વડોદરા, તા.૧૧

સમા-સાવલી રોડ પર આવેલ પાર્ટીપ્લોટ પર થોડાક સમય અગાઉ યોજાયેલા લગ્નપ્રસંગમાં વોર્ડ નં.રના ભાજપાના માજી કાઉન્સિલર દ્વારા ફાયરિંગ કરાયાનો વીડિયો ભાજપના જ સોશિયલ મીડિયાના ગ્રૂપમાં વાયરલ થતાં વિવાદ સર્જાયો છે. ત્યારે લગ્નપ્રસંગમાં ફાયરિંગના આ કથિત બનાવમાં પોલીસ શું કાર્યવાહી કરશે તેવી ચર્ચા શરૂ થઈ છે.

તાજેતરમાં સમા-સાવલી રોડ પર પાલખી પાર્ટી પ્લોટની માલિકીની દીકરીના લગ્નપ્રસંગમાં ભાજપાના વોર્ડ નં.રના માજી કાઉન્સિલર અરવિંદ પ્રજાપતિએ રિવોલ્વર કે પિસ્તોલમાંથી બે થી ત્રણ રાઉન્ડ હવામાં ફાયરિંગ કર્યું હતું. લગ્નપ્રસંગમાં કરાયેલ ફાયરિંગનો કથિત વીડિયો ભાજપના જ સોશિયલ મીડિયા ગ્રૂપમાં વાયરલ થતાં વિવાદ સર્જાયો છે.ભાજપના માજી કાઉન્સિલર હાલમાં એરપોર્ટ સલાહકાર સમિતિના સભ્ય હોવાનું જાણવા મળે છે. જાે કે, સામાન્ય રીતે લગ્નપ્રસંગે કે અન્ય કોઈ સ્થળે હવામાં ફાયરિંગની આવી ઘટનામાં પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે છે. ત્યારે લગ્નપ્રસંગમાં જાહેરમાં ફાયરિંગ કરતાં માજી કાઉન્સિલરનો વીડિયો વાયરલ થયો છે. ત્યારે શું પોલીસ તેમની સામે કડક કાર્યવાહી કરશે તેવી ચર્ચા ભાજપમાંજ થઈ રહી છે. વાયરલ થયેલા આ વીડિયો સંદર્ભે લોકસત્તા-જનસત્તા દ્વારા માજી કાઉન્સિલરનો ટેલિફોનિક સંપર્ક સાધવાનો પ્રયાસ કરાયો હતો, પરંતુ થઈ શક્યો ન હતો.

દારૂના ફોટા પણ વાયરલ થયા

લગ્નપ્રસંગમાં હવામાં ફાયરિંગ કરતાં ફોટાની સાથે દારૂની બોટલ સાથેના ફોટા પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. લોકસત્તા-જનસત્તાને આ ફોટા પ્રાપ્ત થયા છે. જાે આ ફોટા સાચા હોય તો પોલીસને કાર્યવાહી કરતાં કોણ રોકે છે?

શિસ્તના મામલામાં ડો. વિજય શાહ સદંતર નિષ્ફળ નીવડયા?

શહેર ભાજપા પ્રમુખ જ્યારથી ડો. વિજય શાહ બન્યા છે ત્યારથી ભાજપાના કેટલાક કાઉન્સિલરો, નેતાઓ બેફામ બન્યા છે તેવી ચર્ચા ભાજપામાં થઈ રહી છે. ત્યારે વધુ એક આવો જ કિસ્સો સામે આવ્યો છે. માજી કાઉન્સિલર દ્વારા લગ્નપ્રસંગમાં હવામાં ફાયરિંગ કરવાનો વીડિયો વાયરલ થયો છે. ત્યારે શહેર ભાજપા પ્રમુખ શું પક્ષમાંથી કાઢવાની હિંમત દાખવશે? તેવી પણ ચર્ચા ભાજપાવર્તુળોમાં થઈ રહી છે.