વડોદરા, તા. ૫

હરણીગામમાં રામજી મંદિર પાસે રહેતા ભુપેન્દ્ર જશભાઈ પટેલ ગત રાત્રે દુકાનમાં ખરીદી માટે જતા હતા તે સમયે ગામના ચોતરા પાસે તેમના મિત્રો સંદિપ જયંતિલાલ પટેલ, નિતિન ઈશ્વરભાઈ પટેલ, વિવેક પ્રવિણભાઈ પટેલ અને બિરેન અશ્વિનભાઈ પટેલ ઉભા હોઈ તે પણ મિત્રો સાથે વાત કરવા માટે ઉભા રહ્યા હતા. આ દરમિયાન ત્યાં ધસી આવેલા હરણી ગામમાં રહેતા જીજ્ઞેશ ઉર્ફ મંગેશ રમેશ ચૈાહાણ, વિનોદ ઉર્ફ લાલો વિજય પટેલ, સુનિલ ઠાકોર રાજપુત અને મેવો સુરેશ રાજપુતે વાહન પાર્કિંગના મુદ્દે થયેલા અગાઉ નિતિન પટેલ સાથે થયેલા ઝઘડાની અદાવતે ત્યાં ઉભેલા નિતિન પટેલ અને તેમના મિત્રોને અપશબ્દો કહ્યા હતા. આ ચારેય યુવકોને ભુપેન્દ્ર પટેલ અને મિત્રોએ સમજાવવાનો પ્રયાસ કરતા તેઓએ અચાનક ઝપાઝપી શરૂ કરી હતી. આ દરમિયાન વિનોદે છરો કાઢી ભુપેન્દ્ર પટેલના જમમા કાન પર મારી દીધો હતો તેમજ ભુપેન્દ્રને બચાવવાનો પ્રયાસ કરનાર સંદિપ, વિવેક અને બિરેનને પણ જીજ્ઞેશે ધારિયુ મારી ગંભીરઈજાઓ પહોંચાડી હતી. આ બનાવના પગલે બુમરાણ મચતા ચારેય હુમલાખોરોના અન્ય ચાર સાગરીતો રીકો સુરેશ રાજપુત, વિશાલ પરમાર, ઉમેશ ચૈાહાણ અને જય ઉર્ફ જગો પરમારે પણ ત્યાં દોડી આવી ભુપેન્દ્ર પટેલ અને તેમના મિત્રોને ‘તમે પટેલો બહુ દાદા થઈ ગયા છો તમને જાેઈ લઈશુ ,તમને પતાવી નાખવા પડશે’ તેમ કહીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.