હિન્દુવાદી નેતાઓની હત્યાના કાવતરાનો પર્દાફાશ ઃ કઠોરનો મૌલવી સોહેલ ઝડપાયો

સુરત

દેશનાં અલગ અલગ હિન્દુવાદી નેતાઓની હત્યાનાં કાવતરાનો પર્દાફાશ સુરત ક્રાઇમ બ્રાન્ચે કર્યો છે. કઠોરના મૌલવી મોહમ્મદ સોહેલને પકડી કરાયેલી તપાસમાં સુરતમાં રહેતા અને સનાતન સંઘ નામથી સંગઠન ચલાવતા ઉપદેશ રાણા ઉપરાંત દિલ્હી ભાજપની નેતા નુપુર શર્મા અને હૈદરાબાદનાં ધારાસભ્ય રાજાસિંગ, સુદર્શન ન્યૂઝનાં એડિટર સુરેશ ચવ્હાણની હત્યા માટે કાવતરુ ઘડી તેમને ધમકી અપાયાના પુરાવા પણ પોલીસને મળ્યા છે. રાણાએ તો તેને મળતી ધમકી અંગે જાન્યુઆરી અને માર્ચ મહિનામાં ફરિયાદ પણ નોંધાવી હતી.પોલીસ પાસેથી મળતી માહિતી અનુસાર સારથી એવન્યુ એપાર્ટમેન્ટમાં ઉપદેશ સુભાષ રાણા તેના પરિવાર સાથે રહે છે. ઉત્તર પ્રદેશને મેરઠ જિલ્લાના વતની ૩૬ વર્ષીય ઉપદેશ રાણા ગોડાદરામાં આવેલી સાઇ સૃષ્ટિ બિલ્ડીંગમાં સનાતન સંઘ એન.જી.ઓ ચલાવે છે.  ગત ચોથી જાન્યૂઆરીએ રાતે રાણાને ૯૫૬૧૯૭૧૧૭૬ નંબરથી કોલ આવ્યો હતો. કોલ કરનારે   ઉપદેશ રાણા તુ સુરત મેં કીસ જગહ છુપા હુઆ હૈ, અપના એડ્રેસ ખુદ હી બોલ દે. નહીં તો હમ તો તેરે કો ઢૂંઢ હી લેંગે. મહારાષ્ટ્ર સે તેરા પતા નિકલને કે લિએ હમારા પુરા ગ્રુપ સુરત આ ગયા હૈ તેરી ગર્દન ઉતાર કર લે જાયેંગે. એવી  ધમકી અપાઇ હતી.ત્યારબાદ ૧૮મી ફેબ્રુઆરી સુધી રાણાને સતત કોલ આવ્યા હતા, કોલ કરનારે  ગાળ- ગલોચ કરી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી.  ઉપદેશ રાણાની ફરિયાદના આધારે ગોડાદરા પોલીસે ગત માર્ચ મહિનામાં ઇપીકો કલમ ૫૦૪, ૫૦૭ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.હાલ ચૂંટણીનો માહોલ હોય અને હિન્દુવાદી નેતાને મળતી ધમકી અને ધમકી અનુસારનું કૃત્ય કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને ગંભીર અસર પહોંચાડી શકે એમ હોવાથી ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ તપાસમાં જાેતરાઇ હતી. જેમાં મળેલી બાતમીના આધારે ચોકબજારના ફૂલવાડી વિસ્તારમાંથી મહમ્મદ સોહેલ ઉર્ફે મૌલવી  અબુબકર ટીમોલ ( ઉ.વ.૨૭ રહેવાસી- બી- ૧/૨૦૩, સ્વાગત રેસિડેન્સી અંબોલી, કઠોર ગામ, તા-કામરેજ જિલ્લો-સુરત)ને ઝડપી લેવાયો હતો. મુળ મહારાષ્ટ્રનાં નવાપુરનો વતની સોહેલ કઠોરગામમાં આવેલી મદ્રેસામાં હાફિઝ અને આલીમ બન્યો હતો. હાલ તે લસકાણા ડાયમંડ નગરમાં કાર્યરત ધાગા ફેક્ટરીમાં મેનેજર તરીકે નોકરી કરવા સાથે કઠોર-અંબોલી ગામમાં મુસ્લિમ બાળકોને ઈસ્લામ ધર્મ અંગેનું ખાનગી ટ્યુશન ચલાવે છે.પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતનાં કહેવા અનુસાર મૌલવીએ લાઓસ દેશનાં  નંબર ૮૫૬૨૦૯૬૧૩૫૯૧૦ પર વોટ્‌સએપ એક્ટિવેટ કરાવ્યું હતું. જેનાથી તે હિન્દુ ધર્મ વિરુદ્ધ ઉશ્કેરણીજનક પોસ્ટ મૂકતો હતો.  તેણે ઉપદેશ રાણાને  કમલેશ તિવારીની જેમ જાનથી મારી નાખવાની અવાર નવાર ધમકીઓ આપી હતી. એટલું જ નહીં મૌલવીએ તેમના કટ્ટરવાદી ગ્રુપના એક સભ્યને ઉપદેશ રાણાનો ફોટો મોકલી હત્યાની સોપારી આપી હતી. લાઓસ દેશના નંબર પર એક્ટિવેટ કરાયેલા વોટ્‌સએપ મારફતે મૌલવીએ  ધમકી આપવા તથા જાનથી મારી નાખવાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution