વડોદરા, તા.૨૦

વડોદરા મહાનગરપાલિકાની આજે મળેલી સામાન્યસભા માજી કાઉન્સિલરનું નિધત થતાં શોકદર્શક ઠરાવ કરીને મુલત્વી રાખવામાં આવી હતી. પરંતુ સભા એક મહિનો મુલત્વી રાખવામાં આવતાં કોંગ્રેસના સભ્યોએ વિરોધ કરી ચોમાસાની ઋતુમાં શહેરમાં અનેક સમસ્યાઓ છે. ત્યારે લોકોના પ્રશ્નોની રજૂઆત માટે મળતી સભા એક મહિનો મુલત્વ રાખી તંત્રની પોલ ના ખૂલે તેવા પ્રયાસો થઈ રહ્યા હોવાનું જણાવી સભાગૃહમાં નીચે બેસી ગયા હતા.

કોંગ્રેસના સભ્યોએ કહ્યું હતું કે, આજરોજ પાલિકાની સમગ્ર સભા મળી હતી. આ સભામાં પૂર્વ સભાસદ અરુણભાલ શાહના નિધનના કારણે શોકદર્શક ઠરાવ કરીને સામાન્યસભા તા.૧૮મી ઓગસ્ટ પર મુલત્વી રાખી હતી. ત્યારે કોંગ્રેસના સભ્યોએ કહ્યું હતું કે, શહેરમાં વરસાદના કારણે શહેરની અંદર બે-ત્રણ ઈંચ વરાસદમાં આખું શહેર ડૂબી ગયું છે. જ્યાં લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે જેના કારણે શહેરના નાગરિકોને કરોડો રૂપિયાનું આર્થિક નુકસાન થયું છે, સાથે સાથે તમામ રોડ અને રસ્તાઓ ઉપર ખાડા પડી જવાથી અકસ્માત અને અવરજવર માટે ગંભીર સમસ્યા સર્જાય છે. પાલિકાનું વહીવટીતંત્ર નિષ્ફળ ગયું છે. આજરોજની સભા તા.૧૮ ઓગસ્ટના રોજ મળવા પર મુલત્વી રાખી છે, જેથી સભા આગામી એક બે દિવસમાં મળે તે માટેની ચર્ચા કરવા માગતા હતા, પરંતુ પાલિકાના નિષ્ફળ વહીવટીતંત્રના કારણે પોલ ખૂલ્લી ન થાય, વિપક્ષ સાથે ચર્ચા કરવા માટે મેયર તૈયાર ન થયા. વડોદરાના તમામ સળગતા પ્રશ્નો અને ગંભીર પ્રશ્નોને વાચા આપવા માટે વિરોધ પક્ષ માગણી કરતું રહ્યું હતું, પરંતુ મેયર વાતને સાંભળવા તૈયાર ન હતા જેના કારણે કોંગ્રેસના તમામ સભાસદો સભાગૃહમાં ધરણાં પર બેસી ગયા હતા.