ગાંધીનગર-

ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્ર દરમિયાન બીજા દિવસે ગૃહમાં ભારે હોબાળો થયો હતો. મજૂર કાયદા અંગે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની શાબ્દિક ટિપ્પણી બાદ કોંગ્રેસના ધારાસભ્યો વિરોધમાં આવી ગયા હતા. ત્યારે આ વિરોધ વધતા કોંગ્રેસના ધારાસભ્ય નૌશાદ સોલંકીએ પોતાનું માઈક ગૃહમાં ફેંક્યું હતું. આ બાદ વિધાનસભા ગૃહમાંથી બહાર નીકળી જઈને કોંગ્રેસના સભ્યોએ સૂત્રોચ્ચાર કર્યા હતા. 

નૌશાદ સોલંકીની આ હરકતના પગલે ભાજપ-કૉંગ્રેસના ધારાસભ્યો સામ-સામે આવી ગયા હતા. નૌશાદ સોલંકીએ ગૃહમાં ગેલેરીના પગથિયે જ ધરણાં પર બેસી જઈ કહ્યું કે, નીતિન પટેલ મને કૉંટ્રાક્ટર સાબિત કરે કાં તો માફી માગે. બીજી તરફ તરફ નેતા વિપક્ષ પરેશા ધાનાણી સહીત કૉંગ્રેસના ધારાસભ્યો વિધાનસભા અધ્યક્ષને રજૂઆત કરવા પહોંચ્યા હતા. તેમણે અધ્યક્ષને ગૃહમાં વિપક્ષનું સન્માન ન જળવાતું હોવાની રજૂઆત કરી હતી.   આ મુદ્દે જોરદાર ઉગ્રતા વ્યાપી ગઈ પછી ભારે સમજાવટ બાદ નૌશાદ સોલંકીએ ધરણાં પૂરા કર્યા હતા. કોંગ્રેસે જાહેરાત કરી છે કે, બુધવારે પણ વિધાનસભામાં કૉંગ્રેસ આ મુદ્દાને ગૃહમાં ઉઠાવશે અને નીતિન પટેલ માફી માગે તેવી માગ કરશે.