લંડન-

બ્રિટનનાં પીએમ બોરિસ જાેહન્સન દ્વારા કોરોનાનાં નવા પ્રકારનાં વાઈરસનો બ્રિટનમાં પ્રવેશ રોકવા માટે તમામ પ્રવાસીઓ માટે યુકેનાં તમામ ટ્રાવેલ કોરિડોર બંધ કરવાની જાહેરાત કરાઈ છે. સોમવારે સવારે 4 કલાકથી તેનો અમલ થશે. આને કારણે બ્રિટન આવતા તમામ પ્રવાસીઓે 72 કલાક પહેલાનો કાોરોનાનો નેગેટિવ રિપોર્ટ રજૂ કરવાનો રહેશે અને યુકેમાં 10 દિવસ ક્વોરન્ટાઈન રહેવું પડશે. આઈસોલેશન ઘટાડવા માટે પ્રવાસી ૫ દિવસ પછી ફરી કોરોનાનો ટેસ્ટ કરાવી શકશે. બ્રાઝિલમાં કોરોનાનો નવો વાઈરસ મળી આવ્યા પછી યુકે દ્વારા સાઉથ આફ્રિકા, પોર્ટુગલ તેમજ અન્ય કેટલાક દેશોનાં પ્રવાસીઓ અને ફ્લાઈટ્‌સ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. યુકેમાં કુલ કેસની સંખ્યા વધીને 33,25,642 થઈ છે.

આખા વિશ્વમાં કોરોનાથી 20 લાખથી વધુ લોકોનાં મોત થયા છે. કુલ 20,20,254 લોકો કોરોનાનાં ખપ્પરમાં હોમાયા છે. જ્યારે કુલ સંક્રમિતોનો આંકડો 9,44,21,017 થયો છે. જાે કે સારવાર પછી 6,74,63,480 લોકો સાજા થતા તેમને ઘરે જવાની રજા અપાઈ છે. 2,49,37,283 કેસ એક્ટિવ છે. છેલ્લા ૨૪કલાકમાં 7,61,446 નવા કેસ પ્રકાશમાં આવ્યા છે જ્યારે 14,855નો ભોગ લેવાયો છે. અમેરિકામાં છેલ્લા ૨૪ કલાકમાં નવા 2,48,080 કેસ સાથે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 2,41,04,425 થઈ છે. કુલ 4,01,868 લોકો કોરોનાથી મૃત્યુ પામ્યા છે.

મેક્સિકોમાં છેલ્લા 24 કલાકમાં નવા 21,336 કેસ નોંધાતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. એક જ દિવસમાં સંક્રમિતોની આ રેકોર્ડ બ્રેક સંખ્યા છે. 1106 લોકો કોરોનાને કારણે મૃત્યુ પામ્યા છે. રશિયામાં એક જ દિવસમાં 24,000થી વધુ કેસ નોંધાયા છે. 24,715 નવા કેસ સાથે કોરોનાને કારણે 35.20 લાખ લોકોને સંક્રમણ થયાની પુષ્ટિ થઈ છે. જાે કે 29.09 લાખ લોકો સાજા થયા છે. 64,495 લોકોનાં મોત થયા છે.