લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
11, જુલાઈ 2026 |
2079
રથયાત્રા દરમિયાન શહેરમાં શાંતિ અને સલામતી જળવાઇ રહે એ માટે ક્રાઇમ બ્રાન્ચે ઓપરેશન રેમ્બો હાથ ધર્યું હતું. જેમાં ઘાતક હથિયારો સાથે ગુનાઇત ઇરાદે ફરતાં ૭૦થી વધુ બદમાશોને ઝડપી લેવાયા હતાં. ઇન્ચાર્જ પોલીસ કમિશનર વાબાંગ જામીરે આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, આગામી ગુરુવારે રથયાત્રાનો મોટો ધાર્મિક તહેવાર છે. અષાઢી બીજનાં પાવન દિવસે શહેરના જુદા જુદા વિસ્તારમાંથી છ જેટલી મોટી રથયાત્રા નીકળનારી છે. આ રથયાત્રાના તહેવાર દરમિયાન શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઇ રહે એ માટે પોલીસ દ્વારા વિશેષ તૈયારીઓ, આયોજનો કરાયા છે. જેમાં જાહેરાત સલામતી મુદ્દે આગોતરી કાર્યવાહી શરૂ કરાઇ છે. ઘાતક હથિયારોથી સરાજાહેર કરાતાં હુમલાઓને કારણે ભય ફેલાતો હોય આવું કૃત્ય કરનારાઓને શોધી તેમની સામે કડક કાર્યવાહી કરાઇ રહી છે. જે અંતર્ગત પોલીસ દ્વારા ગત ૧૯મી જુને અસામાજિક તત્વો તથા રીઢા ગુનેગારોને પકડી ગેરકાયદેસર હથિયારો લઇ ફરવા અંગે ચેતવણી આપવામાં સાથે અટકાયતી પગલા ભરવામાં આવ્યા હતા. ત્યારબાદ આગામી રથયાત્રા અનુલક્ષીને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા “ઓપરેશન રેમ્બો” હાથ ધરાયું હતું. ક્રાઈમ બ્રાન્ચ દ્વારા વિવિધ ટીમો બનાવી શરીર સંબંધી ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા ગુનેગારો અને લોકલ ગેંગ બાબતે ઝીણવટભરી રીતે માહિતી એકત્રિત કરાઇ હતી. ત્યારબાદ સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરાયું હતું, જેમાં અલગ અલગ પ્રકારના રેમ્બો નાઇફ, બટન નાઈફ, પોકેટ નાઈફ, ડ્રેગન નાઈફ, ટેક્ટિકલ નાઈફ વિગેરે સાથે ૭૦થી વધુ બદમાશોને ઝડપી લેવાયા હતાં. તેમની પાસેથી ૧૦૦ થી વધુ અણીદાર ચપ્પુ કહો કે ઘાતક હથિયારો જપ્ત કરવામાં આવ્યા હતાં. રથયાત્રા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય એ માટે આગામી દિવસોમાં કોમ્બિંગ અને વાહનચેકિંગ ડ્રાઇવ કરાશે એવું પણ કમિશનરે જણાવ્યું હતું.