વડોદરા, તા.૨૩

વડોદરા શહેરમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ સુભાષચંદ્ર બોઝની ૧૨૫મી જન્મજયંતીની ઉજવણી કરી હતી. ભાજપના નેતાઓ દ્વારા સુભાષચંદ્ર બોઝની જન્મજયંતીએ પુષ્પાંજલિ અર્પણ કરાઈ હતી અને શહેરના વિવિધ વોર્ડમાં ભાજપ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આમ આદમી પાર્ટીના અગ્રણીઓએ સુભાષચંદ્ર બોઝની પ્રતિમાને પુષ્પમાળા અર્પણ કરી હતી. નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મજયંતી નિમિત્તે શહેર કોંગ્રેસ દ્વારા વિવિધ વિસ્તારોમાં બાઇકરેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રેલી પૂર્વે શહેરના નેતાજી સુભાષચંદ્ર બોઝની પ્રતિમાને પુષ્પાજંલિ અર્પણ કરવામાં આવી હતી. આ બાઇક રેલી શહેરની તમામ પાંચ વિધાનસભા ક્ષેત્રમાં ફરી હતી. રેલીમાં કોંગ્રેસ અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં કાર્યકરો જાેડાયા હતા. રેલીએ માર્ગો ઉપર ભારે આકર્ષણ જમાવ્યું હતું.

આઝાદ હિન્દ ફોજના પ્રણેતા સુભાષચંદ્ર બોઝની જન્મજયંતી નિમિત્તે શહેર કોંગ્રેસ દ્વારા સવારે શહેરના રેસકોર્સ વડીવાડી સ્થિત નેતાજી સુભાષચંદ્ર બોઝની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં કરવામાં આવી હતી. શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રશાંત પટેલ, ચંદ્રકાંત શ્રીવાસ્તવ, અમીત ગોટીકર વગેરેએ પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ કાર્યક્રમ બાદ બપોરે ૧૨ કલાકે તમામ વિધાનસભા ક્ષેત્રમાં રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

શહેર કોંગ્રેસ દ્વારા આયોજિત બાઇકરેલીમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો ઉત્સાહભેર જાેડાયા હતા. તિરંગા અને નેતાજી સુભાષચંદ્ર બોઝના મુખવટા પહેરીને કાર્યકરો રેલીમાં જાેડાતાં રેલીએ ભારે આકર્ષણ જમાવ્યું હતું. શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રતાપનગર અલ્પના સિનેમા ગૃહ ખાતેથી રેલીમાં જાેડાયા હતા. તેઓ સાથે ચંદ્રકાંત શ્રીવાસ્તવ પણ જાેડાયા હતા. આ રેલી રાવપુરા વિધાનસભા ક્ષેત્રમાં ફરી હતી.

 સહજ ગૃપ દ્વારા “નેતાજી”ની રંગોળી બનાવાઈ

ક્રાંતિકારી સુભાષચંદ્ર બોઝના જન્મદિવસ નિમિત્તે શહેરના વિવિધ સંગઠનો દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. શહેરના અરવિંદરાય કે. વૈષ્ણવ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વડીવાડી વિસ્તારમાં આવેલ નેતાજીની પ્રતિમાને પુષ્પાજંલી અર્પણ કરીને તેમજ બેન્ડની સુરાવલી સાથે શૌર્ય ગીતોે રજુ કરવામાં આવ્યા હતા. તે સાથે સુભાષ ચંદ્ર બોઝની જન્મ જંયતિ નિમિત્તે સહજ રંગોળી ગૃપ દ્વારા “નેતાજી”ની આબેહુબ રંગોળી દોરવામાં આવી હતી. તેમના દ્વારા મનોહર રંગોળી લોકો સમક્ષ પ્રદર્શનમાં મુકવામાં આવી હતી. સહજ ગૃપ દ્વારા તમામ તહેવારો તેમજ મહાપુરુષોના જન્મ દિવસે તેમની આબેહૂબ રંગોળી બનાવીનેે લોકો સમક્ષ રજૂ કરવામાં આવે છે.