજનીતિએ હંમેશા વિકાસના અવરોધ તરીકે કામ કર્યું છે. જેવી રીતે સ્વતંત્રતા સમયે મુસ્લિમ લીગે દેશના ભાગલા પડાવ્યા હતા, તેવી જ રીતે આજની કોંગ્રેસ મુસ્લિમ લીગ માઓવાદી કોંગ્રેસ બનીને દેશને તોડવાના પ્રયાસો કરી રહી છે અને આતંકવાદીઓને ખભે બેસાડી રહી છે. પુલવામા હુમલાની વરસી પર શહીદોને નમન કરતા તેમણે કોંગ્રેસને સવાલ કર્યો હતો કે, શું આતંકવાદીઓને પાઠ ભણાવવાની હિંમત તમારામાં હતી?વિકાસના આંકડા રજૂ કરતા વડાપ્રધાને માહિતી આપી હતી કે, કેન્દ્ર સરકાર દ્વારા આસામની વિવિધ પરિયોજનાઓ માટે રૂ. ૫.૫૦ લાખ કરોડથી વધુની રકમ ફાળવવામાં આવી છે. આસામમાં હવે સેમિકન્ડક્ટર પ્લાન્ટ બની રહ્યો છે, જેના કારણે ભવિષ્યમાં આસામી ચાની જેમ જ આસામી ચિપ્સ પણ દુનિયાભરમાં પોતાની ઓળખ બનાવશે. કોંગ્રેસના સમયમાં રક્ષણના સોદામાં કૌભાંડો થતા હતા, જ્યારે વર્તમાન ભાજપ સરકાર સરહદો પર શાનદાર હાઈવે, ટનલ અને બ્રિજ બનાવીને દેશની સુરક્ષાને અત્યંત મજબૂત કરી રહી છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution