લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
04, ફેબ્રુઆરી 2026 |
2277
અમદાવાદ અમદાવાદ શહેરમાં બાળ તસ્કરીના કૌભાંડનો પર્દાફાશ કરતા ક્રાઈમબ્રાંચને સફળતા મળી છે.શહેરના કાલુપુર પોલીસ સ્ટેશનમાં નોધાયેલા ગુનાની ઊંડી તપાસ દરમિયાન ક્રાઈમબ્રાંચે આ સમગ્ર કૌભાંડના મુખ્ય આરોપી યુનુસખાન ઉર્ફે યુનીસખાનની બનાસકાંઠા જિલ્લામાંથી ધરપકડ કરી છે.અગાઉ આ જ કેસમાં ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી જેમની પૂછપરછમાં યુનુસનું નામ ખુલ્યું હતું.બાતમી અને ટેકનીકલી સર્વેલન્સના આધારે ક્રાઈમ બ્રાંચે દબોચી લીધો છે.જેના કારણે બાળ તસ્કરીના આંતરરાજ્ય કનેક્શન હોવાની આશંકાઓ પણ પ્રબળ બની છે. આરોપીને રિમાન્ડ માટે મેટ્રોપોલિટન કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. જ્યાં કોર્ટે આરોપીને સાતમી ફેબ્રુઆરી સુધીના રિમાન્ડ પર સોંપવા આદેશ કર્યો છે. ક્રાઇમબ્રાન્ચે બનાસકાંઠાના પાલનપુરથી મુખ્ય આરોપી યુનિસખાન ઉર્ફે યુનુસને ઝડપી પાડ્યો છે. જે બાદ તેને ક્રાઈમ બ્રાન્ચ દ્વારા અમદાવાદ લાવવામાં આવ્યો હતો. પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે આરોપી યુનુસ આ બાળકને ગોવિંદભાઈ નામના વ્યક્તિ પાસેથી હિંમતનગર પાસે અંદાજે ૩,૬૦,૦૦૦માં ખરીદીને લાવ્યો હતો. અગાઉ કાલુપુર વિસ્તારમાં બનેલી ઘટના બાદ પોલીસ સક્રિય બની હતી અને તપાસના તાર છેક બનાસકાંઠા સુધી લંબાયા હતા. હાલમાં પોલીસ આ મામલે ઊંડી તપાસ કરી રહી છે કે આ રેકેટમાં અન્ય કેટલા લોકો સામેલ છે અને ગોવિંદભાઈ નામના શખ્સે આ બાળક ક્યાંથી મેળવ્યું હતું.પોલીસે કેસની વિગતો અંગે માહિતી આપતા કહ્યું છે કે, ‘યુનુસ નવજાત શિશુ બનાસકાંઠાના દાંતા વિસ્તારમાંથી લાવ્યો હતો, હાલ ક્રાઈમ બ્રાન્ચે બાળક કઈ મહિલા પાસેથી અને કયા સંજાેગોમાં મેળવ્યું હતું તે અંગે પૂછપરછ કરી રહી છે. આરોપીએ નવજાત શિશુને હૈદરાબાદમાં વેચાણ માટે વચેટિયાઓને સોંપ્યું હતું, જે આંતરરાજ્ય તસ્કરી નેટવર્કની સંડોવણી તરફ ઈશારો કરે છે. આ કેસમાં અગાઉ, ક્રાઇમ બ્રાન્ચે વંદના જીગરભાઈ પંચાલ, રોશન ઉર્ફે સજ્જન મહાવીરપ્રસાદ અગ્રવાલ અને સુમિત યાદવ સહિત ટ્રાફિકિંગ નેટવર્કના અન્ય કથિત સભ્યોની ધરપકડ કરી હતી. પોલીસ માને છે કે આ ધરપકડોથી ગેંગની મોડસ ઓપરેન્ડીનો પર્દાફાશ કરવામાં મદદ મળી છે, જે કથિત રીતે બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લાના આંતરિક ભાગોમાંથી નવજાત શિશુઓ મેળવતા હતા અને ગેરકાયદેસર દત્તક લેવા અથવા વેચાણ માટે અન્ય રાજ્યોમાં તસ્કરી કરતાં હતા.