સુરેન્દ્રનગર, ૨૬ નવેમ્બર બંધારણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે, જે અંતર્ગત રાજ્યભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે. આ જ શ્રેણીમાં સુરેન્દ્રનગર જિલ્લામાં પણ આજ રોજ ડિસ્ટ્રીકટ કોર્ટ ખાતે બંધારણ દિવસની ઉજવણી નિમિતે એક સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને સંબોધતા કાર્યક્રમનાં અધ્યક્ષ પ્રિન્સિપાલ ડીસ્ટ્રીક્ટ જજ પી.એસ ગઢવીએ જણાવ્યું હતુ કે, ભારતનું બંધારણ વિશ્વના તમામ બંધારણોમાં સૌથી વિશિષ્ટ બંધારણ છે. અને વિશ્વભરમા આપણી ઓળખ બની છે. દેશનું બંધારણ તમામ કાયદાઓની જનેતા છે. જેની અગત્યતા વિશે જાગૃતિ પ્રસરાવવા વર્ષ ૨૦૧૫થી બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. બંધારણ વિના કાયદાઓનો અમલ શક્ય નથી. બંધારણનાં કાયદાકીય અભ્યાસ બાદ તેનો ઉપયોગ માત્ર વ્યવસાય તરીકે ના થવો જાેઈએ પરંતુ દેશ પ્રત્યેની આપણી ફરજને ધ્યાનમાં રાખીને કાર્ય કરવું જાેઈએ. આઝાદીને ટકાવી રાખવા માટે બંધારણના સિધ્ધાંતો પ્રત્યે સજાગતા રાખી તેના અમલ માટે સહિયારા પ્રયત્નો કરવા જાેઈએ જણાવતા તેમણે બંધારણના સિદ્ધાંતોને જાળવવા મૂળભૂત ફરજાેને નિભાવીને નાગરિક તરીકેની આપણી ફરજ નિભાવી જાેઈએ તેવી અપીલ કરી હતી. કાર્યક્રમની સ્વાગત વિધિ જિલ્લા સરકારી વકીલ એમ.પી સંભાણી તથા આભાર વિધિ એ.જી.પી. એન.ડી કારીયા દ્વારા કરવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન બંધારણ તેમજ વિવિધ કાયદાકીય બાબતો વિશે રસપ્રદ પ્રશ્નોત્તરી પણ કરવામાં આવી હતી.