એકલદોકલ કપલોને ડરાવી ધમકાવી પૈસા પડાવતી ગેંગના ત્રણ શખ્સોને ક્રાઈમ બ્રાંચની ટીમે ઝડપ્યા
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
09, જુલાઈ 2021  |   4257

અમદાવાદ-

એકલદોકલ કપલોને ડરાવી ધમકાવી પૈસા પડાવી દાગીના અને મોબાઈલ ફોનની લુંટ કરતી ગેંગના 3 આરોપીઓને ક્રાઈમ બ્રાંચની ટીમે વાડજથી ઝડપી પાડ્યા છે. ત્રણેય આરોપીઓ પાસેથી ચોરીના દાગીના, બુલેટ બાઈક, ઓટોરીક્ષા સહીત કુલ રૂ.3.78 લાખનો મુદ્દામાલ મળી આવતા ક્રાઈમ બ્રાંચની ટીમે જપ્ત કર્યો છે.

રથયાત્રાનાને ધ્યાનમાં રાખીને શહેર ક્રાઈમ બ્રાંચની ટીમ શહેરમાં સઘન પેટ્રોલીંગ કરી રહી હતી ત્યારે બાતમી મળી હતી કે, અગાઉ ચોરીના ગુન્હામાં પકડાયેલ સાગર હળવદીયાનાઓ તેના બે મિત્રો સાથે ચોરી કરેલ એક બુલેટ તથા રીક્ષા સાથે કોઈ જગ્યાએથી લુંટ કરેલ સોનાનો મુદ્દામાલ સગેવગે કરવા સારૂ નવા વાડજ અર્જુન આશ્રમ પાસે ભેગા થયેલ છે. જેના આધારે ક્રાઈમ બ્રાંચની ટીમે તે જગ્યાએ વોચ ગોઠવીને સાગર હળવદિયા, અનિલ ચેખલીયા, બ્રીજરાજ ઉર્ફે સન્ની ચુનારાને ઝડપી પાડ્યા હતા. ત્રણેય આરોપીઓની અંગ ઝડતી કરતા તેમની પાસેથી ચોરીના સોનાના જુદા જુદા દાગીના કુલ રૂ. 2.13 લાખ તથા બે ફોન એક બુલેટ બાઈક અને ઓટો રીક્ષા સહીત કુલ રૂ.3.78 નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. આ ત્રણેય આરોપીઓની પુછપરછ કરતાં આશરે પાંચ દિવસ પહેલાં ત્રણેય જણા તથા અન્ય એક મિત્ર બાબુ કોરી ભેગા મળી ચોરી કરેલ બુલેટ તથા ઓટો રીક્ષામા બેસી એકલતામાં બેસેલા કપલોને લુંટ કરવાના ઈરાદે ફરતા ફરતા જમીયત પુરા રેલ્વે બ્રીજથી આગળ કેનાલના સર્વિસ રોડ પર ગાડીમાં બેસેલ કપલને ડરાવી ધમકાવી રોકડા પચ્ચીસ હજાર તથા સોનાના દાગીના તથા મોબાઈલ ફોનની લુંટ કરી હતી.


© 2025. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution