વડોદરા, તા.૧૪

વડોદરા કોર્પોરેશન દ્વારા ગુરુવારે મોડી રાત્રે જૂના પાદરા રોડ હેવમોર સર્કલ અને લાયન્સ કલબ તરફના માર્ગ પાસે નડતરરૂપ બે નાના મંદિરો મધરાત્રે તોડી પાડવામાં આવ્યા હતા, જેનો વિરોધ કરતા વડોદરા કોંગ્રેસ દ્વારા આજે ધરણાં યોજી વિરોધ કર્યો હતો અને હનુમાન ચાલીસાનુંુ પઠન કરીને મંદિરના પુનઃ સ્થાપનની માગણી કરવામાં આવી હતી.

વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ રૂત્વિજ જાેષીએ જણાવ્યું હતું કે, ચૂંટણી ટાણે હિન્દુત્વની વાતો કરતાં ભાજપા શાસકોના મંદિરોના ડિમોલેશન રોકવા હાથ ધ્રૂજી રહ્યા છે. ક્રિકેટ રમવામાં મગ્ન મેયર આ બાબતે જવાબ આપે. આ ઘટનામાં જવાબદાર ધારાસભ્ય, મેયર, મ્યુનિસિપલ કમિશનર, કોર્પોરેટરના ઘરે જઈ રજૂઆત કરાશે. તેમણે એમ પણ કહ્યું હતું કે, મંદિર તોડી પાડ્યું તે સ્થળે પોલીસની કેબિન તથા વીજ કંપનીની કમ્પાઉન્ડ વોલ છે, તે કેમ દૂર કરવામાં આવ્યું નથી?

જ્યારે વિપક્ષી નેતા અમી રાવતે જણાવ્યું કે, વિકાસની આડમાં મંદિર તોડવું હોય તો મંદિરના અગ્રણીઓ સાથે ચર્ચા-વિચારણા સાથે મંદિર પુનઃસ્થાપિત કરી પ્રાણપ્રતિષ્ઠા બાદ મંદિર તોડવા જાેઈએ. જેથી લોકોની ધાર્મિક લાગણી ના દુભાય. પૂર્વ વિપક્ષી નેતા ચંદ્રકાન્ત શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, સત્તાના નશામાં શાસકો ભૂલી ગયા છે કે જે સત્તા આપી શકે છે તે છીનવી પણ શકે છે. ભાજપના શાસનમાં માત્ર ગરીબ પ્રજાને પરેશાન કરવામાં આવે છે. જ્યારે માલેતુજારો સામે આંખ આડા કાન કરે છે.

પ્રતિમાઓને અન્ય મંદિરોમાં પૂજા-અર્ચના માટે સોંપાઈ

પાલિકા દ્વારા તા.૧રના રોજ રોકસ્ટાર સર્કલ, પાસેથી ભાથુજી મહારાજની ડેરી અને મલ્હાર પોઈન્ટ સામેથી બળિયાદેવની ડેરી દૂર કરવામાં આવી હતી. જેમાં સ્થાપિત મૂર્તિઓ અત્યાર સુધી અટલાદરા સ્ટોર્સ ખાતે મંદિરમાં રાખી તેની પૂજા-અર્ચના, કરવામાં આવતી હતી. ગેંડા સર્કલથી મનીષા ચોકડી સુધીના બ્રિજનું જે નિર્માણકાર્ય ચાલી રહ્યું છે તેથી એક રસ્તો બંધ કરવામાં આવનાર છે. રસ્તામાં આવતી પ્રતિમાઓને અન્ય સ્થળે પ્રસ્થાપિત કરવા સિવાય કોઈ વિકલ્પ ન હોવાથી તેમજ કોર્ટ તરફથી અકોટા બાજુ જે રસ્તો પસાર થઈ રહ્યો છે ત્યાં રોકસ્ટાર સર્કલ ખાતેનો રસ્તો પણ બંધ થનાર હોવાથી તેનું ડાયવર્ઝન મલ્હાર પોઈન્ટ ચાર રસ્તા તરફ આપવામાં આવ્યું છે. ત્યાં પણ રસ્તામાં આવતી ડેરીને દૂર કરીને પ્રતિમાઓને અન્ય સ્થળે પ્રસ્થાપિત કરવા સિવાય કોઈ વિકલ્પ ન હોવાના કારણે આ પ્રતિમાઓને અન્ય સ્થળે વિધિવત્‌ પ્રસ્થાપિત કરવામાં આવેલ છે. ગેંડા સર્કલથી મનીષા ચોકડી સુધીના બ્રિજનું જેમાં રોકસ્ટાર સર્કલ ખાતે આ કામ આગામી દોઢથી બે માસ સુધી ચાલુ રહેશે, તેમાં સર્વિસ રોડમાં નડતરરૂપ ત્રણ ડેરીઓ દૂર કરવામાં આવેલ છે તેમજ નડતરરૂપ પોલીસ ચોકી પણ પોલીસ વિભાગ સાથે સંકલનમાં રહીને દૂર કરવાની કાર્યવાહી ચાલુ છે. મલ્હાર પોઈન્ટ સ્થિત બળિયાદેવની પૂજા-અર્ચના નિયમિત થતી ન હતી. જેથી મેયરની સૂચના મુજબ મૂર્તિઓની હવેથી નિયમિત પૂજા-પાઠ અને દર્શન થાય તે હેતુથી ભાથુજી મહારાજની મૂર્તિ અકોટા ખાતે મિહીર પાર્ક સોસાયટી પાસે આવેલ ભાથુજી મહારાજના મંદિરમાં તથા બળિયાદેવની મૂર્તિ સલાટવાડા ખાતે આવેલ બળિયાદેવના મંદિરમાં તેમજ હનુમાનજીની મૂર્તિ ગોરવા ગામના ગેટની સામે આવેલ હનુમાનજી મંદિરમાં સોંપવામાં આવી છે.

મંદિર ફરી બાંધવાનો પ્રયાસ કરતાં ઋત્વિજ જાેશી અને સ્વેજલ વ્યાસની અટકાયત

જૂના પાદરા રોડ હેવમોર સર્કલ પાસે પાલિકા દ્વારા ભાથુજી મહારાજનું મંદિર તોડી પડાતાં ટીમ રિવોલ્યુશનના સ્વેજલ વ્યાસ, કેટલાક હિન્દુ સંગઠનોના સહયોગથી બપોરે તે જ સ્થ્ળે રેતી, સિમેન્ટ, ઈંટો ઉતારી હતી તેમજ શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જાેશી, ટીમ રિવોલ્યુશના સ્વેજલ વ્યાસ સહિતે મંદિરના મહારાજ તેમજ અન્ય યુવકો સાથે નડતર ન હોય તે સ્થળે મંદિરના બાંધકામની શરૂઆત કરી ફરી એ જ જગ્યાએ મંદિરનું નિર્માણ કાર્ય શરૂ કરાયું હતું. જાે કે, સ્થળ પર ઉચ્ચ પોલીસ અધિકારીઓનો સ્ટાફ પહોંચ્યો હતો અને મંદિરની કામગીરી અટકાવીને રેતી, સિમેનટ, ઈંટો કબજે લઈને ઋત્વિજ જાેશી અને સ્વેજલ વ્યાસની અટકાયત કરી હતી.