૧ એપ્રિલ, ૨૦૨૬થી ક્રેડિટ સ્કોર દર ૭ દિવસે અપડેટ થશે
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
27, નવેમ્બર 2025  |   12177


નવી દિલ્હી, ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઈ) એ દેશના ધિરાણ માળખામાં પારદર્શિતા અને કાર્યક્ષમતા વધારવા માટે ૨૬ નવેમ્બરે ક્રેડિટ ઇન્ફોર્મેશન કંપનીઓ માટે ડ્રાફ્ટ ગાઇડલાઇન્સ જાહેર કરી છે. જેમાં એક મોટો સુધારો સૂચવવામાં આવ્યો છે. આ ક્રાંતિકારી પગલાં ૧ એપ્રિલ, ૨૦૨૬થી લાગુ કરવામાં આવશે, જે ગ્રાહકોના અધિકારો અને ડેટાની સચોટતાને મજબૂત કરશે. નવા નિયમોનો સૌથી મોટો ફાયદો એ થશે કે, ગ્રાહકોના ક્રેડિટ સ્કોર હવે ૧૫ દિવસને બદલે દર ૭ દિવસે અપડેટ થશે.

જાહેર કરવામાં આવેલા ડ્રાફ્ટ અનુસાર નવી વ્યવસ્થા હેઠળ, તમામ ક્રેડિટ ઇન્ફોર્મેશન કંપનીઓ જેવીકે, સિબિલ, એક્સપિરિયન, ઇક્વિફેક્સ, હાઇ માર્ક વગેરેનો સમાવેશ થાય છે. જેમના માટે દર ૭ દિવસે ક્રેડિટ સ્કોર અપડેટ કરવો ફરજિયાત બનશે. બેંકો અને નાણાકીય સંસ્થાઓ દર મહિનાની ૩ તારીખ સુધીમાં પાછલા મહિનાનો સંપૂર્ણ ડેટા મોકલશે. જેના આધારે કંપનીઓ દ્વારા ક્રેડીટ સ્કોરની ગણતરી કરવામાં આવશે. ઉપરાંત, ક્રેડિટ ઇન્ફોર્મેશન કંપનીઓએ દર મહિને ૭, ૧૪, ૨૧ અને ૨૮ તારીખે તથા મહિનાના છેલ્લા દિવસે સુધીનો ડેટા અપડેટેડ રાખવો પડશે. ડ્રાફ્ટમાં વધુમાં જણાવાયું છેકે, ઉપરોક્ત ચાર તારીખો પર લોન આપનાર સંસ્થાઓ દ્વારા નવા ફેરફાર એટલે કે ઇન્ક્રીમેન્ટલ ડેટા કંપનીઓને મોકલવાનો રહેશે. જેથી ગ્રાહકના ક્રેડીટ સ્ક્રોરમાં તેની અસર આપી શકાય. જેમાં નવું એકાઉન્ટ ખોલવું, લોન ક્લોઝર, ક્રેડિટ સ્કોરને અસર કરતા મહત્ત્વપૂર્ણ ફેરફાર અથવા લોન સ્ટેટસમાં ફેરફાર જેવો ડેટા આપવાનો રહેશે. નવા ડ્રાફ્ટમાં સૂચવવામાં આવેલા ફેરફાર જાે લાગુ થાય તો હવે કોઈ લોન કે ક્રેડિટ કાર્ડ બંધ થાય તો તેની જાણ બેંકે તે જ દિવસે ક્રેડિટ ઇન્ફોર્મેશન કંપનીઓને કરવી પડશે. પહેલા આ પ્રક્રિયામાં મહિનાઓ લાગતા હતા, જેના કારણે ગ્રાહકોને સમયસર ક્લિયરન્સ ન મળવાથી નવી લોન લેવામાં મુશ્કેલી પડતી હતી. આ ડ્રાફ્ટ ગાઇડલાઇન્સ ગ્રાહકોના ડેટાની સુરક્ષા અને અધિકારો પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. હવે, બેંક અથવા નોન બેન્કિંગ ફાઈનાન્શિયલ કંપની ગ્રાહકની સ્પષ્ટ લેખિત અથવા ડિજિટલ પરવાનગી વિના ક્રેડિટ રિપોર્ટ એક્સેસ કરી શકશે નહીં. આનાથી બિનજરૂરી હાર્ડ ઇન્કવાયરી થતી અટકશે, જે ક્રેડિટ સ્કોરને બિનજરૂરી રીતે ઘટાડી શકે છે. આનાથી ગ્રાહકની ક્રેડિટ પ્રોફાઇલ સુરક્ષિત રહેશે. આ સુધારાઓ દ્વારા રીઝર્વ બેંક ગ્રાહક સુરક્ષાને કેન્દ્રમાં રાખીને ભારતીય ધિરાણ બજારને વૈશ્વિક ધોરણો પર લાવવા માંગે છે. ઝડપી અપડેટ્સ અને સખત દંડની જાેગવાઈ સુનિશ્ચિત કરશે કે ક્રેડિટ રિપોર્ટિંગ સિસ્ટમ વધુ સચોટ અને ગ્રાહક-મૈત્રીપૂર્ણ બને.

નિયમોના ઉલ્લંઘન બદલ ભારે નાણાકીય દંડની જાેગવાઈ

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ ખોટા રિપોર્ટિંગ, ડેટા સુધારામાં વિલંબ અથવા ગ્રાહકની પરવાનગી વિના ક્રેડિટ તપાસ કરવા બદલ બેંકો અને ક્રેડિટ ઇન્ફોર્મેશન કંપનીઓ પર ભારે નાણાકીય દંડ નક્કી કર્યો છે. આ દંડની જાેગવાઈ બેંકોને ક્રેડિટ ડેટાને વધુ સચોટ અને અપડેટેડ રાખવા માટે ફરજ પાડશે, જેનાથી ગ્રાહકોને ઝડપથી સ્કોર સુધાર મળી શકશે.

ક્રેડિટ સ્કોર કઈ બાબતો પર આધાર રાખે છે?

કોઈપણ વ્યક્તિનો ક્રેડિટ સ્કોર તેની લોન પાત્રતાને અસર કરે છે અને તે મુખ્યત્વે ચાર પરિબળો પર આધાર રાખે છે. જેમાં ચુકવણી ઇતિહાસ ૩૦ ટકા, ક્રેડિટ ઉપયોગનો ગુણોત્તર ૨૫ ટકા, ક્રેડિટ એક્સપોઝર ૨૫ ટકા અને ક્રેડિટ હિસ્ટરી ૨૦ ટકાનો સમાવેશ થાય છે.

વર્ષમાં એક વખત ક્રેડિટ સ્કોર મફત ચકાસી શકાય છે

સામાન્ય રીતે ૭૦૦થી ૯૦૦ વચ્ચેનો સ્કોર ખૂબ સારો ગણાય છે, જ્યારે ૫૫૦થી ૭૦૦નો સ્કોર સારો માનવામાં આવે છે. ગ્રાહકો સિબિલની સત્તાવાર વેબસાઇટ પરથી વર્ષમાં એકવાર પોતાનો ક્રેડિટ સ્કોર મફતમાં ચેક કરી શકે છે.

બેંકની બેદરકારીનો રિપોર્ટ ક્રેડિટ કંપનીએ દક્ષ પોર્ટલ પર કરવાનો રહેશે

બેંકોને પણ હવે તાજી ક્રેડિટ રિપોર્ટ મળશે, જેનાથી તેઓ જાેખમનું વધુ સારી રીતે મૂલ્યાંકન કરી શકશે. પરિણામે, ગ્રાહકની લોનની કિંમત, વ્યાજ દર, રકમ અને મુદત વધુ યોગ્ય અને વ્યક્તિગત રીતે નક્કી કરી શકાશે. જાે કોઈ બેંક નિયત સમયમર્યાદામાં ડેટા ન મોકલે તો, ક્રેડિટ ઇન્ફોર્મેશન કંપનીઓએ તે બેંકની બેદરકારી અંગે રીઝર્વ બેંકના દક્ષ પોર્ટલ પર રિપોર્ટ કરવો પડશે, જે સીધું નિયમનકારી દેખરેખ હેઠળ આવશે.

ક્રેડિટ સ્કોરની વ્યાખ્યા અને તેનું મહત્ત્વ

ક્રેડિટ સ્કોર ૩૦૦થી ૯૦૦ ની વચ્ચેની એક સંખ્યા છે, જે કોઈ વ્યક્તિની ધિરાણપાત્રતા દર્શાવે છે. આ રિપોર્ટમાં લોન એકાઉન્ટ્સ ઉપરાંત ક્રેડિટ કાર્ડ, નાદારી અને ખાસ કરીને સમયસર ચુકવણીનો ઇતિહાસ શામેલ હોય છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution