ભાજપના ઉમેદવાર નીતિન દોંગાએ સૌરભ પટેલને બોલાવતાં વિવાદ
20, ફેબ્રુઆરી 2021

વડોદરા : ભાજપે પણ સમગ્ર શહેરમાં તમામ ૧૯ વોર્ડમાં શહેર અધ્યક્ષ ડો.વિજય શાહ દ્વારા વિજય વિશ્વાસ રેલીનું આયોજન કરાયું હતું. પરંતુ આ પૈકી વોર્ડ-૧૦ના ઉમેદવારે સૌની જાણ બહાર અકોટાના પૂર્વ ધારાસભ્ય અને મંત્રી સૌરભ પટેલને બોલાવતા વિવાદ સર્જાવા પામ્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે વડોદરા મહાનગરના ભાજપના અધ્યક્ષ ડો.વિજય શાહ અને મંત્રી સૌરભ પટેલ વચ્ચે લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે.જેને કારણે બંને વચ્ચે વર્ષોથી ખપ પૂરતા પણ બોલવા ચાલવાના સબંધો નથી એવી પક્ષના આંતરિક વર્તુળોમાં ચર્ચાઓ થઇ રહી છે. આ સંપૂર્ણ બાબતોથી માહિતગાર હોવા છતાં પાલિકાની ચૂંટણીમાં વોર્ડ-૧૦ના ભાજપના ઉમેદવાર નીતિન દોંગા દ્વારા પારિવારિક સંબંધોને મધ્યે નજર રાખીને એની પુનઃ ટિકિટની ફાળવણીમાં મહત્વનો રોલ ભજવનાર સૌરભ પટેલને વિજય વિશ્વાસ રેલીમાં બોલાવતા ભડકો થયો હતો. જે બાબત સ્થાનિક ભાજપમાં ગરમાગરમ ચર્ચાનો વિષય બની ગઈ છે. શહેરના સ્થાનિક સંગઠનને અંધારામાં રાખીને સૌરભ પટેલને બોલાવતા નારાજ સંગઠનના કાર્યકરો વોર્ડ-૧૦ની રેલીથી છેલ્લી ઘડીયે દૂર થઈને હતી ગયા હતા.આ બાબત શહેર ભાજપ અધ્યક્ષને પણ આંખમાં કણાની માફક ખુંચી હતી.પરંતુ તેઓ એ બાબતે ન તો વિરોધ નોંધાવી શક્ય હતા,ન તો હરફ સુદ્ધા ઉચ્ચારી શક્ય હતા.પરંતુ માત્ર સંગઠનને એનાથી દૂર રાખીને સંતોષ લીધાનું પક્ષના આંતરિક વર્તુળોમાં ચર્ચાતું હતું. આ ઉપરાંત નીતિન દોંગાએ એના વિસ્તારના ધારાસભ્યને પણ આ બાબતની જાણ ન કરતા સંગઠન એની વિરુદ્ધમાં આગામી ચૂંટણીમાં પાછલે દરવાજે કામ કરે તો નવાઈ પામવા જેવું રહેશે નહિ એવું ચર્ચાય છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution