વડોદરા : કોરોનાના કેસોમાં ઘટાડો થતાં રાજ્ય સરકારે મિનિ લૉકડાઉનમાં આંશિક છૂટછાટ આપી સવારે ૯ વાગ્યાથી બપોરે ૩ વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રાખવાની માંજૂરી આપી છે. જાે કે, આ છૂટછાટને પગલે બજારોમાં ફરીથી ભીડ જાેવા મળી રહી છે. આંશિક છૂટછાટ બાદ પહેલા રવિવારે ખંડેરાવ માર્કેટ, મંગળ બજાર તેમજ વડોદરાના રાજમહેલ રોડ પર આવેલા મરીમાતાના ખાંચામાં મોબાઇલ માર્કેટ સહિત અનેક બજારોમાં ભારે ભીડ જામેલી જાેવા મળી હતી. તેમાં કેટલાક લોકો માસ્ક નાકની નીચે રાખીને અને વગર માસ્કે ફરતા જાેવા મળ્યા હતા અને સોશિયલ ડિસ્ટન્સનો પણ અભાવ જાેવા મળ્યો હતો. જેથી ફરીથી કોરોનાનું સંક્રમણ વધે તેવી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે.કોરોનાની બીજી લહેરમાં વડોદરા સહિત રાજ્યભરમાં લાખો લોકો સંક્રમિત થયા અને હજારો લોકોના મૃત્યુ થયા હતા. જાે કે, હવે ધીરે ધીરે કેસોમાં નોંધપાત્ર ઘટાડો થઈ રહ્યો છે. જેથી વેપારીઓની માગને લઇને રાજ્ય સરકારે મિનિ લૉકડાઉનમાં આંશિક છૂટછાટ આપી છે, જેથી વેપારીઓ ધંધા-રોજગાર કરી શકે. જાે કે, સરકારે કોરોના ગાઇડલાઇનનું ચુસ્ત પાલન કરવાની સૂચના આપી છે અને પાલન ન થયું તો ફરીથી કોરોનાની સ્થિતિ સ્ફોટક બને તેવી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે.મિનિ લૉકડાઉનમાં આંશિક છૂટછાટને લઇને વડોદરાના માર્કેટ ફરી ધમધમી ઉઠ્‌યા છે. ત્યારે આજે મિનિ લૉકડાઉનમાં આંશિક છૂઠછાટ બાદ પ્રથમ રવિવારે વડોદરાના ખંડેરાવ માર્કેટ, ફ્રૂટ બજાર, મંગળ બજાર, રાજમહેલ રોડ પર આવેલા મરીમાતાના ખાંચામાં ચાલતા મોબાઇલ માર્કેટ સહિત બજારો અને રાજમાર્ગો પર ભારે ભીડ જાેવા મળી હતી.

ભીડ ઓછી કરવા લૉકડાઉનના સમયમાં વધારો કરવા સૂચન

 ભીડ પાસે જાહેરનામાનું પાલન કરાવવા માટે કે ટ્રાફિકનું સુચારુ સંચાલન માટે કોઈ સ્થળે પોલીસ નજરે ચઢી નહોંતી. વેપારીઓએ ચેતવણી ઉચ્ચારી હતી કે જાે આવી જ સ્થિતિ રહી તો કેસોમાં ઉછાળો આવશે. વેપારીઓએ રાજય સરકારે જે આંશિક લોકડાઉન યથાવત રાખ્યું છે તેના કારણે ખરીદી માટે સમય ઓછો મળતો હોઈ ભીડ ઉમટી પડે છે. જાે લોકડાઉનનો સમય સવારે ૯થી સાંજના ૭ સુધી કરવામાં આવે તો લોકોને ખરીદી માટે દિવસભર સમય મળતા ભીડના દ્રશ્યો નહી સર્જાય અને જાહેરનામાનો પણ અમલ થશે.