લોકસત્તા વિશેષ, તા.૧૭

ભાજપના વોર્ડ નંબર ૩ના કોર્પોરેટર પરાક્રમસિંહ જાડેજાના ઘરે ગેસ વિભાગની રેડ પાડી ગેરકાયદે કનેકશન પકડાયા હોવાના ઉભા કરવામાં આવેલા ચિત્ર પાછલ રાજકીય વિરોધીનો દોરીસંચાર હોવાની વાતે સ્થાયી સમિતિની બેઠકમાં હોબાળો મચ્યો હતો. જેમાં ગેસ વિભાગના કોર્પોરેશન તરફના ડાયરેકટર શૈલેષ નાયકને બોલાવી તેઓની ઉલટ તપાસ કરતી પુછપરછ કરવામાં આવતા ખળભળાટ મચી ગયો છે. જ્યાં શૈલેષ નાયકની પુછપરછ કરી કોના ઈશારે રેડ પાડવામાં આવી અને ભવિષ્યમાં કોઈ પણ કોર્પોરેટરને ત્યાં રેડ પાડતા પહેલા મેયરની પરવાનગી લેવાની વાત મુકવામાં આવી હતી.

કોર્પોરેશનમાં ૬ મહિના માટે નવા મેયરની નિયુક્તિની જાહેરાત પૂર્વે જ મેયર પદના પ્રબળ દાવેદાર પરાક્રમસિંહ જાડેજાના ઘરે ગેસ વિભાગની ટીમનો દરોડો પડે છે અને ગેરકાયદે કનેકશન હોવાની વાતો વહેતી કરવામાં આવે છે. આ મામલે ભારે વિવાદ થયા બાદ મેયરની સ્પર્ધામાંથી પરાક્રમસિંહ જાડેજાનું નામ કમી થયું હતું. પરંતું આ વાતના પડધા આજે મળેલી સ્થાયી સમિતિની બેઠકમાં પડ્યા હતા.

કોર્પોરેશનમાં આજે મળેલી સ્થાયી સમિતિની બેઠકમાં કોર્પોરેટર પરાક્રમસિંહ જાડેજાએ તેઓના ઘરે ગેસ વિભાગની તપાસ પાછળ કોઈ રાજકીય દોરીસંચાર કે કોઈ વિરોધીઓનું ષડયંત્ર હોવાની વાત મુકવામાં આવી હતી. જેના પગલે ગેસ વિભાગના વડા શૈલેષ નાયકને સ્થાયી સમિતિમાં બોલાવી તેઓની ઉલટ તપાસ કરવામાં આવી હતી.

જેમાં કોના ઈશારે આ રેડ પાડવામાં આવી હતી તેને લઈ શૈલેષ નાયકની સતત પુછપરછ કરવામાં આવતા કોર્પોરેશનમાં ચકચાર મચી ગઈ હતી

આ સમયે સ્થાયી સમિતિના તમામ સભ્યોએ એક સૂરમાં જણાવ્યું હતુંકે ભવિષ્યમાં કોઈ પણ કોર્પોરેટરને ત્યાં કોઈ પણ પ્રકારની તપાસ કોર્પોરેશન તરફથી કરવામાં આવે તો તે માટે મેયરની પૂર્વ મંજુરી લેવામાં આવે. જાેકે સ્થાયી સમિતિની બેઠકમાં રજુ કરવામાં આવેલા આ વિચારને કોઈ મંજુરી આપવામાં આવી નહતી.

પરાક્રમસિંહની બાતમી આપનારને વિજિલન્સનો કોન્ટ્રાકટ?

કોર્પોરેશનમાં મળેલી સ્થાયી સમિતિની બેઠકમાં પરાક્રમસિંહના ઘરે પડેલી ગેસ વિભાગની રેડના મામલે એક કોન્ટ્રાકટરને આપવામાં આવેલી કામગીરીને લઈને પણ વિવાદ થયો હતો. જેમાં પરાક્રમસિંહના ઘરે ૨ ગેસ કનેકશન છે તેવી બાતમી આપનાર વ્યક્તિને વડોદરા ગેસ લિમીટેડ કંપનીનો વિજીલન્સનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હોવાનો ઘટસ્ફોટ ખુદ પરાક્રમસિંહ જાડેજાએ કર્યો હતો. તેઓએ આશંકા વ્યક્ત કરી હતીકે તેમને બદનામ કરનાર વ્યક્તિને ઈનામ સ્વરૃપે આ કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે.

આજે મેયર, ચેરમેન અને કમિશનર ર્નિણય કરશે

કોર્પોરેશનમાં મળેલી સ્થાયી સમિતની બેઠકમાં કોર્પોરેટર પરાક્રમસિંહ જાડેજાએ ખોટી રીતે દરોડો પાડી બદનામ કરવા પાછળ ષડયંત્રની શંકા વ્યક્ત કરવા સાથે આ મામલે બાતમી આપનાર વ્યક્તિને મહિને ૨ લાખ રૃપિયાનો વિજીલન્સનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યાના પુરાવા રજુ કર્યા હતા. આવા કોન્ટ્રાકટરનો કોન્ટ્રાક્ટ રદ કરવા સાથે તેને બ્લેક લિસ્ટ કરવાની પરાક્રમસિંહ જાડેજાએ માંગણી કરતા ચેરમેન ડો. હિતેન્દ્ર પટેલે ખાતરી આપી હતી. આવતીકાલે આ અંગે આખરી ર્નિણય કરવા માટે મેયરના અધ્યક્ષ સ્થાને ચેરમેન અને કમિશનર બેઠક કરી આખરી ર્નિણય કરશે તેમ સૂત્રોએ જણાવ્યું હતું.

બોલો, નાયક દરોડાના દિવસે કયા નેતાના ઘરે ગયા હતા?

સ્થાયી સમિતિની બેઠકમાં કોર્પોરેટરના ઘરે પાડવામાં આવેલા ગેસ વિભાગના દરોડાના મામલે નારાજ કોર્પોરેટર પરાક્રમસિંહ જાડેજાએ શૈલેષ નાયકનો ઉધડો લીધો હતો. તેઓએ જણાવ્યું હતુંકે બોલો નાયક દરોડાના દિવસે અંબાજી ગયા હતા પરંતું તે પહેલા સવારે ક્યા નેતાના ઘરે ગયા હતા? શહેરના એક દિગ્ગજ નેતના ઘરે જઈને શેલેષ નાયકે જ આ ષડયંત્રને અંજામ આપ્યાની આશંકા સાથે પરાક્રમસિંહ જાડેજાએ ભારે નારાજગી વ્યક્ત કરી તેઓને બદનામ કરનાર સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી.