વડોદરા, તા.૩

તાલુકાના અનગઢ ગામે ખેતરમાંથી અવરજવર કરવા મામલે થયેલ બોલાચાલીમાં ગામના યુવાને ગાદલા મુકવાના ડામચિયાના પાયા વડે હુમલો કરી ઘરમાં હાજર યુવકનું કાસળ કાઢી નાખ્યું હતું. આ હત્યાની જાણ ગામમાં પ્રસરી જતાં ચકચાર મચી જવા પામી હતી. આ અંગે નંદેસરી પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.

આ અંગે મળતી વિગત મુજબ અનગઢ ગામે શિવરાજસિંહ ભાગમાં રહેતા કુટુંબી ભાભી વિમળાબેન અરવિંદભાઈ ગોહિલે નંદેસરી પોલીસમાં ફરિયાદ નોંધાવતાં જણાવ્યું હતું કે, પતિના અવસાન બાદ પુત્ર વિક્રમસિંહ ઉર્ફે ગોમ ગોહિલ રહે છે. અનગઢ નજીક હઠીપુરા ખાતે માતા રૂપાબેનની જમીન આવેલ છે તે જમીનમાં મારા મમ્મી રહે છે. આ ખેતરની બાજુમાં ગામમાં જ શિવરાજસિંહ ભાગમાં રહેતા શનાભાઈ બાબરભાઈ ગોહિલનું ખેતર આવેલ છે. આ ખેતરમાં ક્રિકેટ રમતો હોય જેથી ખેતરમાલિકનો દીકરો ગોમ ત્યાં જઈને ભત્રીજા ગોપાલને અપશબ્દો બોલી અમારા ખેતરમાંથી જવાનું નથી તેમ કહ્યું હતું. જેથી વિક્રમસિંહ ઉર્ફે ગોમને પૂછતાં તેને રૂપાબેનના ખેતરમાંથી જતો હોવાનું જણાવ્યું હતું.સાંજના છ વાગ્યાની આસપાસ શનાભાઈ ગોહિલનો પુત્ર વિપુલ ગોહિલ વિક્રમસિંહના આવ્યો હતો જ્યાં તે ખાટલામાં સૂતો સૂતો મોબાઈલ જાેતો હતો, તે વખતે વિપુલ ગોહિલે ગમેતેમ ગાળો બોલવા લાગ્યો હતો. બંને વચ્ચે બોલાચાલી સાથે ઝઘડો થયો હતો. જેમાં વિપુલે વિક્રમના ઘરમાં ગાદલા મુકેલ ડામચિયો પાડી દઈને પાયા વડે હુમલો કરતાં વિક્રમને ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. તેને સારવાર માટે ગોત્રી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તેને મૃત જાહેર કર્યો હતો. નંદેસરી પોલીસ મથકને આ બનાવની જાણ કરવામાં આવતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને હત્યાનો ગુનો દાખલ કરી આરોપીની ધરપકડના ચક્રો

ગતિમાન કર્યા છે.