થરાદ : લાખણી તાલુકાના ટરૂવા ગામે એક યુવક થોડા દિવસ પહેલાં એક યુવતીને ભગાડી ગયો હોવાની અદાવત રાખી ટોળાએ ઘાતક હથિયારો સાથે હુમલો કરી મકાનમાં તોડફોડ કરી આગચંપી કરતાં ચકચાર મચી ગઈ હતી. ઘાતકી હુમલામાં બે મહિલા સહિત ચાર લોકો ઇજાગ્રસ્ત થતાં સારવાર અર્થે ખસેડાયા હતા. આ મામલે નોંધાયેલી ફરિયાદના આધારે પોલીસે ૨૦ જેટલી વ્યક્તિઓ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પોલીસે ગામમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો. ટરૂવા ગામનાં મહિલાએ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં જણાવ્યું હતું કે શનિવારે રાત્રિના સુમારે પોતાના પુત્રના ઘરે ઘણા માણસોનો અવાજ આવતાં તેણીના પુત્ર તથા પુત્રી સાથે તેમના ઘરે ગયા હતા. તે વખતે ગામના ત્રણ શખ્સો હાથમાં લોખંડની પાઇપ અને ધારીયા સાથે પહોંચ્યા હતા જ્યારે મુળ. સદરપુરા ગામના અન્ય ચાર શખ્સો કેરોસીનના કાકડા અને લાકડીઓ સાથે હુમલો કરવા ધસી આવ્યા હતા. તેમણે ફરિયાદી મહિલાના પુત્રના ઘરનો દરવાજો તોડી પુત્ર અને પુત્રવધુ પર હુમલો કર્યો હતો. આ સમયે માતા પોતાના પુત્રને બચાવવા જતાં તેમના પર પણ હુમલો કરાયો હતો. અને પુત્રને ઘરમાંથી બહાર લાવીને માર મારવા લાગ્યા હતા. આ લોકોને પુછતાં હુમલો કરનારાએ કહ્યું કે, પંદરેક દિવસ પહેલાં યુવક પોતાની બહેનને ભગાડી ગયો હતો. તેમ જણાવ્યા બાદ તમામે મળીને ફરિયાદી પુત્રના ઘરની તમામ ઘરવખરી અને નળીયા તોડી ગોદડાં બાળી નાખ્યા હતા. હુમલો કરવા આવેલા લોકોએ ફરિયાદી મહિલાના ઘરને આગ લગાડી દીધી હતી. આ સમયે બધાએ બચવા માટે બુમો પાડી હતી ત્યારે હુમલોખોરોેએ ફરિયાદીના કાકીસાસુ પર કેરોસીન છાંટી જીવતી સળગાવવાનો પ્રયાસ કર્યો હતો. દરમિયાન કોઇએ ફોન કરતાં દોડી આવેલી પોલીસને કારણે હુમલો કરનારા શખ્સો નાસી છૂટ્યા હતા. પોલીસે વીસ જેટલી વ્યક્તિઓના ટોળા સામે ગુનો દાખલ કરી ઉપરોક્ત કસૂરવારોની અટકાયત કરવાની તજવીજ હાથ ધરી હતી. પોલીસ સૂત્રોએ આ અંગે જણાવ્યું હતું કે, એક યુવક થોડા દિવસ પહેલા એક યુવતીને ભગાડી ગયો હોવાની અદાવત રાખી કાવતરા સાથે હુમલો કરાયો હતો.