દેશના જાણીતા મંદિરના 14 પુજારીનો એક સાથે કોરોના પોઝિટિવ આવ્યા
16, જુલાઈ 2020

તિરુપતિ-

દેશના સૌથી ધનિક મંદિરો પૈકીના એકમાં તિરુપતિની ગણના થાય છે. કોરોના મહામારીના કારણે 80 દિવસ સુધી બંધ રહ્યા બાદ આંધ્રપ્રદેશનું તિરુપતિ મંદિર 11 જૂને ફરી ખૂલ્યું હતું. જે બાદ આજે તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમાં 14 પુજારીના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા.

એકસાથે 14 પુજારીના રિપોર્ટ પોઝિટિવ આવતાં મંદિરના મેનેજમેન્ટમાં હાહાકાર મચી ગયો હતો. જેને લઈ તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમના કાર્યકારી અધિકારી અનિલ કુમાર સિંગલે મંદિરના પુજારીઓ અને સ્વાસ્થ્ય અધિકારીઓ સાથે બેઠક કરી હતી.

તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમે નોટબંધીના 4 વર્ષ બાદ 500 અને 1000 રૂપિયાની જૂની નોટ બદલવા માટે કેન્દ્રેને આગ્રહ કર્યો હતો. ટીટીડીના ચેરમેન વાઈવી સુબ્બા રેડ્ડીએ સોમવારે નાણા મંત્રી નિર્મલા સીતારમણ સાથે મુલાકાત કરી 51 કરોડ રૂપિયાની જૂની નોટ બદલી આપવા આગ્રહ કર્યો હતો. તેમણે કહ્યું તે, કોરોના સંકટના કારણે મંદિરની આર્થિક સ્થિતિ સારી નથી. તેથી ટીટીડી જૂની 500 અને 1000ની નોટ બદલવા ઈચ્છે છે.

કોરોના પહેલા આશરે 80 હજાર લોકો રોજ આ મંદિરમાં આવતા હતા પરંતુ કોરોના બાદ મંદિર ખૂલ્યા પછી 10 થી 12 હજાર શ્રદ્ધાળુઓ જ આવે છે. જેના કારણે મંદિરને થતી દાનની આવકમાં પણ મોટો ઘટાડો થયો છે. એક રિપોર્ટ પ્રમાણે કોરોના પહેલા અહીંયા રોજના 30 હજાર જેટલા મુંડન થતા હતા પરંતુ હાલ આ સંખ્યા ઘટીને માત્ર ત્રણ હજાર જેટલી થઈ ગઈ છે. 


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution