મુંબઈ-

૩૦ વર્ષીય મહિલા પર કથિત બળાત્કાર મામલે મુંબઈ પોલીસે એક પુરુષની ધરપકડ કરી છે. ગુરુવારે રાત્રે મહિલા શહેરના સાકી નાકા વિસ્તારમાં આવેલા ખૈરાણી રોડ પર બેભાન હાલતમાં મળી આવી હતી. હાલમાં મહિલાની શહેરની ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે અને પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે આરોપીએ બળાત્કાર બાદ મહિલાના પ્રાઈવેટ પાર્ટમાં સળિયો નાખ્યો હતો.

આ ઘૃણાસ્પદ ગુનામાં પોલીસના હાથે ઝડપાયેલા વ્યક્તિનું નામ મોહન ચૌહાણ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. ૪૫ વર્ષીય મોહન ચૌહાણ ઘટનાના થોડા કલાકોમાં જ પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો. પોલીસે કહ્યું કે કંટ્રોલ રૂમને માહિતી મળી હતી કે એક પુરુષ મહિલાને ખરાબ રીતે મારતો હતો.

આ માહિતી મળતા પોલીસની એક ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. અહીં મહિલા રસ્તા પર લોહીથી લથપથ પડી હતી. આ પછી મહિલાને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવી હતી. પોલીસે જણાવ્યું કે પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે મહિલા પર બળાત્કાર કરવામાં આવ્યો છે અને તેના પ્રાઈવેટ પાર્ટમાં સળિયો નાખવામાં આવ્યો છે. પોલીસનું કહેવું છે કે આ ક્રૂરતા મહિલાને રસ્તાની બાજુમાં પાર્ક કરેલા ટેમ્પોની અંદર કરવામાં આવી છે.

વાહનની અંદર લોહીના છાંટા પણ મળી આવ્યા છે. તબીબોના મતે મહિલાની હાલત નાજુક છે. પોલીસનું કહેવું છે કે આરોપી ચૌહાણની ધરપકડ કરવામાં આવી છે. આ કેસમાં ભારતીય દંડ સંહિતાની કલમ ૩૦૭ (બળાત્કારનો પ્રયાસ) અને ૩૭૬ (બળાત્કાર) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસનું કહેવું છે કે આ મામલે વધુ તપાસ પણ કરવામાં આવી રહી છે.