01, મે 2021
990 |
વડોદરા, તા.૩૦
શહેરમાં આવેલી વિવિધ સરકારી કચેરીઓમાં ફરજ બજાવતા અધિકારીઓ, કર્મચારીઓ, રાજકીય અગ્રણીઓ કોરોના સંક્રમિત થઈ રહ્યા છે. રેસકોર્સ સ્થિત આવકવેરા વિભાગની કચેરીના ૧૧૦ જેટલા કર્મચારીઓ અત્યાર સુધી કોરોના સંક્રમિત થઈ ચૂકયા છે, જે પૈકી ૮૧ કર્મચારીઓ સ્વસ્થ થઈ ચૂકયા છે. આજે આઈટીની કચેરી ખાતે ત્રીજા તબક્કામાં કર્મચારીઓને કોરોના રસીનો ડોઝ આપવામાં આવ્યો હતો જેમાં ૧૯૫ કર્મચારીઓએ રસી લીધી હતી.
આ અગાઉ આવકવેરા વિભાગની કચેરી ખાતે કોરોનાની રસી માટે પ્રથમ કેમ્પ તા.૮મી એપ્રિલે યોજાયો હતો જેમાં ૯૭ કર્મચારીઓ, ત્યાર બાદ બીજા તબક્કામાં તા.૧૦મી એપ્રિલે યોજાયેલા કેમ્પમાં ૧૯૬ કર્મચારીઓએ અને આજે યોજાયેલા કેમ્પમાં ૧૯૫ કર્મચારીઓ મળી અત્યાર સુધી ત્રણ કેમ્પમાં પણ ૫૦૦ કર્મચારીઓને રસીના ડોઝ આપવામાં આવ્યા હતા.