વડોદરા : વડોદરામાં કોરોનાની સ્થિતિ વધુ વિકટ બની રહી છે અને સતત નવી સપાટી વટાવી રહી છે. ત્યારે તંત્ર દ્વારા જાહેર કરાતા કોરોનાના દર્દીઓની સંખ્યામાં પણ રોજ વધારો થઈ રહ્યો છે. આજે વધુ ૭૨૫ પોઝિટિવ કેસ સાથે અત્યાર સુધી કુલ પોઝિટિવ કેસોની સંખ્યા ૪૦ હજારને પાર થઈ છે. જ્યારે વિતેલા ર૪ કલાકમાં કોરોનાને કારણે ૧૧૧ દર્દીઓના મોત થયા છે. જાે કે, તંત્ર દ્વારા વધુ ૮ વ્યક્તિના મૃત્યુ સાથે અત્યાર સુધી ૩૩૩ વ્યક્તિના કોરોનાથી મોત નીપજ્યાં હોવાનું જણાવ્યું હતું.
કોરોનાની સેકન્ડ વેવમાં માર્ચ મહિનાથી કોરોનાના કેસોમાં એકાએક વધારો થઈ રહ્યો છે. તેમાંય છેલ્લા પાંચ દિવસથી પોઝિટિવ કેસોની સંખ્યા સતત પ૦૦થી વધુ નોંધાઈ રહી છે. ગુરુવારે ૫૭૨ કેસ નોંધાયા હતા, જે શુક્રવારે વધીને ૬૨૭ થયા હતા. જ્યારે આજે એટલે કે વિતેલા ર૪ કલાકમાં ૭૦૪૮ સેમ્પલો પૈકી ૭૨૫ પોઝિટિવ કેસો નોંધાયા હતા. તંત્રના જણાવ્યા મુજબ વડોદરામાં કુલ ૬૪૧૮ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે જેમાં ૫૬૯૧ સ્ટેબલ, ૪૦૭ દર્દીઓ ઓક્સિજન ઉપર અને ર૮૦ દર્દીઓ વેન્ટિલેટર ઉપર સારવાર લઈ રહ્યા છે.
કોરોનાને કારણે વિતેલા ર૪ કલાકમાં ૧૧૧ જેટલા લોકોનાં મોત થયાં છે. આમ પોઝિટિવ દર્દીઓની સંખ્યા વધવાની સાથે છેલ્લા કેટલાક દિવસથી મૃત્યુઆંક પણ વધી રહ્યો છે. આજે વધુ ૪૩૫ દર્દીઓ સંપૂર્ણ સ્વસ્થ થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. અત્યાર સુધી પોઝિટિવ આવેલા ૪૦,૦૭૨ પૈકી સર્વાધિક ૧૨,૨૪૩ દર્દીઓ ગ્રામ્ય વિસ્તારના, તો ઉત્તર ઝોનમાં અત્યાર સુધી ૭૫૬૪ પોઝિટિવ કેસ નોંધાયા છે.
હોમ ક્વોરન્ટાઈનની સંખ્યા ૧૧,૬૬૯ સુધી પહોંચી
શહેર-જિલ્લામાં જે દર્દી પોઝિટિવ આવ્યા હોય અને તેવા દર્દીના સંપર્કમાં આવેલી વ્યક્તિઓને હોમ ક્વોરન્ટાઈન કરવામાં આવે છે. જાે કે, હાલના તબક્કે માઈલ્ડ સિસ્ટમ્સ હોય તેવા દર્દીઓને પણ હોમ ક્વોરન્ટાઈન રહીને સારવાર લેવાની સલાહ આપવામાં આવી રહી છે. ત્યારે હવે હોમ ક્વોરન્ટાઈન વ્યક્તિઓની સંખ્યા વધીને ૧૧ને પાર પહોંચી ૧૧,૬૬૯ થઈ છે.
૧૯૧ હોસ્પિટલોને રેમડેસિવિરના માત્ર ૧૧૦૦ ડોઝ ફાળવાયા
નોડલ અધિકારીઓ ની દેખરેખ હેઠળ કોવિડ ના દર્દીઓની સારવારમાં ઉપયોગી રેમદેસીવિર ઇન્જેક્શન ની માન્ય ખાનગી હોસ્પિટલો ને ફાળવણી કરવામાં આવી રહી છે.આ અંગે જાણકારી આપતાં પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના પ્રાદેશિક અધિકારી અને નોડલ અધિકારી આર.બી.ત્રિવેદીએ જણાવ્યું કે આજે ૧૯૧ હોસ્પિટલો ને ૧૧૦૦ ડોઝ ફાળવવામાં આવ્યા છે.અત્યાર સુધીમાં કુલ ૩૩૩૧૬ ડોઝ ફાળવી દેવાયા છે.
વધુ ૧૦૦ જેટલા વેન્ટિલેટરો આવી પહોંચ્યા
શહેરમાં ઓક્સિજનની અછત પહેલાંથી જ ગંભીર દર્દીઓ માટે વેન્ટિલેટરની અછત સર્જાઈ હતી. સરકારી અને ખાનગી હોસ્પિટલમાં વેન્ટિલેટર બેડ ખાલી ન હતા ત્યારે આજે સયાજી હોસ્પિટલ ખાતે નોઈડાથી ૧૦૦ જેટલા વેન્ટિલેટર લઈ પહોંચી હતી. રાજ્યમાં ગંભીર પ્રકચારના દર્દીઓની સંખ્યા વધતાં રાજ્ય સરકારે આગોતરું આયોજન કર્યું છે જેને પગલે નોઈડાથી ગુજરાતમાં નવા પ૦૦ વેન્ટિલેટર આજે આવી પહોંચ્યા છે તે પૈકી ૧૦૦ વેન્ટિલેટર સયાજી હોસ્પિટલમાં ઉતારવામાં આવ્યા હતા, જ્યારે ૧૦૦ વેન્ટિલેટર ભાવનગર મોકલાશે અને ૩૦૦ નવા વેન્ટિલેટરને રાજ્યના અન્ય શહેરોમાં ફાળવવામાં આવશે. અમદાવાદ, જામનગર, ભાવનગર, રાજકોટ, વડોદરાને નવા વેન્ટિલેટરની ફાળવણી કરવામાં આવશે.
સમરસ હોસ્ટેલમાં કોરોના બેડ કરાતાં રહીશોનો ભારે વિરોધ
કોરોના મહામારીએ શહેર અને આસપાસના વિસ્તારોને ભરડામાં લેતાં દર્દીઓની સંખ્યામાં ભારે ઉછાળો આવ્યો છે. વહીવટીતંત્રે દર્દીઓની સુવિધા માટે પોલિટેકનિ ખાતેની સમરસ ગર્લ્સ હોસ્ટેલમાં બેડનું આયોજન કર્યું હતું જેનો આસપાસના લોકોએ ભારે વિરોધ દર્શાવ્યો છે. સમરસ ગર્લ્સ હોસ્ટેલમાં કોવિડ આઈસોલેશન વોર્ડ તૈયાર કરાયો છે. આ સ્થળે દાખલ દર્દીઓને મળવા માટે આવનાર સગાસંબંધીઓની ભારે ભીડ રહે છે. દર્દીને મળવા આવતા સમયે પહેરેલા માસ્ક અને ગ્લવ્ઝ એમના દ્વારા જેમ તેમ ફેંકી દેવામાં આવે છે જેને લઈને નજીકમાં રહેતા યુનિ. વિજિલન્સના કર્મચારીઓના પરિવારજનોએ ભારે વિરોધ નોંધાવ્યો છે.
Loading ...