ભરૂચ,તા.૨

ભરૂચ સિવિલ હોસ્પિટલ ફરી એકવાર પોતાના સંચાલનના કારણે વિવાદમાં આવી છે. સિવિલ હોસ્પિટલમાં મૃતકોના મૃતદેહને રાખવા કોલ્ડ સ્ટોરેજ બાબતે વર્ષોથી વિવાદ ચાલ્યા કરે છે. નવા કોલ્ડ સ્ટોરેજમાં તકનીકી ખામી સર્જાવાના કિસ્સાઓ બનતાં આવ્યા છે. ભરૂચમાં બિનવારસી મૃતદેહોની અંતિમક્રિયાની સેવાકીય પ્રવૃત્તિ સાથે સંકળાયેલા એનજીઓ ધર્મેશ સોલંકીએ જણાવ્યું હતું કે, ગત સોમવાર બપોરના સુમારે તેઓ સિવિલ હોસ્પિટલમાં બિનવારસી મૃતદેહોને અંતિમક્રિયા માટે લઈ જવા સિવિલ હોસ્પિટલના કોલ્ડ સ્ટોરેજ પહોંચ્યા ત્યારે રેફ્રિજરેશન બંધ હતું. હાલમાં ચાલતી કાળઝાળ ગરમીમાં કોલ્ડ સ્ટોરેજમાં મૃતદેહોને જાળવવા ખુબ નીચા તાપમાન એટલે કે ઠંડકની જરૂર રહેતી હોય છે. જાેકે કોલ્ડ સ્ટોરેજમાં ખામી કહો કે સિવિલ સંચાલકોની નિષ્કાળજી, જેના વચ્ચે ૫ જેટલા મૃતદેહો બંધ પેટીમાં રેફ્રિજરેશન વગર પડી રહેતા મૃતદેહો ડીકમ્પોઝ થઇ ગયા છે. આ બાબતે જિલ્લાના લોકપ્રતિનિધિઓ અને સરકારી અધિકારીઓને તસવીરો સાથે વાકેફ કરી નારાજગી વ્યક્ત કરવામાં આવી હતી. ઉચ્ચ કક્ષા સુધી મામલો પહોંચતા હોસ્પિટલ સૂત્રો પાસે જવાબ મંગાવની શરૂઆત થઇ હતી. તાત્કાલિક હોસ્પિટલે પોતાના ટેક્નિકલ સ્ટાફ અને વીજ કંપનીના કર્મચારીઓને કોલ્ડ સ્ટોરેજ તરફ રવાના કર્યા હતા. બે ટુકડીઓએ ભેગા મળી સમારકામ માટે કામગીરી શરૂ કરી હતી જાેકે કેટલીવારમાં કોલ્ડ સ્ટોરેજ કામ કરવા લાગશે તેનો સ્પષ્ટ જવાબ મળ્યો ન હતો. ત્યારે કોલ્ડ સ્ટોરેજ બાબતે સિવિલ સંચાલકોને કોઈ પડી નથી કે પછી બિનવારસી મૃતકો હોય માનવતા જ નેવે મૂકી દીધી. આ બાબતે ઉચ્ચ સ્તરીય તપાસ કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.

ઊંદરે વાયર કા૫તાં કોલ્ડ સ્ટોરેજ બંધ થયું પણ સમારકામ શરૂ કરાયું છે ઃ ગોપિકા મેખીયા

વિવાદ સંદર્ભે હોસ્પિટલના એડમિનિસ્ટ્રેટર ગોપિકા મેખીયાનો સંપર્ક કરવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે રેટ કટના કારણે કોલ્ડ સ્ટોરેજ બંધ થયું હતું જેથી સમસ્યા સર્જાઈ હતી. તાત્કાલિક સમારકામ શરૂ કરાવી દેવાયું છે, ટૂંક સમયમાં મશીન ફરી કાર્યરત થશે.