મહામારીએ માનવીની જીવી જવાની જીજીવિષાની તો ખરી જ પણ માનવતાની પણ આકરી પરીક્ષા છે. જેના કુખે જન્મ લીધો, જેની આંગળી ઝાલી ચાલતા શિખ્યા, જેની સાથે ધીંગામસ્તી કરી- રીસામણાં મનામણાં થયા અને છતાં લોહીના સંબંધના નાતે એક અતૂટ કૌટુંબિક ભાવના સર્જી આપી એવા લોહીના સંબંધને પણ કોરોનાએ પાણીથી પણ પાતળા કરી નાખ્યાના હૃદય હચમચી જતા દ્રશ્યો આજે પણ સ્મશાનભૂમિઓમાં ખોડાઈને પડયા છે.

ખાસવાડી વાસણા જેવા અનેક સ્મશાનોમાં લગભગ એક વર્ષ અગાઉ કોરોનામાં મૃત્યુ પામેલાઓના અસ્થિકુંભો હજી આજે પણ બીનવારસી હાલતમાં ધૂળ ખાતાં કચરામાં પડયા છે. સડી ગયેલા કબાટોમાં શોપીસની જેમ ગોઠવાયેલા આ અસ્થિકુંભો લોહીના સંબંધોને વીસરીને પોતાના સગા-સંબંધીઓના અસ્થિકળશને સુધ્ધા લેવા આવવાની તસ્દી નહીં લેનારા કુટુંબીજનોની અસંવેદનશીલતાના પૂરાવા છે. કોરોના-મહામારીએ માનવજાતને કેટલી આત્મકેન્દ્રી અને અસંવેદનશીલ બનાવી દીધી છે. તેનો આનાથી વધુ શરમજનક દાખલો બીજાે શું હોઈ શકે?