વોશિંગ્ટન-

કોરોનાની રસી સૌપ્રથમ વિકસાવવાનું બહુમાન ધરાવતાં રશિયામાં ૩૦ ટકા કરતાં ઓછા લોકોએ કોરોનાની રસીના બંને ડોઝ મેળવ્યા છે. ૧૪૫ મિલિયનની વસ્તી ધરાવતાં દેશમાં ૭.૨ મિલિયન લોકોને કોરોનાનો ચેપ લાગેલો છે અને કોરોનાના કારણે ૧,૯૫,૮૩૫ જણાના મોત થયા છે.દુનિયામાં કોરોનાના નવા ૨,૪૬,૨૯૩ કેસો નોંધાવાને પગલે કોરોનાના કુલ કેસોની સંખ્યા વધીને ૨૨૭,૪૭૧,૬૭૭ થઇ હતી જ્યારે ૪,૫૭૮ જણાના મોત થવાને પગલે કોરોનાનો કુલ મરણાંક ૪૬,૭૭,૦૮૦ થયો હતો.

યુએસમાં ફરી કોરોનાના દૈનિક કેસોમાં વધારો નોંધાયો છે. ગઇકાલે યુએસએમાં કોરોનાના નવા ૧,૬૪,૫૦૯ કેસો નોંધાયા હતા અને ૨૨૮૨ જણાના મોત થયા હતા. આજે પણ સાડા સત્તર હજાર નવા કેસો અને ૨૧૯ જણાના મરણ નોંધાઇ ચૂક્યા છે. યુએસએમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા ૪૨,૪૯૭,૩૪૮ થઇ છે જ્યારે મરણાંક ૬,૮૫,૨૪૨ થયો છે. દરમ્યાન કોરોનાના નવા કેસો સતત વધી રહ્યા હોવાને પગલે બાઇડન વહીવટીતંત્ર ઇન્ટરનેશનલ મુલાકાતીઓ માટે કોન્ટેકટ ટ્રેસિંગ લાગુ પડે તેવી શક્યતા હોવાનું વ્હાઇટ હાઉસના સૂત્રોએ જણાવ્યું હતું. વ્હાઇટ હાઉસના કોરોના વાઇરસ રિસ્પોન્સ કોઓર્ડિનેટર જેફ્રી ઝિઇન્ટે જણાવ્યું હતું કે કોરોનાના કેસોમાં સતત વધારો થઇ રહ્યો હોવાને કારણે ઇન્ટરનેશનલ પ્રવાસના નિયમન માટે વહીવટીતંત્ર નવી સિસ્ટમ લાગુ ન પાડે ત્યાં સુધી વર્તમાન વ્યવસ્થા ચાલુ રહેશે. નવી સિસ્ટમમાં સેન્ટર્સ ફોર ડિસિઝ કન્ટ્રોલ એન્ડ પ્રિવેન્શન-સીડીસી-ની મહત્વની ભૂમિંકા હશે. અમે કોન્ટેક્ટ ટ્રેસિંગ અમલમાં મુકીશું જેથી સીડીસી યુએસમાં આવતા તમામ ઇન્ટરનેશનલ પ્રવાસીનો સંપર્ક કરી શકશે. અમે યુએસમાં પ્રવાસ કરનારા વિદેશી નાગરિકો માટે કોરોનાની રસી લેવાની જરૂરિયાતના ધારાધોરણ પણ નક્કી કરી રહ્યા છીએ. હાલ યુએસમાં ચીન, ભારત, યુકે, યુરોપ, બ્રાઝિલ અને અન્ય દેશોમાં ૧૪ દિવસમાં પ્રવાસ કર્યો હોય તેવા મોટાભાગના બિનઅમેરિકન પ્રવાસીઓને પ્રવેશ આપવામાં આવતો નથી. એરલાઇન્સ અને અન્ય ટ્રાવેલ કંપનીઓ આ નિયંત્રણો હળવા કરવા માટે સરકાર પર દબાણ વધારી રહી છે. દરમ્યાન,જર્નલ નેચર મેડિસિનમાં પ્રકાશિત થયેલા એક અભ્યાસમાં દુનિયાભરના ૧૦,૦૦૦ કોરોના દર્દીઓના ડેટાને આધારે એક એઆઇ ટૂલ દ્વારા કોરોનાના દર્દીઓને હોસ્પિટલમાં સારવાર દરમ્યાન કેટલા ઓક્સિજનની જરૂર પડશે તેવી આગાહી કરવાનું શક્ય બન્યું છે. આ એઆઇ ટૂલની ચોકસાઇ માપવા માટે પાંચ ખંડમાં આવેલી સંખ્યાબંધ હોસ્પિટલોના દર્દીઓના ડેટા મેળવવામાં આવ્યા હતા અને તેના પર આ ટૂલનો પ્રયોગ કરવામાં આવ્યો હતો. ઇમરજન્સી વિભાગમાં દાખલ થયાના ૨૪ કલાકમાં દર્દીને ઓક્સિજનની જરૂર પડશે તેવી આગાહીની સ્પેસિફિસીટી ૮૮ ટકા કરતાં વધારે જણાઇ હતી. આ અભ્યાસમાં દર્દીઓના છાતીના એક્સ રેઝ અને ઇલેકટ્રોનિક હેલ્થ ડેટાનું વિશ્લેષણ કરવા માટે ફેડરેટેડ લર્નિંગ નામની ટેકનિકનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.વિવિધ ખંડોમાંથી મેળવાયેલા હેતુલક્ષી મલ્ટી મોડલ ડેટાનો ઉપયોગ કરીને સંશોધકોએ જનરલ મોડલ વિકસાવ્યું હતું જેનો સર્વત્ર ઉપયોગ થઇ શકે છે. બે દિવસ પૂર્વે સેલ્ફ આઇસોલેશનમાં જતા રહેલા રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિને કલેકટિ્‌વ ટ્રિટી સિક્યુરિટી ઓર્ગેનાઇઝેશનની શિખર પરિષદમાં વિડિયો લિન્ક મારફતે ભાગ લઇને જણાવ્યું હતું કે મારી આજુબાજુમાં સંખ્યાબંધ લોકોને કોરોનાનો ચેપ લાગ્યો હોવાથી મને લાગે છે કે મારે હવે વધારે દિવસ સેલ્ફ આઇસોલેશનમાં રહેવું પડશે. ક્રેમલિનના પ્રવકતા દમિત્રી પેસકોવે જણાવ્યું હતું કે જેમને ચેપ લાગ્યો છે તેમાં મુખ્યત્વે રાજ્યના વડાઓ અને પ્રમુખની સુરક્ષાનો ભાર સંભાળનારાઓનો સમાવેશ થાય છે. પણ તેમાં કોઇ કેસ ગંભીર જણાયો નથી.